Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

વડોદરા સ્‍વામિનારાયણ મંદિરનો પાટોત્‍સવઃ રાષ્‍ટ્રપતિનો સંદેશઃ મોદીની ઓનલાઇન હાજરી

બાળકો, યુવાનો, પ્રૌઢો માટે અલગ-અલગ શિબીરઃ ૧૭મીએ રાજયપાલ, ૧૯મીએ ભૂપેન્‍દ્રભાઇ અને સી.આર. તથા ર૦મીએ રાજનાથસિંહ આવશે

રાજકોટ, તા., ૧૬: વડોદરાના શ્રી સ્‍વામીનારાયણ મંદિર, કારેલીબાગ ખાતે શ્રી ઘનશ્‍યામ મહારાજના ૧૮ માં પાટોત્‍સવ નિમિતે તા.૧૬ થી ૨૨ મે સુધી સપ્‍તદિનાત્‍મક સત્‍સંગ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયેલ છે. જેમાં આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ મળ્‍યા છે. પ્રેરણાદાતા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્‍વામી છે.
જ્ઞાનયજ્ઞના વકતાપદે શ્રી જ્ઞાનજીવનદાસજી સ્‍વામી બિરાજી શ્રી હરીદીક્ષીત  શ્રી માધવદાસજી સ્‍વામી વિરચીત શ્રી હરીકૃષ્‍ણચરીત્રામૃત સાગર ગ્રંથની કથા સવારે ૭થી ૯ તથા બપોર પછી ૪ થી ૭ પોતાની આગવી શૈલીમાં સુમધુર કઠે સંભળાવશે. આ જ્ઞાનયજ્ઞમાં બાળકો -યુવકો-વડીલો-ભાઇઓ-બહેનો સૌ કોઇને પોતપોતાના લેવલે આધ્‍યાતમીક પોષણ મળી રહે એ માટે બાલ-બાલીકા શિબિર-૩૧, કિશોર-કિશોરી શિબિર-૩, યુવા-યુવતી શિબિર ૧૪ તેમજ પ્રૌઢ-પ્રૌઢા શિબિર-૩નું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં સંતો-ભકતો દ્વારા કથા-વાર્તા, ધુન-કીર્તન, જ્ઞાનગોષ્‍ઠી, પ્રેઝન્‍ટેશન તેમજ એકાંતિક ધર્મપોષક અનેકવિધ પ્રેરણાદાયી કાર્યક્રમો રજુ કરવામાં આવશે.
આ સમગ્ર આયોજનના યજમાનપદનો લાભ વડોદરાવાસી મુકેશભાઇ તથા કમલેશભાઇએ બન્ને ભાઇઓએ પોતાના પિતાશ્રી નિર્મલભાઇ રમણભાઇ ઠક્કર તથા માધુબેન નિર્મલભાઇ ઠક્કરની પુણ્‍યસ્‍મૃતી નિમીતે ઉમંગથી લીધો છે.
આ જ્ઞાનયજ્ઞ અંતર્ગત તા.૧૭-પ મંગળવારે સવારે મંદિરસ્‍થ શ્રી ઘનશ્‍યામ મહારાજનો દિવ્‍ય અભિષેક તથા ભવ્‍ય અન્નકુટ  દર્શનનો અલૌકિક લાભ મળશે.
આ જ્ઞાનયજ્ઞ પ્રસંગે ધામધામથી પધારેલ બ્રહ્મનિષ્‍ઠ સંતો-મહંતોના દર્શન-આશીર્વચનનો લાભ મળશે.
કરેલી બાગ સ્‍વામિનારાયણ મંદિર આયોજીત જ્ઞાનયજ્ઞ નિમિતે તા.૧૯ સવારે ૧૦ વાગ્‍યે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી ઓનલાઇન ઉપસ્‍થિત રહી સંબોધન કરશે. રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોવીંદ વિડીયો સંદેશ પાઠવશે. તા.૧૭મીએ સાંજે ૬ વાગ્‍યે રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને તા. ૧૯મીએ સવારે ૧૦ વાગ્‍યે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્‍થિત રહેશે. તા.ર૦મીએ સાંજે પ વાગ્‍યે કેન્‍દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ હાજરી આપશે.

 

(11:47 am IST)