Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

ખાનગી શાળાઓમાં પરીક્ષાની મોસમ શરૂ... ગ્રાન્‍ટેડમાં નવરાત્રી પછી કસોટી

વિદ્યાર્થીની નવરાત્રિ ન બગડે એ માટે ખાનગી શાળામાં અલાયદું આયોજન

સુરત,તા. ૧૬: સુરત સહિત રાજ્‍યભરની શાળાઓમાં ચાલુ શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩માં રાબેતા મુજબનું શિક્ષણકાર્ય ચાલી રહ્યુ છે. ત્‍યારે સુરતની ખાનગી શાળાઓમાં ત્રણ માસના શિક્ષણકાર્ય બાદ પરીાૉની મોસમ શરૂ થઇ ગઇ છે. ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૦ નવેમ્‍બરથી ધોરણ-૯ થી ૧૨ની પ્રથમ પરીક્ષા લેવાનું શિડયુલ અગાઉ જાહેર કર્યું હતું. તે સામે વિદ્યાર્થીઓની નવરાત્રિ ન બગડે તે માટે અનેક ખાનગી શાળાઓએ પ્રથમ પરીક્ષા માટે અલાયદું આયોજન કરી દીધુ છે. જ્‍યારે ગ્રાન્‍ટેડ શાળામાં બોર્ડની સત્ર વ્‍યવસ્‍થા પ્રમાણે ૧૦ ઓકટોબરથી પરીક્ષા લેવાશે.

નોંધનીય છે કે, કોરોનાના કપરાકાળ પછી આ ષ્‍વર્ષે ૨૦૨૨-૨૩ના નવા સત્રમાં પહેલેથી જ તમામ ધોરણ, વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણ શરૂ થયું હતું. એવામાં હવે શિક્ષણકાર્યને ત્રણ માસ પુરા થયા બાદ હવે પ્રથમ પરીક્ષાને લઇને શાળા વર્તુળમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. ઉપરાંત, દર વર્ષે શાળાઓમાં પ્રથમ સત્ર વેળાએ  નવરાત્રિ પર્વને ધ્‍યાને રાખી પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. સામાન્‍યપણે નિર્ધારિત સત્ર વ્‍યવસ્‍થામાં નવરાત્રિ પછી ધોરણ ૯ થી ૧૨ ની પરીક્ષાનો ઉલ્લેખ કરાઇ છે. આ વર્ષે પણ ધોરણ ૯ થી ૧૨ની પ્રથમ પરીક્ષા નવરાત્રિ બાદ ૧૦ થી ૧૮ ઓકટોબર વેળાએ લેવાની તાકીદ કરાઇ છે. જો કે ૨૬ સપ્‍ટેમ્‍બરથી નવરાત્રિ પર્વની શરૂઆત થતી હોય વિદ્યાર્થીઓની નવરાત્રિ ન બગડે એ માટે હમણાંથી જ પ્રથમ  સત્રની પરીક્ષા શરૂ કરી દેવાનું આયોજન કર્યું છે. જ્‍યારે ઘણી શાળાઓમાં નવરાત્રિના દિવસોમાં ગૌણ અને મુખ્‍ય વિષયની પરીક્ષા લેવાનું મુનાસિબ માન્‍યુ છે. (૨૨.૭)

દિવાળી પહેલા પરિણામ આપી દેવા આયોજનઃ આચાર્યો

ખાનગી શાળાના આચાર્ય, શિક્ષકોના જણાવ્‍યા મુજબ, વિદ્યાર્થીઓને દિવાળી પહેલા જ પ્રથમ પરીક્ષાનું પરિણામ મળી રહે તે માટે આગોતરૂં આયોજન કરી દેવાયું છે. નવરાત્રિ પુરી થાય એ પહેલા પરીક્ષા પૂર્ણ થઇ જાય તો પરિણામ તૈયાર કરવા માટે પખવાડિયુ મળશે. બીજી બાજુ ગ્રાન્‍ટેડ શાળામાં ૧૮ ઓકટોબરે પરીક્ષા પૂર્ણ થવાની હોય દિવાળી પહેલા પરિણામ મળશે કે કેમ એ પ્રશ્‍ન ઉભો થયો છે. વળી, ખાનગી શાળાઓમાં બોર્ડના શિડયુલને કોરાણે મૂકીને પરીક્ષા લેવાતી હોય કેટલેક અંશે નારાજગી પણ જોવા મળી રહી છે

(10:09 am IST)