Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

સિનિયર સિટીજન લોકોને ઘરે જ તબીબી સારવાર મળી શકશે

પ્રોજેકટના અમલીકરણમાં છ મહિનાનો સમયઃ વૃદ્ધ-અશક્ત સિનિયર સિટીઝનને ૨૦૦ના ટોકન ચાર્જથી ઘેર બેઠા મેડિકલ સહાય મળી શકશે : મોટી વયમાં રાહત

અમદાવાદ,તા. ૧૮: રાજય સરકાર દ્વારા એક સારી સેવાના નિર્ણયના ભાગરૂપે અમદાવાદ શહેરમાં એકલા રહેતા વયોવૃદ્ધ અને બીમાર સિનિયર સિટીઝન માટે ૧૦૮ સેવાની જેમ તબીબી સેવા પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યો છે. આ અંતર્ગત વૃદ્ધ-અશક્ત સિનિયર સિટીઝનને રૂ.૨૦૦ના ટોકન ચાર્જથી ઘેર બેઠા મેડિકલ સહાય મળી શકશે. એકલવાયુ જીવન જીવતાં સિનિયર સીટીઝન્સ માટે આ બહુ મોટી રાહતની વાત છે. હાલમાં પ્રારંભિક તબક્કે ગાંધીનગર ખાતે પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેને સફળતા મળી રહી છે. તેથી હવે બીજા તબક્કામાં અમદાવાદમાં આ પ્રોજેકટનું અમલીકરણનું આયોજન ચાલી રહ્યું છે. જે માટે હજુ છએક મહિનાનો સમય લાગી જાય તેમ છે. સમાજમાં એકલા રહેતા વયોવૃદ્ધ અને બીમાર સિનિયર સિટીઝનને હોસ્પિટલ સુધી ન જવું પડે અને ઘેર બેઠા તબીબી સારવાર મળી રહે તે પ્રમાણેની ૧૦૮ ઈમર્જન્સી સેવા જેવો જ લાભ મેળવી શકાશે. જેના માટે તેમણે રૂ.૨૦૦ની ટોકન ફી ચૂકવવી પડશે. સિનિયર સિટીઝને તેના માટે આ યોજના અમદાવાદમાં શરૂ થશે ત્યારે રૂ.૧૦૦૦ ભરીને પ્રારંભિક રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેમાં તેમનો બધો જ ડેટા તેમજ તેમની રૂટિન બીમારી જેમ કે ડાયાબિટીસ, હાર્ટ, બીપી વગેરેની તકલીફો વગેરેના મેડિકલ ડેટા રજિસ્ટર્ડ થઈ જશે. જેથી તેઓ તબીબી સહાય માટે ફોન કરશે. ત્યારે જે ડોક્ટરની ટીમ તેમની સહાય માટે જશે. તેમને તે સિટીઝનની હેલ્થ હિસ્ટ્રી ખબર હશે. તબીબી ટીમમાં એક ડોક્ટર એક નર્સ અને એક એટેન્ડન્ટ સહિતની ત્રણની ટીમ બીમાર વૃદ્ધની સારવાર માટે તેમના ઘરે જશે. આ ટીમને મેડીકલ કિટ પણ આપવામાં આવશે. સિનિયર સિટીઝનની ઉંમર ૭૦ વર્ષની નિયત કરાઈ છે. દરમ્યાન આરોગ્ય નિયામક પરેશ દવેએ જણાવ્યું હતું કે ગાંધીનગરના પાઇલટ પ્રોજેક્ટ બાદ હવે અમદાવાદમાં આ પ્રોજેક્ટ શરૂ થવા માટે છ માસ જેટલો સમય લાગશે. આ પ્રોજેક્ટમાં સરકારી હોસ્પિટલનો સમાવેશ કરાશે. સરકારી હોસ્પિટલ આ માટેની ટીમ એક વ્યવસ્થા ગોઠવાતાં થોડો સમય લાગશે. પ્રોજેકટને અમલી બનાવવા સંબંધી આયોજન અને કામગીરી ચાલી રહી છે. નજીકના ભવિષ્યમાં તેને અમલી બનાવાશે.

 

(10:02 pm IST)