Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

અમદાવાદમાં 36મી નેશનલ ગેમ્સ શહેરીજનો વિનામૂલ્યે નિહાળી શકશે

29મી સપ્ટેમ્બરથી પ્રારંભ થઈ રહેલા 36મી નેશનલ ગેમ્સ જોવા શહેરીજનોને વિનામૂલ્યે પ્રવેશ મળશે : ગેમ્સમાં લોકોને જોડવા શાળા-કોલેજ કક્ષાએ જાગૃતિ કાર્યક્રમો યોજાશે.

અમદાવાદ :  36મી નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાતમાં થઈ રહ્યુ છે. જેમાં અમદાવાદ મુખ્ય યજમાન તરીકે જોવા મળશે. અમદાવાદના શહેરીજનો નેશનલ ગેમ્સ સાથે જોડાય એ હેતુથી શાળા કોલેજો અને જાહેર જગ્યાઓ પર જાગૃતિના કાર્યક્રમો શરૂ કરાયા છે. જે અંતર્ગત ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને જોડતો કાર્યક્રમ તેમજ રિવરફ્રન્ટ  પર પણ સ્પોર્ટ્સ કાર્નિવલ શરૂ કરાયો છે. શહેરીજનો માટે સારી વાત એ છે કે તેઓ વિનામૂલ્ય નેશનલ ગેમ્સને માણી શકશે. અમદાવાદના 8 સ્ટેડિયમમાં 15 રમતો રમાશે.

આગામી 29મી સપ્ટેમ્બરથી 36મી નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાતમાં થઈ રહ્યુ છે. જેમાં વધુમાં વધુ લોકો આવે તેવો તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા દરેક કોલેજ અને યુનિવર્સિટીમા બ્રાન્ડીંગ અને એક્ટીવેશન કાર્યક્રમ થઈ રહ્યા છે. GTU ખાતે પણ નેશનલ ગેમ્સ અંગે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અમદાવાદના કલેક્ટર, મેયર, મ્યુનિસિપલ કમિશ્નર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.. ‘celebrating unity through sports’ કાર્યક્રમમાં યુવાઓને રમતમાં રસ પડે એવી કબડ્ડી, જુડો, કરાટે, યોગા તેમજ અન્ય રમતના સાધનો રજૂ કરાયા હતા.

આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરે જણાવ્યુ હતુ કે ચાર દિવસ સુધી અમદાવાદમાં કાર્નીવલનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સ્પોર્ટ્સ અને કલ્ચરલ ઈવેન્ટ્સ યોજાશે, ચાર દિવસ સુધી યોજાનારા આ પ્રોગ્રામ થકી શહેરીજનોને જોડવાના પ્રયાસ થશે. કમિશ્નરે જણાવ્યુ કે શહેરના આઠ મેદાનો પર નેશનલ ગેમ્સ યોજાશે અને તમામ મેદાનોમાં શહેરીજનો પ્રવેશ મેળવી શકશે.

(10:55 pm IST)