Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

છોટાઉદેપુરના નસવાડીના જીતનગરની મહિલાઓનો પાણીની માંગ સાથે મામલતદાર કચેરીએ હલ્લાબોલ

મહિલાઓ અને પુરુષોએ માથે આદિવાસી લાલ પાઘડી પહેરી થાળી અને ઢોલ વગાડી સુત્રોચાર સાથે વિરોધ દર્શાવ્યો: ભર ઉનાળે જીત નગર ગામના લોકોને નલ સે જળ યોજનાનું પણ ટીપું પાણી ન મળતા ગામ લોકોમાં આક્રોશ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જીતનગરની મહિલાઓ પાણીની માંગ સાથે મામલતદાર કચેરીએ પહોંચી હતી. જીતનગર ગામની મહિલાઓ અને પુરુષોએ માથે આદિવાસી લાલ પાઘડી પહેરી થાળી અને ઢોલ વગાડી સુત્રોચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો. ભર ઉનાળે જીત નગર ગામના લોકોને નલ સે જળ યોજનાનું પણ ટીપું પાણી ન મળતા ગામ લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. મહિલાઓએ મામલતદારને ખાલી બેડા બતાવી પાણી માટે વ્યવસ્થા કરવા માગ કરી હતી. મહિલાઓએ પાણીની માંગ સાથે નસવાડી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

ઉનાળો બરાબર તપી રહ્યો છે ત્યારે માણસો અને પશુઓને વધુ પાણીની જરૂર પડે છે, પણ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જીતનગર ગામમાં ભર ઉનાળે પાણીની સમસ્યા વકરી છે. ગામમાં અત્યારે સરકાર તરફથી પાણી માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી રહી નથી તેથી ગામલોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગામમાં બોર-કૂવા સૂકાઈ ગયા છે. તેથી પાણી માટે જ્યાં ત્યાં ભટકવું પડે છે. સૌથી વધુ કફોડી સ્થિતી તો મુંગા પશુઓની છે. તેમને ઉનાળામાં વધુ પાણી જોઈએ છે પણ ગામલોકોને તેમના માટે પણ પુરતું પાણી મળતું નથી.

ગામલોકોનું કહેવું છે કે ગામમાં પાણીના પાઈપલાઈના નાખીને ઘરે ઘરે નળ આપી દેવાયા છે પણ તેમાં પાણી આવતું નથી. આખું એક જ હેન્ડપંપમાંથી પાણી ભારે છે. પશુઓને માત્ર એક જ ટાઈમ પાણી પાઈ રહ્યાં છે. કેમ કે એક હેન્ડપંપ આખો દિવસ ચલાવાય તો પણ બધા માટે પુરતું પાણી મળતું નથી. સરકાર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે તે હકિકતમાં તેનો કોઈ લાભ લોકો સુધી પહોંચતો નથી.

સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે પુરુષો જે લાલ પાઘડી પહેરે છે તે પાઘડી પહેરીને આજે મહિલાએ નારીશકિત્ના રૂપમાં મેદાને પડી છે. સરકાર કહે છે કે નલ સે જલ યોજનામાં અમે ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે. સરકાર આ યોજના પાછળ કરોડો રૂપિયા વાપરવાનો દાવો કરે છે પણ તેનો લાભ લોકોને મળતો નથી. તેથી અમે ઢોલ નગારા સાથે આજે મામલતદારને મળીને તેમને આવેદનપત્ર આપવા માટે આવ્યાં છીએ. અમારી માગણી છે કે અમારી સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવે.

(7:52 pm IST)