Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

માણસા તાલુકાના ખરણા ગામે સ્ટુડન્ટ વિઝાની લાલચમાં યુવાનને 2.70 લાખ ગુમાવવાની નોબત આવી

માણસા : માણસાના ખરણા ગામના યુવાનને ઓનલાઇન માધ્યમથી દિલ્હીની એજન્ટ યુવતીના સંપર્કમાં આવ્યા પછી યુક્રેન સ્ટુડન્ટ વિઝા ઉપર જવું ભારે પડી ગયું દિલ્હીની એજન્ટ યુવતીએ માણસાના યુવાન પાસેથી ૨.૭૦ લાખ રોકડા તેમજ ૫૦૦ યુએસ ડોલર પણ લીધા હોવા છતા કોલેજમાં ફી નહીં ભરીને હાથ અધ્ધર કરી લેતા આખરે જેમતેમ કરીને યુવાન પરત આવ્યા પછી ફેસબુકના માધ્યમથી પોતાની ભડાસ ઠાલવતા એજન્ટ યુવતીએ તેના વિરુદ્ધ ફરિયાદ કરતા દિલ્હી પોલીસ પણ માણસા આવી ગઈ હતી. આખરે યુવાને પોતાની સાથે છેતરપિંડી કરનાર મહિલા એજન્ટ તેમજ એક બીજા સામે ગુનો દાખલ કરાવ્યો છે.

માણસા ખરણા ગામના ધવલ પરમાર આશરે બે વર્ષ અગાઉ વિદેશ જવા માટેનો પ્રયાસ કરતો હતો. એ વખતે ફેસબુકનાં માધ્યમથી દિલ્હીની એજન્ટ રિયા પાંડે સાથે સંપર્ક થયો હતો. એટલે રિયાએ યુક્રેન સ્ટુડન્ટ વિઝા ઉપર મોકલી આપવાની વાત કરી હતી. જેથી ધવલ દિલ્હી ગયો હતો. જ્યાં રિયા અને વિશાલકુમાર નામના એજન્ટે ૨.૭૦ લાખનું યુક્રેન જેમાં કોલેજ ફી પેટે ૨૫૦૦ અમેરિકન ડોલર, એક વર્ષનું રેસિડેન્શ કાર્ડ, બે મહિના રહેવાની સગવડ, ઈન્સ્યોરન્સ તેમજ કોલેજ લેટર વિગેરે સુવિધા આપવાની વાત કરી હતી. બાદમાં ૨.૭૦ લાખ તેમજ એર ટિકિટના ૭૦ હજાર લઈને ધવલને યુક્રેન મોકલી આપ્યો હતો. જ્યાં કોલેજ પહોંચતા ધવલને કોલેજમાંથી જાણવા મળેલું કે રિયા પાંડેએ ફી ભરી જ નથી. અને ત્યાં પણ બળજબરીપૂર્વક ૭ હજાર ગ્રેવીના અને ૫૦૦ યુએસ ડોલર પણ પડાવી લેવામાં આવ્યા હતા.

અંતે  ધવલ પરત માણસા આવી ગયો હતો. જેણે પૈસાની માંગણી કરતા રિયા અને વિશાલએ હાથ અધ્ધર કરી દઈ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આથી ધવલએ રિયા ઉપર ફેસબુક ઉપર અભદ્ર ટિપ્પણ કરી દીધી હતી. જેનાં પગલે રિયાની ફરિયાદના આધારે દિલ્હી પોલીસ પણ માણસા આવી ગઈ હતી. આખરે ધવલ પરમારે પોતાની સાથે થયેલી છેતરપિંડી મામલે માણસા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ પરમારે વધુ તપાસ હાથ ધરી છે

(5:29 pm IST)