Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

રાજપીપળા વીજ કંપની દ્વારા રવિવારે પ્રિ મોન્સૂન કામગીરી માટે સાત કલાક વીજ પુરવઠો બંધની જાહેરાતથી પ્રજામાં રોષ

આકરી ગરમીમાં સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી લાઈટો બંધની જાહેરાત :દર વર્ષે પ્રિ મોન્સૂનના નામે ત્રણ ચાર વખત આખો દિવસ લાઈટો બંધ રાખવા છતાં ચોમાસામાં વારંવાર તકલીફ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં પ્રિ મોન્સૂન કામગીરી માટે રવિવારે સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત થતા જ આકરી ગરમી માં લોકડાઉન વચ્ચે ઘરો માં રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 જોકે દર વર્ષે ચોમાસા પૂર્વે વીજ કંપની આ રીતે ત્રણ ચાર વખત પ્રિ મોન્સૂનના નામે કલાકો વીજળી બંધ રાખી કેવી કામગીરી કરે છે કે મામુલી વરસાદી ઝાપટામાં પણ તુરત લાઈટો જવી,શોર્ટ સર્કિટના બનાવો બનતા હોય છે ત્યારે પ્રિ મોન્સૂનમાં શુ કામગીરી કરાઈ છે અને આ કામગીરી બાબતે ક્યાં અધિકારી નિરીક્ષણ માટે ત્યાં હાજર હોય છે તે સમજાતું નથી ત્યારે જાણવા મળ્યા મુજબ ફક્ત વધી ગયેલી વૃક્ષોની ડાળીઓ કાપવા મજૂરોની ટિમો આ કામગીરી કરે છે તેનું ખાસ કોઈ અધિકારી દ્વારા નિરીક્ષણ પણ રખાતું નથી કે લટકતા વાયરો ઢીલા જંપરો સહિત અનેક નાની નાની ક્ષતિઓ માં કોઈજ સુધારો કરવામાં આવતો નથી માટે ચોમાસા દરમિયાન પુનઃ લાઈટોનો તકલીફ સામે આવે જ છે. ત્યારે આખા શહેર માં લો વોલ્ટેજ ની ફરિયાદ માટે તો વીજ કંપની ના અધિકારીઓ મગ નું નામ મરી પાડવા તૈયાર નથી માત્રને માત્ર ઝાડ ની વધી ગયેલી ડાળખીઓ કાપી કરાતા કામ ને પ્રિ મોન્સૂન ગણી લોકોને આકરી ગરમી માં લાઈટો વગર જાણે હેરાન કરતા હોઈ તેમ લાગી રહ્યું છે.

  રાજપીપળા વીજ કંપની ના ઈજનેર રોહન પટેલ સાથે વાત કરી કે રવિવારે સાત કલાક વીજળી બંધ રહેશે તેમાં ભાટવાડા વિસ્તાર નું ટ્રાન્સફોર્મર પણ બદલાશે..?ત્યારે તેમણે જણાવ્યું કે ના રવિવારે ફક્ત પ્રિ મોન્સૂન ની જ કામગીરી કરાશે ભાટવાડા ની કામગીરી સોમવારે થશે.
ત્યારે સવાલ એ થાય છે કે આટલી આકરી ગરમીમાં કેટલાક વિસ્તારો ની નાની મોટી ફરિયાદો પણ સાત કલાક વીજળી બંધ માં કેમ ન થઈ શકે..?કેમ આવા કામો માટે અન્ય દિવસે પણ ફરી લાઈટો બંધ રાખી લોકો ને ગરમી માં હેરાન કરાઈ રહ્યા હશે..?શુ સુરત ભરૂચ બેઠેલા ઉચ્ચ અધિકારીઓ આ માટે ઘટતું કરશે.

(8:01 pm IST)