Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

નર્મદામાં પોતાની પુત્રીના જ પિતાએ બાળ લગ્ન કરાવ્યા: મામલો પહોંચ્યો પોલીસ મથકે

તંત્ર અને સામાજિક સંસ્થાઓ બાળ લગ્ન બાબતે જાગૃતિ લાવવા પ્રયાસ કરે છે ત્યારે બીજી બાજુ પિતાએ જ પોતાની પુત્રીને બાળ લગ્નના ચૂંગલમાં ફસાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમાં બાળ લગ્નનું દુષણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં ચાલી રહ્યું છે. તો બીજી તરફ તંત્ર દ્વારા એવા બાળલગ્ન કરાવનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરાય જ છે. સરકાર અને સામાજિક સંસ્થા દ્વારા જન જાગૃતિના કાર્યક્રમો કરવા છતાંય બાળલગ્ન બાબતે હજુ અમુક સમાજ જાગૃત થયો નથી. નર્મદા જિલ્લા સમાજ સુરક્ષા વિભાગને આદિવાસી સમાજમાં થયેલ બાળ લગ્ન બાબતે બાતમી મળતા તેઓએ ત્યાં પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

નર્મદા જિલ્લાના બાળ લગ્ન પ્રતિબંધ અધિકારી એસ.વી. રાઠોડને સાગબારામાં એક સગીર યુવક અને પુખ્ત યુવતી ના બાળલગ્ન થયા હોવાની બાતમી મળી હતી. નર્મદા જિલ્લા બાળલગ્ન પ્રતિબંધ સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.વી.રાઠોડ પોતાની ટીમ સાથે તુરંત ત્યાં પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી. દરમિયાન સાગબારા ના ઉભારીયા ગામમાં રહેતા વનરાજ વસાવાએ પોતાના પિતરાઈ દેવસાકી ગામના સંદીપ અર્જુન વસાવાની મદદથી પોતાની પુખ્ત વયની દિકરીના લગ્ન એક સગીર વયના યુવક સાથે 15/05/2020 ના રોજ રાજપીપળા ના વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં કર્યા હોવાનું બહાર આવ્યું હતું. સાથે સાથે આ બાળ લગ્નને છુપાવવા માટે 20 એપ્રિલ ના રોજ મૈત્રી કરાર પણ કરાવ્યા હતા. આ મામલે યુવતીના પિતા અને પિતરાઈ વિરુદ્ધ સાગબારા પોલિસે બાળ લગ્ન પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
નર્મદા જિલ્લા બાળલગ્ન પ્રતિબંધ સહ સમાજ સુરક્ષા અધિકારી એસ.વી.રાઠોડે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી છોકરો પોતાના ઘરેથી ગુમ હતો અને છોકરીના ઘરે જ રહેતો હતો.યુવતીના પિતાએ બાળલગ્નન છુપાવવા માટે મૈત્રી કરાર કરાવ્યા. મૈત્રી કરાર દરમિયાન 1929નો કાયદો ધ્યાને લીધી જેમાં એ પ્રાવધાન હતું કે, મૈત્રી કરાર સમયે દીકરો 18 અને દીકરી 14 વર્ષની હોવી જોઈએ જેની સામે નવો કાયદો આવ્યો, 2006 ના નવા કાયદા મુજબ મૈત્રી કરાર અને લગ્ન માટે દીકરો 21 અને દીકરીની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ.નવો કાયદો આવ્યો એટલે 1929નો કાયદો આપમેળે રદ થાય.અમે સાગબારા કોર્ટ માં મૈત્રી કરાર મનાઈ હુકમની અરજી દાખલ કરી છે અને મૈત્રી કરાર રદ કરવા નોટિસ પણ આપીશું. અમે સગીર યુવકની પિતાને સોંપણી કરી યુવતીના પિતા-પિતરાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

(8:13 pm IST)