Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

નવા ૨૪ બગીચાની સંભાળ ખાનગી કંપનીઓને સોંપાશે

સત્તાવાળાઓની હિલચાલ સામે વિપક્ષનો વિરોધઃ બગીચાની સારસંભાળ સારી રીતે થઇ શકે અને સ્પર્ધાત્મક માહોલ ઉભો થાય તે ઉદ્દેશ્યથી જ વિચારણા : શાસક પક્ષ

અમદાવાદ,તા. ૧૮: અમદાવાદ  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોના આનંદપ્રમોદ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં નવા ર૪ બગીચા બનાવાયા છે, જોકે તંત્રના બાગબગીચા વિભાગમાં અન્ય વિભાગની જેમ બગીચાના મેન્ટેનન્સ માટે પૂરતો સ્ટાફ નથી, જેના કારણે આ નવા બગીચા માટે પણ સત્તાવાળાઓ ખાનગીકરણનો રાહ અપનાવીને ટેન્ડર મંગાવવાની તજવીજ હાથ ધરાઇ છે. નવા બગીચાઓનું મેઇન્ટેનન્સ પણ ખાનગી કંપનીઓને સોંપવાના અમ્યુકો તંત્રની તજવીજ સામે વિપક્ષ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. બીજીબાજુ, અમ્યુકો સત્તાધીશોએ એવો દાવો કર્યો હતો કે, બગીચાઓની સારસંભાળ સારી રીતે થઇ શકે અને સ્પર્ધાત્મક માહોલ ઉભો થાય તે હેતુથી ટેન્ડર પધ્ધતિ કરી ખાનગી કંપનીઓને કામ સોંપવાનો પ્રયાસ છે. અમદાવાદ મ્યુુનિસિપલ કોર્પોરેશન તંત્રની માલિકીના શહેરભરમાં કુલ ર૪ર બગીચા છે, જેમાં અમૂલને ર૩૦ બગીચા મેન્ટેનન્સ હેતુ અપાયા છે. આ ઉપરાંત પ્રસિદ્ધ લો ગાર્ડન અને ઉત્તમનગર ગાર્ડનનું મેન્ટેનન્સ આસિમા અને પરિમલ ગાર્ડનનું મેન્ટેનન્સ ટોરેન્ટ કંપની સંભાળે છે. તંત્ર હસ્તક અન્ય નવ બગીચાનું મેન્ટેનન્સ ગાયત્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની અન્ય પાંચ સંસ્થાને સોંપાયું છે. છેલ્લા એક છેલ્લા એક વર્ષથી અમૂલ ડેરી હસ્તકના બગીચાના મેન્ટેનન્સ સંબંધિત અનેક ફરિયાદ ઊઠતાં સત્તાવાળાઓએ તેને ગંભીરતાથી લીધી છે. તાજેતરમાં અમૂલ ડેરીના સંચાલકો સાથે બગીચાના યોગ્ય મેન્ટેનન્સ માટે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઇ હતી. હવે સત્તાવાળાઓ દ્વારા શહેરમાં બનાવાયેલા નવા ર૪ બગીચાના મેન્ટેનન્સનું પણ અગાઉની જેમ ખાનગીકરણ થવા જઇ રહ્યું છે. ગઇકાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ નવા બગીચાના મેન્ટેનન્સનો મુદ્દો ચર્ચાયો હતો, જેમાં શાસક ભાજપના સભ્યોએ બગીચાના મેન્ટેનન્સ માટે બીજી સંસ્થાને પણ બોલાવવી તેવી ઉગ્ર માગણી કરતાં સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવીણ પટેલે તેમાં સંમતિનો સૂર પુરાવ્યો હતો. મ્યુનિસિપલ માલિકીના નવા ર૪ બગીચાના મેન્ટેનન્સ માટે ટેન્ડર મંગાવીને સ્પર્ધાત્મક માહોલ ઊભો કરવા અને બગીચાઓની સારી રીતે સંભાળ અને જાળવણી થઇ શકે તે હેતુથી આ દિશામાં તજવીજ હાથ ધરાઇ હોવાનું તેમણે ઉમેર્યું હતું. જો કે, બીજીબાજુ, વિપક્ષ કોંગ્રેસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના  સત્તાધીશોના આ ખાનગીકરણનો ઉગ્ર વિરોધ કરાયો હતો.

(9:59 pm IST)