Gujarati News

Gujarati News

News of Tuesday, 16th June 2020

સુરતમાં પાડોશીના ઝઘડામાં બે કોન્સ્ટેબલોએ યુવકને ઢોર માર માર્યાના CCTV ફૂટેજ વાયરલ છતાં કોઈ પગલાં નહીં

પીસીઆર વાન લઈને પહોંચેલા બે કોન્સ્ટેબલ યુવક પર દુશ્મનની જેમ તૂટી પડ્યા હતા

અમદાવાદ: સુરતના કતારગામ વિસ્તારમાં સોસાયટીના રહીશો વચ્ચે બોલાચાલીના બનાવમાં પીસીઆર વાન લઈને પહોંચેલા બે કોન્સ્ટેબલ યુવક પર દુશ્મનની જેમ તૂટી પડ્યા હતા. આ યુવકને સોસાયટીના રાહીશોની સામે જાહેરમાં ઢોર માર મારીને બે કોન્સ્ટેબલ જીપમાં બેસાડીને લઈ ગયા હતાં.સામાન્ય બોલાચાલીમાં કોન્સ્ટેબલોએ આચરેલા અત્યાચારના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જોકે આ ઘટનાના 25 દિવસ બાદ પણ આ મામલે કોઈ કાર્યવાહી થઈ નથી. યુવકને જે વ્યક્તિ બોલાચાલી થઈ તેના પોલીસ કર્મચારી સાથે સારા સંબંધો હોવાનું લેખિત અરજીમાં લખવામાં આવ્યું છે.

સુરતના કતારગામ વિસ્તારમાં પટેલ કોમ્પ્લેક્સમાં રહેતા પરેશ પટેલને સિક્યુરિટી ગાર્ડ સાથે ગત તારીખ 22મી મેના રોજ બોલાચાલી થઈ હતી. આ સિક્યુરિટી ગાર્ડ સોસાયટીના એક રહીશ જીતુભાઇ પરમારને ફોન કરતા તેવો ત્યાં પહોંચ્યા હતા. પરેશની ચાવી ખોવાઈ ગઈ હોવાથી તે પાર્કિંગમાં ચાવી શોધી રહ્યો હતો. નેપાળી સિક્યુરિટી ગાર્ડ અહીંયા નહીં આવવાનું તેમ પરેશ ને કહ્યું હતું. આ બાબતે બોલાચાલી થઈ તેમાં ગાર્ડની તરફેણમાં રહેલા પડોશી જીતુભાઈએ પોતાના ઓળખીતા પોલીસ કોન્સ્ટેબલને બોલાવ્યા હતા. પરેશ અને સિક્યુરિટી ગાર્ડે પણ પોલીસ કન્ટ્રોલમાં ફોન કર્યો હતો.

કતારગામ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પ્રતાપભાઈ અને અન્ય પોલીસકર્મી સ્થળ પર પહોંચ્યા હતા. આ બંનેએ પરેશને ઘરમાંથી બહાર કાઢી પાર્કિંગમાં લઈ જઈ ઢોર માર મારતા તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ પરેશને જીપમાં બેસાડી લઈ ગયા હતા. આ રીતે પરેશને ઉઠાવીને લઈ ગયા બાદ તેણે છોડી મુક્યો હતો.

પરેશ પટેલએ આ અંગે સીસીટીવી ફૂટેજ રાજુ કરી સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ અને માનવ અધિકાર પંચમા લેખિત અરજી કરી ન્યાય માટે દાદ માંગી છે. અરજીમાં પરેશ પટેલે જીતુ પરમાર,બે પોલીસ કોન્સ્ટેબલ, સિક્યુરિટી ગાર્ડ સહિત 12 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા રજુઆત કરી છે.

(9:43 pm IST)