Gujarati News

Gujarati News

News of Tuesday, 16th June 2020

વીવીઆઇપી મોબાઇલ નંબરોની કંપની જાહેરાત કરતી જ નથી

મૂળ જામનગરના દીલીપ કારીયા તથા પ્રશાંત જોષી અને સુરેન્દ્રનગર પંથકના વિજય રાઠોડ નામના ૩ યુવાનોએ વીવીઆઇપી નંબર આપવાના બ્હાને શરૂ કરેલી ઠગ કંપનીમાં ફસાયેલા લોકોની રસપ્રદ કથા પીઆઇ વી.બી.બારડે અકિલા સમક્ષ વર્ણવી : વીવીઆઇપી નંબરના મેસેજ મળે ત્યારે કું.ના અધિકૃત સ્ટોર પર જઇ માહિતી મેળવવી : પસંદગીના નંબરોની રકમ બીલ સાથે જ ચૂકવવાની હોય છે, અજાણ્યા શખ્સોને ચેક કે નેટ બેન્કીંગ મારફતે નાણા ચુકવવા નહીઃ લલચામણા ટેલીફોન નંબર માટે અજાણી વ્યકિતને વોટસએપ કે ઇ-મેઇલથી ડોકયુમેન્ટ ન આપવાઃ વીવીવઆઇપી નંબરો આપવાના બ્હાને લોકો સાથે છેતરપીંડી કરતી ગેંગો અંગે સ્પે.પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર તથા સાયબર ક્રાઇમના ડીસીપી ડો. રાજદીપસિંહ ઝાલા સાવચેતીના સૂરો રેલાવે છે

રાજકોટ, તા., ૧૬:  વીવીઆઇપી નંબરો આપવાના બહાને લોકો સાથે ઠગાઇ કરતી ગેંગને અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ આધારે અલગ-અલગ ટીમો દ્વારા ઝડપાયેલા ત્રણેય આરોપીઓની પુછપરછ દરમિયાન વીવીઆઇપી મોબાઇલ નંબરોના શોખીનોની ગરજનો લાભ ઉઠાવી  તેમને કઇ રીતે જાળમાં ફસાવતા તેની રસપ્રદ વિગતો પ્રકાશમાં આવી હોવાનું સાયબર ક્રાઇમ અમદાવાદના પીઆઇ વી.બી.બારડે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

૯૦૦૦૦ ૦૦૦૦૦, ૮૦૦૦૦ ૦૦૦૦૦, ૭૦૦૦૦ ૦૦૦૦૦ તથા ૯૦૯૯૯ ૯૯૯૯૯ જેવા નંબરો આપવાના છે તેવી બલ્કમાં એસએમએસ કરવામાં આવતા આવા એસએમએસની જાળમાં કેટલાક શોખીનો આસાનીથી ફસાઇ જતા  ઉકત બાબતે અકિલા સાથેની વાતચીતમાં અમદાવાદના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર તથા ડીસીપી રાજદીપસિંહ ઝાલા જણાવે છે કે મોબાઇલ કંપનીઓ આવી જાહેરાત કરતી જ નથી. માટે લોકોએ કોઇ અજાણી વ્યકિત સાથે વાત ન કરવી જોઇએ.

વીવીઆઇપી નંબર અંગે જે તે કંપનીના અધિકૃત સ્ટોર રૂમ પર જઇ લોકોએ માહીતી મેળવવી જોઇએ. ઉકત અધિકારીઓએ એક  રસપ્રદ વાત એ કરી કે વીવીઆઇપી નંબર અંગેની રકમ બીલ સાથે જ ચૂકવવાની હોય છે, જેથી કોઇ અજાણી વ્યકિતને નેટ બેન્કીંગ દ્વારા નાણા ચુકવવા નહી. તેઓએ વિશેષમાં એવી બાબત પર પણ ભાર મુકયો છે કે વીવીઆઇપી નંબર મેળવતી વખતે કંપનીના અધિકૃત સ્ટોર પર જ ડોકયુમેન્ટ આપવા, કોઇ પણ વ્યકિત સાથે વોટસએપ અને ઇ-મેઇલથી ડોકયુમેન્ટ મોકલવા નહી.

આરોપીઓ અંગેની માહીતી આપતા પીઆઇ વી.બી.બારડે જણાવેલ કે વિજય રાઠોડ મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે, હાલ ભાવનગરમાં રહે છે. હીરા લે-વેચના કામમાં ૧૦ લાખનું દેણું થઇ જતા ઠગ ટોળકીમાં જોડાયેલ.

જીજ્ઞેશ દિલીપભાઇ કારીયા મૂળ જામનગર, હાલ અમદાવાદ નાના પાયે શરૂઆત કરી એચ.આર. મેનેજર પદ સુધી પહોચેલા આ યુવાન પર એસીબીનો કેસ સાથે પ્રોહીબીશનનો ગુન્હાનો આરોપ છે.  તેના ઓનલાઇન બેન્કીંગ અનુભવ આધારે જોડાયેલ.

આરોપી પ્રશાંત જોષી મૂળ જામનગરનો, હોમકેર લીકવીડનું માર્કેટીંગ કરતો હતો. પ્રશાંતે જીજ્ઞેશને ૯૦ હજાર ઉછીના આપ્યા હતા. આ દરમિયાન જીજ્ઞેશે નાણા કમાવવા માટેની સહેલી રીત બતાવતા ઠગ કંપનીનો વ્યાપ વધેલો. સમગ્ર કાર્યવાહી સ્પે. પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર, ડીસીપી રાજદીપસિંહ ઝાલા, એસીપી જે.એમ.યાદવના માર્ગદર્શન હેઠળ પીઆઇ વી.બી. બારડ, પીએસઆઇ પી.સી. સીંગરખીયા, એ.આર.મહીડા અને પીએસઆઇ એસ.એમ. સિસોદીયા ટીમ દ્વારા થયેલી.

(12:07 pm IST)