Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

કોંગ્રેસ આ મહિને ગમે ત્‍યારે ૫૮ ઉમેદવારોના નામ જાહેર કરશે!

૬૦૦ મુરતિયાઓએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી, જો કે ૭ શહેર- જિલ્લામાં કોઈએ પણ દાવેદારી ન નોંધાવી:રાજકોટ શહેર, જામનગર, પોરબંદર, જુનાગાઢ અને નડિયાદમાંથી હજુ સુધી કોઈએ દાવેદારી નોંધાવી નથીઃ રાજકીય પંડીતોનું માનવું છે કે હારેલી બેઠક ઉપર જો કોંગ્રેસ અત્‍યારથી જ નામ જાહેર કરી દેશે તો ફીફટી- ફીફટી ફાયદો-નુકસાન થઈ શકે :કયા જિલ્લામાંથી કેટલા ઉમેદવારોએ કોંગ્રેસની ટિકિટ માંગી? : કચ્‍છ -૯૭, મોરબી -૨૯, રાજકોટ -૧૭, જૂનાગઢ -૩૨, અમરેલી - ૨૧, અમદાવાદ-૪૭, અમદાવાદ શહેર -૧૧, મહેસાણા-૧૭, સાબરકાંઠા-૨૩, અરવલ્લી-૪૭, બનાસકાંઠા-૧૬, પંચમહાલ-૫૩, ભરૂચ શહેર અને જિલ્લામાંથી - ૩૧, નર્મદા - ૧૮, સુરત શહેર અને જિલ્લામાંથી ૧૦, તાપી -૧૨

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો બંધ બાજી ઉઘાડતા જાય છે. ‘આપ'ની એન્‍ટ્રીથી પ્રથમ વખત ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસનું રાજકિય સમીકરણ બગડયું છે. ત્‍યારે ગુજરાત કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણી માટે ૬૦૦ દાવેદારોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. ૧૮૨ બેઠકો માટે આ દાવેદારી રાફડા ફાટયા સમાન ગણાય પણ ચિંતાનો વિષય એ છે કે કચ્‍છ જેવા જિલ્લામાં ૯૭ જેટલા ટિકિટ વાંછુકો ચૂંટણી લડવાની તૈયારી બતાવી રહ્યા છે જયારે ઘણા એવા જિલ્લાઓ છે જેમાં કોંગ્રેસને મુરતિયો મળવો મુશ્‍કેલ છે.

૧૮૨ બેઠકો માટે કોંગ્રેસને ૬૦૦થી વધુ દાવેદાર મળ્‍યા છે. કેટલીક જગ્‍યાએથી એકપણ દાવેદારી પ્રદેશ કાર્યાલય પહોંચી નથી તો કેટલાક જિલ્લાઓમાં સિંગલ ડિજીટમાં દાવેદાર મળ્‍યા છે. ૯૭ દાવેદાર સાથે સૌથી વધુ દાવેદાર કચ્‍છ જિલ્લામાંથી જે બાદ મહીસાગરમાંથી ૫૩ લોકોએ ટિકિટ માંગી, અમદાવાદ અને અરવલ્લી જિલ્લામાંથી ૪૭-૪૭ લોકોએ ટિકિટ માંગી, જૂનાગઢ જિલ્લામાંથી ૩૩ લોકોએ દાવેદારી નોંધાવી છે પણ વડોદરા શહેર અને ડાંગ જિલ્લામાંથી હજુ ૧ પણ ફોર્મ આવ્‍યું નથી. રાજકોટ અને જામનગર શહેર, પોરબંદર અને જૂનાગઢ શહેર, નડિયાદ શહેરમાંથી એકપણ દાવેદારી નહીં.  જોકે હજુ જિલ્લા કક્ષાએથી પ્રદેશ કાર્યાલયે બાયોડેટા આવી રહ્યા છે. પણ આ જોતાં કોંગ્રેસને વધુ દાવેદારીવાળી સીટ પર આંતરિક ડખાની ભીતિ છે જ્‍યારે ઓછા કોંગી કાર્યકર્તાઓ શહેરમાં ટિકિટ માંગવાથી જાણે હાથ અધ્‍ધર કરી લીધા છે.

