Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનું ગુરુકુળ કુરુક્ષેત્ર ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું

ગુરુકુળ કુરુક્ષેત્રની ભૂમિ ઉપર થઇ રહેલાં પ્રાકૃતિક કૃષિના સફળ પ્રયોગોના નિદર્શન માટે રાજ્યપાલશ્રીના નિમંત્રણ પર મુખ્યમંત્રી ગુરુકુળ કુરુક્ષેત્ર પહોંચ્યા

રાજકોટ તા.૧૬ : ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સમગ્ર દેશના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરિત કરી રહ્યા છે. હરિયાણાના ગુરુકુળ કુરુક્ષેત્રમાં ૨૦૦ એકર ભૂમિમાં પ્રાકૃતિક કૃષિના તેમણે કરેલા સફળ પ્રયોગોના નિદર્શન માટે રાજ્યપાલશ્રીના નિમંત્રણ પર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને હરિયાણાના મુખ્યમંત્રીશ્રી મનોહરલાલ ખટ્ટર આજે સ્વયં ગુરુકુળ કુરુક્ષેત્ર પહોંચ્યા હતા. રાજ્યપાલશ્રીએ બંને રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ અને પ્રતિનિધિ મંડળનું ગુરુકુળ કુરુક્ષેત્રની ધરતી પર ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું.

રાજ્યપાલશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર તેમજ બંને રાજ્યોના પ્રતિનિધિ મંડળ સાથે વિચાર વિમર્શ કર્યો હતો અને ગુરુકુળ કુરુક્ષેત્રની ભુમિ પર થઈ રહેલી પ્રાકૃતિક કૃષિ અંગે જાણકારી આપી હતી. તેમણે રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવા માટે પ્રાકૃતિક કૃષિને મજબૂત વિકલ્પ તરીકે ગણાવી હતી અને જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતના ખેડૂતો સમગ્ર દેશના ખેડૂતો માટે પ્રેરણાસ્રોત બનશે.
      રાજ્યપાલશ્રીએ ખેડૂતો અને ખેતીની આત્મનિર્ભરતા માટે પ્રાકૃતિક કૃષિને આવશ્યક ગણાવી હતી.
ગુરુકુળ કુરુક્ષેત્રના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીશ્રી સાથે રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, રાજ્યના મુખ્ય સચિવ શ્રી  પંકજકુમાર તેમજ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી મુકેશ પુરી પણ જોડાયા હતા.
 

(3:04 pm IST)