Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ગુજરાતની નીચલી કોર્ટોમાં પેન્‍ડિંગ લાખો કેસોમાં હવે નહીં પડે ‘તારીખ પે તારીખ'

હાઇકોર્ટે નીચલી અદાલતને આપ્‍યો આદેશ : છ મહિનાથી શરૂ કરાઇ ટ્રાયલની કામગીરી : હાલમાં ૧૬ લાખ પેન્‍ડિંગ કેસો : નીચલી અદાલતના પડતર કેસોનો આવશે જલ્‍દી નિકાલ

અમદાવાદ તા. ૧૬ : વિશ્વ હિંદુ પરિસદના પૂર્વ અધ્‍યક્ષ પ્રવિણ તોગડિયા વિરુદ્ધ ૨૨ વર્ષ જૂના ક્રિમિનલ કેસમાં અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા આ વર્ષે વોરંટ જાહેર કરવામાં આવ્‍યુ હતું. જોકે તોગડિયાએ પોતે રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્‍યા હોવાનું જણાવ્‍યું હતું. પાછલા અઠવાડિયે તેમના કાર્ટમાં હાજર થવાના કારણે કોર્ટ દ્વારા વોરંટને કેન્‍સલ કરવામાં આવ્‍યું હતું.

જોકે હવે લાગી રહ્યું છે કે કોર્ટ હવે વર્ષો જૂના જે હાઈકોર્ટમાં ટ્રાયલ માટે મોકલાયા વિના પડ્‍યા છે તેનાથી પેન્‍ડિંગ કેસોથી છૂટકારો મેળવવા માગે છે. હાઈકોર્ટ દ્વારા આ પ્રકારના કેસોના નિકાલ માટે નીચલી અદાલત પર પ્રેશર નાખવામાં આવ્‍યું છે. આ કારણે જ તોગડિયાનો વર્ષો જૂનો કેસ ફરીથી શરૂ કરવામાં આવ્‍યો છે.

હાઈકોર્ટના આદેશ બાદ મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા આવા દાયકાઓ જૂના કેસોના નિકાલ કરવાની કામગીરી શરૂ કરી છે. જેમને હજુ પણ ટ્રાયલ માટે સેશન કોર્ટમાં મોકલવાના બાકી છે. કોર્ટના અધિકારીએ જણાવ્‍યું કે, પાછલા છ મહિનાથી આવા જૂના કેસોને સેશન કોર્ટને સોંપવા માટે કોર્ટ નં ૨૩ અને ૨૫ની નિયુક્‍તિ કરવામાં આવી છે.

ગુજરાતમાં અમદાવાદમાં એકલા જ ૮૧,૩૬૪ કેસો પાંચ વર્ષથી પણ વધુ સમયથી પેન્‍ડીંગ પડ્‍યા છે જે દશકા પહેલા ફાઈલ કરવામાં આવ્‍યા હતા. જયારે ૭૬,૫૭૭ કેસો પાંચ વર્ષથી પેન્‍ડીંગ પડ્‍યા છે. હાલના સમયમાં પણ ગુજરાતની નીચલી અદાલતોમાં ૧૫,૯૫,૦૧૧ કેસો પેન્‍ડીંગ પડ્‍યા છે.

હાઈકોર્ટના જનરલ રજિસ્‍ટ્રાર પી.આર પટેલે જણાવ્‍યું કે, પડતર કેસોના નિકાલ માટે ખાસ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કેટલાક વર્ષો પહેલા કોર્ટમાં પડતર કેસોની સંખ્‍યા ૨૨ લાખથી વધુ હતી, જે હવે ખાસ પ્રયાસોના કારણે ઘટીને ૧૬ લાખ સુધી પહોંચી ગઈ છે. હાઈકોર્ટના આ આદેશથી વર્ષો પહેલા વોરંટ મેળવવા છતા કેસ પેન્‍ડીંગ પડ્‍યો હોય એવા લાખો લોકો માટે આશાના એક કિરણ સમાન છે.

(10:26 am IST)