Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

નિવૃતી સમયે જ લાંચ લેવાના બનાવોમાં ચિંતાજનક વધારોઃ માનસિકતા બદલી રહી છે

પોલીસ ઇન્સ્પેકટર બાદ હવે સિવિલ સર્જન પણ નિવૃતીના સમયે જ લાંચ લેતા ઝડપાતા હક્ક હિસ્સા-પેન્શનમાં જોખમ સર્જાયુ : એક સમયે નિવૃતીના આડે એક વર્ષ બાકી હોય ત્યારે અધિકારી સાઇડ પોસ્ટીંગમાં ચાલ્યા જઇ, અંટાઇ ન જાય તેની તકેદારી રાખતા

રાજકોટ, તા., ૧૬:  દારૂની પરમીટ  હેલ્થના ગ્રાઉન્ડ ઉપર રીન્યુ કરવા માટે નવસારીના સિવિલ સર્જન અને ચીફ ડીસ્ટ્રીકટ મેડીકલ ઓફીસર ડો. અનીલ ટી.કોડનાની રૂ.૧૦૦૦ની લાંચ લેવા જતા તેઓને ઘણું બધુ ગુમાવવાનો વારો આવ્યાનું સુત્રો જણાવે છે.

સિવિલ સર્જન ડો. અનીલ ટી.કોડનાની કે જેમના પર રૂ.૧૦૦૦ની લાંચ લેવાનો  આરોપ છે અને જેઓને સુરત એસીબીના મદદનીશ નિયામક એન.પી.ગોહીલના માર્ગદર્શનમાં વલસાડ અને ડાંગના એસીબી પીઆઇ પી.ડી.બારોટે નવસારી સિવિલ હોસ્પીટલમાંથી જ ઝડપી લીધા છે, તેઓ  ટુંક સમયમાં જ નિવૃત થવાના હતા, એસીબી  કેસને કારણે નિવૃતી સમયે મળતા હક્ક હિસ્સા અને પેન્શન સહિતના લાભો મળવામાં ઢીલ થશે.

અત્રે યાદ રહે કે વડોદરાના પોલીસ ઇન્સ્પેકટર ડી.કે.રાવ પણ આજ રીતે તાજેતરમાં નિવૃતીના ગણત્રીના દિવસો આડા હતા તેવા સમયે જ લાંચ લેવાના આરોપસર  ઝડપાઇ ગયા હતા. તેઓના હક્ક હિસ્સા પણ જોખમમાં મુકાઇ ગયા છે. આમ ઘણા સમયથી નિવૃતીના આડે થોડો સમય બાકી હોય અને લાંચના છટકામાં ઝડપાઇ ગયા હોય તેવા બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહયો છે.

દરમિયાન લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો સમક્ષ સૌરાષ્ટ્ર-ગુજરાતના કેટલાક સિવિલ સર્જન કક્ષાના જવાબદાર અધિકારીઓ સામે  મોટા પાયે લાંચ લેવાઇ રહયાના આરોપસરની  અરજીઓ થયાનું પણ સુત્રો જણાવે છે. આ મામલે તપાસ થવા સાથે કેટલીક ચોક્કસ જેલોના જવાબદારો દ્વારા પણ લાંચ લઇ ચોંકી ઉઠાય તેવી સગવડો જેલમાં પુરી પડાતી હોવાની બાબતો પણ એસીબી સુધી પહોંચી છે. તાજેતરમાં જ કચ્છ પંથકની જેલમાં કેટલાક મહાનુભાવો વીઆઇપી સગવડ ભોગવી રહયાનો વિડીયો વાયરલ  થયો હતો. જો કે રાજયના ડીજીપી કક્ષાના  જેલવડા મોહન ઝાએ રાજયભરની જેલોના જવાબદારોને આવી પ્રવૃતીથી દુર રહેવા માટે તાકીદ કર્યાની બાબત જાણીતી છે.

(1:28 pm IST)