Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

વડોદરા:તરસાલી ચોકડી પાસેથી ઝડપાયેલ કેમિકલ ચોરીનું નેટવર્ક રાજ્યવ્યાપી નીકળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

વડોદરા:હાઇવે પરથી પસાર થતા ટેન્કરના ડ્રાયવરો સાથે સાંઠગાંઠ કરીને ચાલતા ચોરીનું નેટવર્ક રાજ્યવ્યાપી છે.વડોદરા ઉપરાંત ચોટીલા, સુરત,કંડલામાં પણ ચાલતું હોવાની વિગતોનો પર્દાફાશ થયો છે.પકડાયેલા ત્રણેય આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવીને તપાસ હાથ ધરી છે.

 તરસાલી ચોકડી પાસે ચાલતા  કેમિકલ ચોરીના નેટવર્કમાં પકડાયેલા ગોત્રી રોડ પંચામૃત એપાર્ટમેન્ટમાં રહેતા ભરત ભીખાભાઇ ચાવડા, ટેન્કરના ડ્રાયવર રામપ્રવેશ કિરોદન યાદવ (રહે.ગામ,મંજરીયા, તા.મંજરીયા, જિ.આજમગઢ, યુ.પી.) તથા  દાઉદ મનુભાઇ સીંધી (રહે.બેલિમ ફળિયું,તરસાલી) ને મકરપુરા  પોલીસ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગતા જણાવ્યું હતું કે,પકડાયેલું ચોરીનું ૪૭૦ લીટર કેમિકલ કયા ટ્રાન્સપોર્ટની ટેન્કરમાંથી કાઢ્યું હતું ? કયા ડ્રાયવરો હતા ? તેની તપાસ કરવાની છે.અગ્રવાલ રોડ લાઇન્સના ડ્રાયવર રામપ્રવેશ યાદવે અગાઉ કીમ ચાર રસ્તા પાસે ચાર થી પાંચ વખત, કંડલાથી પરત આવતા શ્યામકિશોરી હાઇવે બ્રિજ પાસે બે થી ત્રણ વખત, ચોટીલા હાઇવે પર રવિરાજ  હોટલની પાછળ બે વખત ચોરીનું કેમિકલ આપ્યું છે.આરોપીઓએ બામ, વામ, એન.પી.એ., સ્ટાઇલિન વિગેરે જ્વલનશીલ પ્રવાહીની ચોરી કરી છે.સુરત હજીરા ખાતે અદાણી  પોર્ટમાંથી ચીરપાલ ઇન્ડસ્ટ્રીઝનું બામ કેમિકલ ૨૦ ટન ભરીને અમદાવાદ ચીરૃપાલ ઇન્ડસ્ટ્રીઝ આપવાનું હતું.પરંતુ,હાઇવે પર કેમિકલની ચોરી કરી હતી.અમદાવાદ તથા સુરતની કંપનીના કોઇ કર્મચારીની સંડોવણી હોવાની શંકા છે.કબજે કરેલા વાહનોના માલિકની તપાસ કરવાની છે.આરોપીઓના કોલિ ડિટેલ્સની તપાસ કરવાની છે.ગુનાવાળી જગ્યાની માલિકીની તપાસ કરવાની છે.

(5:33 pm IST)