એક તરફ ભાજપ અત્‍યારથી માઈક્રો પ્‍લાનિંગ કરી લોકો સુધી પહોંચવાની રણનીતિ બનાવી રહ્યું છે. ગુજરાત ‘આપ' પાર્ટીએ રાજ્‍યમાં ચૂંટણી જાહેર થયા તે પહેલા ઉમેદવારો જાહેર કરી નવો ચીલો ચીતર્યો છે. ત્‍યારે ગુજરાત કોંગ્રેસ પણ ‘આપ'નારસ્‍તે જઈ રહી હોય તેવુ લાગી રહ્યું છે.

ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ગમે તે ઘડીએ કોંગ્રેસ ઘારાસભ્‍યના મુરતીયાની પ્રથમ યાદી જાહેર થઇ શકે છે. કોંગ્રેસની ૫૮ ઉમેદવારોની યાદી તૈયાર થઈ ચૂકી છે.ઉમેદવારનું લિસ્‍ટ પણ હાઇકમાન્‍ડને મોકલી દેવામાં આવ્‍યું હતું જેણે મંજૂરી પણ મળી ગઈ છે. મહત્‍વનું છે કે છેલ્લી ૩ ટર્મથી હારતી બેઠકના ઉમેદવાર નકકી કરી કોંગ્રેસ હારેલી સીટને કબજે કરવાની રણનીતિ બનાવી ચૂંટણી જંગમાં ઝંપલાવ્‍યું છે. જો કોંગ્રેસ ઉમેદવારોનું લિસ્‍ટ જાહેર કરે તો પ્રથમ વાર બનશે કે વિધાનસભા ચૂંટણીમાં પ્રથમવાર કોંગ્રેસ આટલી જલ્‍દી લિસ્‍ટ જાહેર કરશે. નહીં તો આમ કોંગ્રેસ ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ જ ઉમેદવારોની જાહેરાત કરતું હોય છે. ત્‍યારે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ આ નવા દાવથી કાઠું કાઢી શકશે કે નહીં?

ગુજરાત કોંગ્રેસના પ્રદેશના એક અગ્રણીએ જણાવેલ કે સપ્‍ટેમ્‍બર માસના અંતમાં ઉમેદવારોના નામ જાહેર કરી લેવામાં આવશે. શહેરી બેઠકોના ઉમેદવારોના નામ વહેલા જાહેર કરાશે. છેલ્લા ત્રણ ટર્મથી હારતી બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જલ્‍દી જાહેર કરશે.  ઉમેદવારોનું લિસ્‍ટ હાઈકમાન્‍ડને મોકલાયું હતુ. જાહેર કરવામાં આવનાર ૫૮ બેઠકો માટે કોંગ્રેસને ચૂંટણી લડવા ૬૦૦થી વધુ ઉમેદવારોના બાયોડેટા મળ્‍યા હતા. વરસાદને કારણે ચૂંટણી લડવા ઈચ્‍છુક ઉમેદવારોને બાયોડેટા મોકલવા સમય લંબાવાયો છે. સીટિંગની સીટ પરથી મર્યાદીત બાયોડેટા મળ્‍યા છે જ્‍યારે SC અનામત બેઠકો પર અઢળક ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.

રાજકિય પંડિતો માની રહ્યા છે કે હારેલી સીટ પર જો કોંગ્રેસ ઉમેદવાર અત્‍યારથી જાહેર કરી દે તો ફિફ્‌ટી ફિફ્‌ટી  ફાયદો અને નુકસાન થઈ શકે છે કારણ કે ઉમેદવારોને લોકો સુધી પહોંચશે જેથી પૂરતો ફાયદો મળશે તો બીજી તરફ આંતરિક વિખવાદનો ઉકલતો ચરૂ બહાર આવતા જ ગમે ત્‍યારે કોંગ્રેસના પાયા ડગમગાવી શકે છે.  ખેર રાજનીતિમાં કહેવાય છે કે બધુ જ નકકી હોય છે સમયે સમયે પત્તા ખૂલતાં કાવાદાવા બહાર આવે છે. ત્‍યારે જોવું રહ્યું કે  અન્‍ય પક્ષોને માત આપવાની ભાજપની માહિર રણનીતિ ગુજરાત કોંગ્રેસના આ ખેલને કઈ રીતે સમજે છે અને કઈ રીતે પોતાના સોગઠાં ગોઠવે છે.

(1:05 pm IST)