Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

*શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર તથા કડીમાં વૈશાખ સુદ પૂનમ પર્વે શ્રી સ્વામિનારાયણ ભગવાનને કરાયો ચંદનના કલાત્મક વાઘાનો મનોરમ્ય શૃંગાર....*

વૈશાખ સુદ પૂનમ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના સાતમા મહિનાનો પંદરમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના બીજા મહિનાનો પંદરમો દિવસ છે. શક સંવત એ એક હિંદુ વૈદિક સંવત છે. આ સંવત મુજબ વર્ષના બાર મહિનાઓ હોય છે. આ દરેક મહિનાના ત્રીસ દિવસ હોય છે. જે ચંદ્રની કળાને આધાર બનાવી ગણવામાં આવે છે. આ પંચાંગ મુજબ દરેક મહિનાના પંદરમે દિવસે અમાસ આવે છે એટલે કે પ્રથમ વદ પક્ષ આવે છે, જ્યારે છેલ્લા એટલે કે ત્રીસમા દિવસે પૂનમ આવે છે. દરેક મહિનામાં બે પખવાડિયાં હોય છે. શક સંવતને અધિકૃત ભારતીય પંચાંગ ગણવામાં આવે છે.

 

હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. પૂર્ણિમાનો પવિત્ર તહેવાર વૈશાખ મહિનાની છેલ્લી તારીખે ઉજવવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના શ્રેષ્ઠ મિત્ર અને સહાધ્યાયી સુદામા દ્વારકામાં શ્રી કૃષ્ણને મળવા આવ્યા ત્યારે ભગવાને તેમને આ વ્રતનું મહત્વ જણાવ્યું. આ વ્રતની અસરથી સુદામાની દરિદ્રતાનો નાશ થયો. એવું માનવામાં આવે છે કે બૌદ્ધ ધર્મના સ્થાપક મહાત્મા બુદ્ધનો જન્મ આ દિવસે થયો હતો, તેથી તેને બુદ્ધ પૂર્ણિમા કહેવામાં આવે છે. સ્કંદ પુરાણ અનુસાર, મહાત્મા બુદ્ધ ભગવાન વિષ્ણુના નવમા અવતાર હતા. વૈશાખ પૂર્ણિમા તમામ તિથિઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાન કરવાથી કષ્ટોમાંથી મુક્તિ મળે છે તેવું માનવામાં આવે છે.

 

 

ભૂમંડળ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર લાખ્ખો શ્રદ્ધાળુઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર સ્થાન છે. તેમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજને વૈશાખ સુદ પૂનમના શુભ દિને શીતળ ચંદનના કલાત્મક વાઘાનો નયનરમ્ય શણગાર ધારણ કરવામાં આવ્યો હતો.

 

સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગ્રીષ્મ ઋતુ દરમિયાન ભગવાનને ઠંડક-શીતળતા પ્રાપ્ત થાય તદર્થે સંતો-ભક્તો દ્વારા ચંદન કાષ્ટને ઘસી અને તેના વિશિષ્ટ શણગાર ભગવાનને ધારણ કરાવવામાં આવે છે. શીતળતા આપવામાં શિરમોડ એવું ચંદન ભગવાનને ગરમીથી રાહત મળે તે માટે પૂજનીય પૂજારી સંતો કલાત્મક ચંદન વાઘા – શણગાર અર્ઘ્ય અર્પણ કરતા હોય છે. ચંદન એ સમર્પણનું પ્રતીક છે. તે ઘસાય છે છતાં પણ સુગંધ આપે છે અને માનવજીવનમાં ભગવાનની કસોટીમાં પણ પોતાના સદ્ગુણો જાળવી રાખવાની પ્રેરણા આપે છે. વૈશાખ સુદ પૂનમે ભગવાનને મનોરમ્ય અને કલાત્મક ચંદનના વાઘા પહેરાવવામાં આવે છે. જેનાં દર્શન કરી સંતો-ભક્તો, ભાવિકો ગ્રીષ્મ ઋતુમાં આંતરીક શીતળતા અનુભવે છે.

 

આ પાવનકારી દિવસોમાં સંધ્યા આરતી બાદ ભગવાનને ધરાવેલ ચંદન ઉતારી લેવામાં આવે છે. અને ચંદનની ગોટી બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ નિત્યપૂજામાં સંતો-ભક્તો તિલક કરવા માટે કરે છે. જેને કારણે ભગવાનનું પ્રસાદીભૂત ચંદન સદાય તેમના ભાલે સોહે છે, પવિત્રતા તથા શીતળતાનો સંચાર થાય છે. 

 

ગુણવંતી ગૂર્જર ધરાના મેગા સીટી – હેરીટેજ શહેર અમદાવાદના દક્ષીણે આવેલા મણિ સમ સોહતા મણિનગરમાં દર્શનદાન અર્પતા ઉપાસ્ય ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરીકૃષ્ણ મહારાજને ચંદનના વાઘાના વિશિષ્ટતા સભર શણગાર ધરાવ્યા હતા. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોએ અવિસ્મરણીય ચંદનના કલાત્મક શણગારમાં અભયદાન અર્પતા શ્રી સ્વામિનારાયણ ભગવાન - શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજની શણગાર આરતી ઉતારી હતી. શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર તથા કડીથી લાઇવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ કર્યા હતાં.

(12:20 pm IST)