Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

૨૦૨૧માં ગુજરાતમાં થયેલ ૫૦ ટકા એકસીડન્‍ટ જીવલેણ

૮૨ ટકા મોતનું કારણ ઓવર સ્‍પીડ

અમદાવાદ, તા.૧૬: ૨૦૨૧માં પોલીસમાં નોંધાયેલ ૧૫૨૦૦ રોડ ટ્રાફીક એકસીડન્‍ટસ (આરટીએ)માં ૭૪૫૭ લોકોએ પોતાના જીવ ગુમાવ્‍યા હતા, છેલ્લા ૧૦ વર્ષમાં આ ૪૯ ટકાનો મૃત્‍યુદર સૌથી વધારે હતો. પાંચ વર્ષ પહેલા મૃત્‍યુદર લગભગ ૩૭-૩૮ ટકા રહેતો હતો. છેલ્લા બે વર્ષમાં એકસીડન્‍ટસની સંખ્‍યા જયારે ઘટી છે ત્‍યારે મૃત્‍યુદર વધવો એ દર્શાવે છે કે અકસ્‍માતોવધારે જીવલેણ બની રહ્યા છે.

આ આંકડાઓ નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્‍યુરો (એનસીઆબી)ના ૨૦૨૧ના એકસીડન્‍ટ ડેથ્‍સ એન્‍ડ સુસાઇડ અંગેના હાલમાં જ પ્રકાશિત થયેલા રિપોર્ટમાં છે.

ગુજરાતના શહેરોમાં ૪૦.૫ ટકાના સૌથી વધુ મૃત્‍યુદર સાથે સુરત પ્રથમ નંબરે છે. રાજકોટ ૩૭ ટકા સાથે બીજા નંબર પર, ત્‍યાર પછી વડોદરા ૩૧ ટકા અને અમદાવાદ ૨૮ ટકા છે. છેલ્લા પાંચ વર્ષમાં સુરતનો આ સૌથી વધારે મૃત્‍યુદર છે. કોરોના પહેલાની સરખામણીમાં મૃત્‍યુઆંક થોડો ઘટયો છે. ૨૦૧૭માં તે ૭૬૬૦ હતો અને ૨૦૧૮માં ૮૦૪૦ હતો. સૌથી ઓછો મૃત્‍યુઆંક ૨૦૨૦માં ૬૨૦૦ નોંધાયો હતો કેમ કે એ વર્ષે મહામારીના કારણે લાંબો સમય લોકડાઉન રહ્યુ હતું.

રોડ સુરક્ષા નિષ્‍ણાંતો કહે છે કે એકસીડન્‍ટમાં ઘટાડો એ સારી બાબત છે. વાર્ષિક ૧૮,૦૦૦ થી વધારે આરટીએની સરખામણીમાં છેલ્લા બે વર્ષમાં ૧૫૨૦૦ અને ૧૩૪૦૦ એકસીડન્‍ટો થયા છે. જો કે એકસીડન્‍ટો હવે વધારે જીવલેણ બન્‍યા છે.

જો અકસ્‍માતોનું વિશ્‍લેષણ કરવામાં આવે તો ટુ વ્‍હીલર્સ ચાલકો આનો સૌથી વધારે ભોગ બન્‍યા હતા, જીવલેણ અકસ્‍માતોમાં તેમનો હિસ્‍સો લગભગ અડધો એટલે કે ૪૭ ટકા હતો, ત્‍યારપછી રાહદારીઓ ૧૮ ટકા અને કાર ડ્રાઇવરો ૧૫ ટકા હતો. જીવલેણ અકસ્‍માતોમાં પ્રાથમિક કારણોમાં ઓવર સ્‍પીડીંગ સૌથી વધારે ૮૨ ટકા હતુ, ત્‍યારપછી જોખમી ડ્રાઇવીંગ ૧૦ ટકા અને હવામાનની પરિસ્‍થિતી ૧૭ ટકા હતી.

(10:10 am IST)