Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

વાઘજીપુરમાં તળાવ ઉંડા કરવાના કાર્યનો આરંભઃ સુજલામ સુફલામ જળ અભિયાન

અમદાવાદ,તા.૧૮: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, સુજલામ સુફલામ જળસંચય અભિયાન ગુજરાતને પાણીદાર બનાવવાનું અભિયાન છે. આ જળસંચય અભિયાનથી ધરતી માતાની તૃષા સંતોષાશે અને જળસ્તર ઊંચા આવશે તેના થકી ગુજરાત પાણીદાર બનવા સાથે હરિયાળું બનશે અને જળક્રાંતિથી સોકેકળાએ વિકાસ ખિલશે. મુખ્યમંત્રીએ આજે પંચમહાલ જિલ્લાના તાલુકાના વાઘજીપુરા ગામે શ્રમદાતાઓ સાથે શ્રમદાન કરી તળાવ ઊંડુ કરવાના કામો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે પ્રતિકાત્મક સાડી તેમજ શ્રમદાતાઓને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ પંચમહાલ જિલ્લામાં અંદાજે ૫૦ કરોડના વિવિધ ૧૨ વિકાસ પ્રકલ્પોનું ઈ-તકતી દ્વારા લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. વિજય રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનને વ્યાપક લોક સમર્થન મળી રહ્યું છે તેમ જણાવતાં ઉમેર્યું હતું કે, મેન-મશીનરી અને મનીપાવરના ત્રિવેણી સંગમથી ગુજરાતે સમગ્ર દેશનું સૌથી મોટુ જળસંચયનું અભિયાન ઉપાડ્યું છે. જે રાષ્ટ્રને નવી દિશા ચીંધશે. આ કામગીરી માટે રાજ્યમાં ૪૦૦૦ જેસીબી સહિત ૧૨૦૦૦ ટ્રેક્ટર-ડમ્પર કામ કરી રહ્યા છે. આ રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ રાજ્યમાં ૧૩ હજાર તળાવો ઊંડા કરવાનું કામ લોકભાગીદારીથી હાથ ધરવામાં આવ્યું છે. તેનાથી આગામી ચોમાસામાં ૧૧ હજાર લાખ ધનફુટ પાણીની જળસંગ્રહ ક્ષમતા વધશે અને ગુજરાતમાં દુષ્કાળ ભૂતકાળ બનશે અને ભાવિ પેઢી પર દુકાળના ઓછાયા પડશે નહીં, તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જળસંચય અભિયાન દરમિયાન ખોદકામ સમયે નીકળતી ફળદ્રુપ માટી ખેડુતો પોતાના ખેતરોમાં પાથરી રહ્યાં છે. જેથી ખેડુતોની જમીન ફળદ્રુુપ થવા સાથે પાક ઉત્પાદનમાં વધારો થશે અને ખેડુતો સમૃધ્ધ થશે. મનરેગા હેઠળ તળાવો ઊંડા થતાં લોકોને ઘરઆંગણે રોજગારી મળી રહી છે. મુખ્યમંત્રી જણાવ્યું કે, રાજ્યના વિકાસના પાયામાં પાણી છે.

(9:59 pm IST)