Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

અમદાવાદ મહાનગરમાં કન્ટેનમેન્ટ ઝોનના ૧૦ વોર્ડના ૧૬૦ લોકેશન-સ્થળોએ યુદ્ધના ધોરણે આરોગ્ય તપાસણી-સર્વેલન્સ:કાર્યયોજનાને આખરી ઓપ અપાયો

મુખ્યમંત્રી રૂપાણીએ ઉચ્ચસ્તરીય વિડીયો કોન્ફરન્સ યોજી સમગ્ર સ્ટ્રેટેજી ઘડી માર્ગદર્શન આપ્યું : સતત ૧પ દિવસ સુધી ૪૦ ધનવંતરી રથ-મોબાઇલ મેડીકલ વાન સાથે સવારે ૮ થી સાંજે પ ચાર-ચાર પોઇન્ટ કવર કરશે મેડીકલ ટીમ :દરેક પોઇન્ટ પર બે-બે કલાક સેવાઓ અપાશે

અમદાવાદ : મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટે કન્ટેનમેન્ટ ઝોનના ૧૦ વોર્ડસમાં લોકોની આરોગ્ય તપાસણી, ટેસ્ટિંગ સર્વેલન્સ સહિતની આરોગ્યલક્ષી કામગીરી યુદ્ધના ધોરણે આગામી ૧પ દિવસ હાથ ધરવાની કાર્યયોજનાને ઉચ્ચસ્તરીય વિડીયો કોન્ફરન્સમાં આખરી ઓપ આપ્યો હતો.

    મુખ્યમંત્રીએ કોરોના વાયરસ કોવિડ-19ના અમદાવાદમાં વધતા વ્યાપને પગલે આ આયોજનબદ્ધ કાર્યયોજના ઘડીને તેના તત્કાલ અમલ માટે ઝિણવટપૂર્વક સમીક્ષા હાથ ધરીને માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન, સત્તાપક્ષના નેતા તેમજ અમદાવાદ શહેરમાં કોરોના નિયંત્રણ કામગીરી માટે ખાસ નિયુકત થયેલા અધિક મુખ્ય સચિવ  ડૉ. રાજીવકુમાર ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને તમામ નાયબ મ્યુનિસીપલ કમિશનરો, ઝોનલ હેલ્થ ઓફિસરો સાથે વિસ્તૃત વિડીયો કોન્ફરન્સીંગ યોજીને ‘કન્ટેનમેન્ટ મુકત ઝોન-કોરોનામુકત વોર્ડ’ની દિશામાં સક્રિયતાથી આગળ વધવા તાકીદ કરી હતી.
    મુખ્યમંત્રીએ આ મહત્વપૂર્ણ કાર્યયોજના અંતર્ગત ૪૦ જેટલા મોબાઇલ મેડીકલ વાન-ધનવંતરી રથના માધ્યમથી અલગ-અલગ ટીમો બનાવીને મધ્ય ઝોનના ૬, દક્ષિણ ઝોનના ર, પૂર્વઝોનનો ૧ અને ઉત્તર ઝોનના ૧ એમ ૧૦ વોર્ડસના ૧૬૦ જેટલા લોકેશન-સ્થળોએ સઘન આરોગ્યલક્ષી ઝૂંબેશ ઉપાડવા સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, આવી ટીમ જે-તે કન્ટેનમેન્ટ ઝોનમાં સતત જશે તેથી ત્યાંના નાગરિકો-લોકોને પણ ઘર આંગણે આરોગ્ય સેવા મળશે. એટલું જ નહિ, સામાન્ય બિમારી વાળા વ્યકિતઓને પણ સારવાર મળશે સાથોસાથ કોરોના શંકાસ્પદ વ્યકિતઓના ટેસ્ટીંગ-આરોગ્ય તપાસમાં પણ આક્રમકતા આવશે.
   તદ્દઅનુસાર, આવી જે ટીમ રચવામાં આવી છે તેમાં એક એલોપેથી ડૉકટર, એક આયુષ તબીબ, લેબ ટેકનીશીયન, ફાર્માસીસ્ટ અને પેરામેડીકલ સ્ટાફની સમગ્ર ટીમ સાથેની મોબાઇલ મેડીકલ વાન સતત ૧પ દિવસ દરેક વાન રોજ બે કલાક પ્રમાણે રોજના ૪ લોકેશન પોઇન્ટ પર તૈનાત રહેશે.
   આ વાન દ્વારા કન્ટેનમેન્ટ ઝોનના આ ૧૬૦ લોકેશનના ખાસ કરીને કોમોરબીટ અને હાઇરીસ્ક વાળા વ્યકિતઓના ટેસ્ટીંગ પર ફોકસ કરવા સાથે સામાન્ય શરદી, તાવના લક્ષણો ધરાવતા લોકોને દવા-સારવાર આપવામાં આવશે એટલું જ નહિ, અન્ય નાગરિકો-લોકોમાં પણ ઇમ્યૂનિટી બુસ્ટ અપ-રોગ પ્રતિકારકશકિત વધારતી હોમિયોપેથી દવાઓ-આયુર્વેદ દવાઓનું વિતરણ કરવામાં આવશે.
   મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે સુચવ્યું કે આવી મોબાઇલ મેડીકલ વાન ૧પ દિવસ સુધી એ જ સ્થળ, એ જ સમય, એ જ વાન અને એ જ સ્ટાફ સાથે સવારે ૮ થી સાંજે પ સુધી સેવાઓ આપે જેથી જે-તે લોકેશન વિસ્તારના પેશન્ટના ફોલોઅપથી તેઓ પરિચિત રહી શકે અને જરૂર જણાયે આગળની સારવારમાં મદદરૂપ થઇ શકે.
    મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ‘‘મારો વોર્ડ કોરોનામુકત વોર્ડ’’ના સંકલ્પ સાથે કન્ટેનમેન્ટ ઝોનને સંપૂર્ણપણે કોરોનામુકત કરવા માટે જે-તે વિસ્તારના કોર્પોરેટરો, સ્થાનિક આગેવાનો તેમજ સેવાભાવી સ્વૈચ્છિક સંગઠનો તે ઝોન-વિસ્તારના લોકોને સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે આરોગ્ય પરિક્ષણ માટે આ મેડીકલ વાન સુધી લઇ આવે તેવું પણ સૂચન કર્યુ હતું.
આ સમગ્ર કાર્યયોજના-સ્ટ્રેટજીના સંકલન માટે ઔડાના સી.ઇ.ઓ અને સનદી અધિકારી અતુલ ગોરને જવાબદારી સોંપવામાં આવી છે.
મુખ્યમંત્રીએ આ વિડીયો કોન્ફરન્સમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, અમદાવાદ મહાનગરમાંથી કોરોનાગ્રસ્ત લોકો વેળાસર સાજા થઇને ઘરે જાય તેમજ સંક્રમણનો વ્યાપ અટકે તથા કોરોનામુકત અમદાવાદ બને તે માટે કોરોના સામેની આ લડાઇ સૌએ સાથે મળીને અત્યંત વેગવંતી બનાવવાની છે.
બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથને પણ કેટલાક સૂચનો આ સઘન કામગીરી સંદર્ભે કર્યા હતા.  

(8:16 pm IST)