Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા પાલિકાના BRTS બસ સ્ટેશન ખાતેથી LED ટીવીની ચોરી

સિક્યુરિટી ગાર્ડ અને દરરોજની અનેક લોકોની અવરજવર રહેતી હોવા છતાં તસ્કરો ચોરીને અંજામ આપી ફરાર

સુરતના સરથાણા વિસ્તારમાં પાલિકાના બીઆરટીએસ બસ સ્ટેશનમાંથી LED ટીવી ચોરાઈ ગયુ હતું. બસ સ્ટેશનમાંથી ટીવી ચોરાઈ જતા સરથાણા પોલીસ મથકમાં અરજી નોંધવામાં આવી છે. સુરતમાં સરકારી માલ મિલકતની ચોરીની ઘટના યથાવત છે. અનેક જગ્યાએ સરકારી મિલકતોની ચોરી થઈ રહી છે. તેવામાં સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા પાલિકાના BRTS બસ સ્ટેશન ખાતેથી LED ટીવીની ચોરીની ઘટના બની છે.

સુરતમાં તમામ BRTS બસ સ્ટેશનમાં ટીવી મુકવામાં આવ્યા છે અને આ ટીવીની સુરક્ષાના ભાગરૂપે પેટી બનાવી તેની અંદર લોક કરીને ટીવી રાખવામાં આવ્યા છે. તેવામાં અજાણ્યા ઈસમો દ્વારા BRTS બસ સ્ટેશનમાં ઘુસી 35 હજારની મત્તાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી. ઘટના બનતા જ બસ સ્ટેશનના સિક્યુરિટી ગાર્ડ દ્વારા સરથાણા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. બનાવને પગલે સરથાણા પોલીસે તપાસ શરૂ કરી હતી.

(12:08 am IST)