Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

ગુજરાત રાજ્‍યના રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમાર સાથે લાગણીસભર મુલાકાત

રાજકોટ તા. ૧૬ : ગુજરાત રાજયના રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંસ્‍કૃતિ-સાહિત્‍ય-સંગીત-પ્રેમી અગ્ર સચિવ અશ્વિની કુમાર (આઈએએસ) સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીની લાગણીસભર મુલાકાત થઈ હતી.

નાયબ સચિવ એસ. કે. હુડા (આઈએએસ), ખ્‍યાતનામ લોકગાયક, સાહિત્‍ય-લોકસાહિત્‍ય-અભ્‍યાસુ અભેસિંહ રાઠોડ, ગુજરાત સાહિત્‍ય અકાદમીના મહામાત્ર, સાહિત્‍ય-અભ્‍યાસુ, શિક્ષણવિદ્‌ ડો. જયેન્‍દ્રસિંહ જાદવ, પુસ્‍તક-પ્રેમી ગ્રંથાલય નિયામક ડો. પંકજભાઈ ગોસ્‍વામી, લોકસેવક, સ્‍વાતંત્ર્ય-સેનાની વજુભાઈ શાહ અને લોકસેવિકા, પૂર્વ સાંસદ જયાબેન શાહના અમેરિકા સ્‍થિત વૈજ્ઞાનિક પુત્ર ડાઙ્ઘ. અક્ષયભાઈ શાહ, ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગની સેન્‍ટ્રલ ખાદી માર્ક કમિટી અને ભાલ નળ કાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન ગોવિંદસિંહ ડાભીની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી. 

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્‍મજયંતી વર્ષ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રેરક આયોજનો બદલ પિનાકી મેઘાણીએ હ્ર દયથી આભાર માન્‍યો હતો. જન્‍મભૂમિ ચોટીલા ખાતે ઝવેરચંદ મેઘાણીની પુણ્‍યસ્‍મૃતિમાં ભવ્‍ય જન્‍મસ્‍થળ સ્‍મારક-સંકુલ (મ્‍યૂઝિયમ)નું નિર્માણ થાય તે માટે અગ્ર સચિવ અશ્વિની કુમાર સવિશેષ પ્રયત્‍નશીલ છે. ગાંધી-સર્વોદય મૂલ્‍યો-વિચારોને વરેલાં પીઢ ગાંધીવાદી, ખાદી-રચનાત્‍મક ક્ષેત્રનાં આગેવાન, આજીવન સમાજ-સેવિકા અને પૂર્વ સાંસદ સ્‍વ. જયાબેન વજુભાઈ શાહની જન્‍મ-શતાબ્‍દી નિમિત્તે એમનાં દ્વારા ૧૯૮૭માં લિખિત સૌરાષ્ટ્રના સ્‍વાતંત્ર્ય સૈનિકો અને લડતો પુસ્‍તકની નવીન આવૃત્તિ સહિત કુલ સાત પ્રેરક પુસ્‍તકોનો સેટ ગુજરાત રાજયની તમામ સરકારી પુસ્‍તકાલયોને ડો. અક્ષયભાઈ શાહની પ્રેરણાથી સૌરાષ્ટ્ર રચનાત્‍મક સમિતિ (રાજકોટ) દ્વારા ભેટ આપવામાં આવશે. અગ્ર સચિવ અશ્વિની કુમારની શાલિનતા, સૌમ્‍યતા અને સાલસતા સહુને સ્‍પર્શી ગઈ હતી.

(11:39 am IST)