Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

સાર્વત્રિક વરસાદના રાઉન્ડ માટે ઉજળા સંજોગો

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ૭૫ થી ૧૦૦ મીમી (ત્રણથી ચાર ઈંચ), કોઈ - કોઈ જગ્યાએ ૧૦૦ થી ૧૫૦ મીમી (૪થી ૬ ઈંચ) કયાંક તેનાથી પણ વધુ વરસાદ પડશે : સૌરાષ્ટ્રમાં ૩૫ થી ૭૫ મીમી (સવાથી ૩ ઈંચ) અને અમુક જગ્યાએ ૭૫-૧૦૦ મીમી વધુ : કચ્છમાં ૨૫થી ૫૦ મીમી - અમુક સ્થળોએ ૫૦થી ૭૫ મીમી વધુ વરસાદની સંભાવના : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૧૬ : વરસાદ ખેંચાતા જગતનો તાત મૂંઝવણમાં મૂકાયો છે ત્યારે એક સારા સમાચાર છે. સાર્વત્રિક વરસાદનો એક સારો રાઉન્ડ આવે તેવા ઉજળા સંજોગો ઉભા થયા છે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે ગઈકાલે બંગાળની ખાડીની સિસ્ટમ ઓરીસ્સાના દરિયા કિનારે આવીને મજબૂત બની ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ હતી. જે સિસ્ટમ ઉત્તર પશ્ચિમથી આગળ વધી ઓડીશાથી દક્ષિણ છત્તીસગઢ થઈ વિદર્ભ નજીક પહોંચી છે.

નાગગપુરથી મુખ્યત્વે પૂર્વે ૨૦૦ કિ.મી. દૂર છે. હવે આ સિસ્ટમ આજે રાતે નબળી પડી વેલમાર્ક લોપ્રેશરમાં પરિવર્તિત થશે. એક ૩.૧ કિ.મી.ના લેવલનું બહોળુ સરકયુલેશન આ સિસ્ટમથી ગુજરાત અને નોર્થ મહારાષ્ટ્ર સુધી ફેલાયેલું છે. ૫.૮ કિ.મી.ના લેવલે સિસ્ટમથી મહારાષ્ટ્ર ઉપર ફેલાયેલ છે.

ચોમાસુધરી હાલ બિકાનેર, કોટા, ગુના ત્યાંથી ડિપ્રેશનનું સેન્ટર અને ત્યાંથી પૂર્વ દ.પૂર્વ તરફ ઉત્તર આંદામાનના દરિયા સુધી મામુલી ઓફસોર ટ્રફ કર્ણાટકના દરિયાકિનારાથી ઉત્તર કેરાલા  સુધી છે. ત્રણ - ચાર દિ'માં બંગાળની ખાડીમાં લોપ્રેશર થવાની સંભાવના છે.

સૌરાષ્ટ્ર - કચ્છ ગુજરાતને ૩.૧ કિ.મી.વાળુ બહોળુ સરકયુલેશન છે તે આવતા દિવસોમાં તેનો પશ્ચિમ છેડો સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર રહેશે બાદ અપરએર સાયકલોનીક સરકયુલેશન તરીકે પણ ઉકત આસપાસ રહેશે. જેથી તા.૧૬ થી ૨૦ દરમિયાન ૧૬મીથી ગુજરાતના પૂર્વ બાજુ મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર અને એમપી ગુજરાત બોર્ડર વિસ્તારમાં વરસાદ આજથી શરૂ થઈ જશે.

અશોકભાઈ વધુમાં જણાવે છે કે સૌરાષ્ટ્રમાં કાલથી અસર દેખાશે. કચ્છમાં તા.૧૮, ૧૯, ૨૦ સુધી વરસાદી રાઉન્ડ આવશે. દ. ગુજરાત અને મધ્ય ગુજરાત ૭૫ થી ૧૦૦ કિ.મી., કોઈ કોઈ જગ્યામાં ૧૦૦ થી ૧૫૦ મી.મી.થી વધુ, ઉત્તર ગુજરાતમાં ૩૫ થી ૭૫ મીમી અને કયાંક ૭૫ મીમીથી વધુ તેમજ સૌરાષ્ટ્રમાં ૩૫ થી ૭૫ મીમી અને અમુક જગ્યાએ ૭૫-૧૦૦થી ઉપર, કચ્છ ૨૫ થી ૫૦ મીમી, અમુક જગ્યાએ ૫૦ થી ૭૫ મીમીથી વધુ વરસાદની સંભાવના છે.

(4:45 pm IST)