Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

બારડોલી બેઠક પર ભાજપના વર્તમાન સાંસદ પરભુ વસાવા સામે કોંગ્રેસના તુષાર ચૌધરીઃ કોંગ્રેસની પરંપરાગત ગણાતી આ બેઠક પર સિમાંકન બાદ સુરત શહેરનો વિસ્તાર ભળતા સમીકરણો બદલાયા

આ બેઠક પર સાડા ત્રણ લાખ જેટલા મતદારો મૂળ સૌરાષ્ટ્રના વતની છેઃ ૧૯૬૨થી ૨૦૧૪ સુધીના પરિણામોની ઝલક વાંચો

 દક્ષિણ ગુજરાતની આ બેઠક અનુસુચિત જનજાતિ બેઠક છે. અગાઉ આ બેઠક માંડવી બેઠક તરીકે ઓળખાતી હતી. એક સમયની કોંગ્રેસની પરંપરાગત મનાતી આ બેઠક હવે જાણે ભાજપનો હિસ્સો બની ગઇ છે.

ગુજરાત રાજ્ય સ્થાપનાથી લઇ વર્ષ ૨૦૦૯ સુધી આ બેઠક માંડવી બેઠકથી ઓળખાતી હતી. એક રીતે કહીએ તો આઝાદી થી વર્ષ ૧૯૯૮ સુધી સતત ૭ ટર્મ કોંગ્રેસના સ્વ. ધીરૂભાઇ ગામીત સાંસદ રહ્યા હતા.

પરંતુ ૧૯૯૯માં ભાજપના સાંસદે આ બેઠક પર તરાપ મારી પરંતુ ફરીવાર ૨૦૦૪ અને ૨૦૦૯ના વર્ષમાં કોંગ્રેસના ડો. તુષાર ચૌધરીએ આ બેઠક ઉપર જીત મેળવી એટલે આ બેઠકની ૧૨ ચૂંટણીમાંથી ૧૧ ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો.

વર્ષોથી આદિવાસી મતદારો કોંગ્રેસ સાથે રહ્યા છે. જેને પગલે અહીં કોંગ્રેસ મજબુત હતી. પરંતુ સીમાંકનમાં બદલાવ થતા આ બેઠકમાં માંગરોળ વિધાનસભા તેમજ સુરત શહેરના કેટલોક વિસ્તારનો ઉમેરો આ બેઠકમાં થતા સમિકરણોમાં બદલાવ થયો છે.

અત્યાર સુધી કોંગ્રેસ માટે પ્લસ પોઇન્ટ બની રહેલી આદિવાસી મતદારો સામે હવે શહેરી મતદાતાઓ ભાજપ માટે પ્લસ પોઇન્ટ બની ગયા છે.

આ બારડોલી બેઠકમાં નિઝર , વ્યારા, મહુવા, કામરેજ, માંડવી, માંગરોળ અને બારડોલી એમ ૭ વિધાનસભાનો સમાવેશ થાય છે. જેમાં વ્યારા-માંડવી અનેનિઝર બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યનો વિજય થયો હતો. જયારે કામરેજ, મહુવા, માંગરોળ અને બારડોલી પરથી ભાજપના ધારાસભ્યનો વિજય થયો છે.

સોનગઢ અને વ્યારા આ વિસ્તાર ભાજપના ગઢ સમાન છે.બાકીના વિસ્તારોમાં હજુ પણ કોંગ્રેસનું જોર જણાઇ રહ્યું છે. ૧૯૬૨થી અત્યાર સુધીના આ બેઠકના પરિણામોની એક ઝલક જોઇએ તો....

૧૯૬૨માં કોંગ્રેસના ઉમેદવાર છગનભાઇ કેદારીયા ૬૧,૫૩૧ મતોથી જીત્યા હતા. તો ૧૯૬૭ માં ફરીવાર છગનભાઇ જ ૬૧,૭૩૭ મતોથી વિજય બન્યા હતા. પરંતુ ૧૯૭૧માં આવેલા એક રાજકીય વળાંકમાં છગનભાઇ કેદારીયાને ભાજપના ઉમેદવાર અમરસિંગભાઇ ઝીણાભાઇ ચૌધરીએ ૧૧,૫૭૩ મતોથી હરાવ્યા હતા.

જયારે ૧૯૭૭માં કોંગ્રેસના ઉમેદવાર છીતુુભાઇ દેવજીભાઇ ગામીતની આ બેઠક પર એન્ટ્રી થઇ બસ ત્યારપછી તો જાણે આ બેઠક જ પડાવી લીધી. તેમણે આ ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ૧૯૮૦માંં પણ જનતા પાર્ટી તરફથી ઉભા રહેલા અમરસિંગ ભાઇને ૩૬,૦૦૦ જેટલા મતોથી હરાવ્યા.

જેમ-જેમ સમય આગળ સરકતો ગયો તેમ-તેમ આ બેઠક ઉપર છીતુભાઇ સતત મજબુત બનતા ગયા.

૧૯૮૪ની ચૂંટણીમાં છીતુભાઇએ ફરી જનતા પાર્ટી તરફથી ઉભા રહેલા અમરસિંગભાઇ ઝીણાભાઇ ચૌધરીને ૧૦૫૫૨૩ જેટલા જંગી મતોથી હરાવ્યા.

જયારે ૧૯૯૧માં આ બેઠક પર ભાજપની પણ એન્ટ્રી થઇ. આ વેળાએ પણ છીતુભાઇએ ભાજપના ઉમેદવાર કાંજીભાઇ મગનભાઇ પટેલને ૧૦૬૦૧૬ જેટલા જંગી મતોથી હરાવ્યા.

૧૯૯૬માંં છીતુભાઇ એ ભાજપના ઉમેદવાર માનસિંહભાઇ પટેલને હરાવ્યા. પરંતુ આ વખતે જીતના મતની સરેરાશ ઘટીને આશરે ૩૦,૦૦૦ ઉપર પહોંચી. ૧૯૯૮માં છીતુભાઇએ ભાજપના ઉમેદવાર માનસિંહ ભાઇને ૧૬,૪૮૬ મતોથી હરાવ્યા.

છીતુભાઇ ગામીતની જીતની આ સફર આગળ ધપતી જ ગઇ. ફરીવાર તેમણે ૧૯૯૯માં ભાજપના ઉમેદવાર માનસિંહભાઇને ૫૬૮૩૧ મતોથી હરાવ્યા.

૨૦૦૪ના વર્ષમાં આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ડો. તુષાર અમરસિંહ ચૌધરીની ધમાકેદાર એન્ટ્રી થઇ અને તેમણે ભાજપના ઉમેદવાર માનસિંહભાઇને ૧,૭૩,૩૮૨ જેટલા જંગી મતોથી હરાવ્યા. તેઓ કેન્દ્રમાં પણ પહોંચ્યા અને આગળ જતા યુપી શાસનમાં કેન્દ્રીય મંત્રી પણ બન્યા.

ડો. તુષારભાઇ ચૌધરીએ ૨૦૦૯ની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપના ઉમેદવાર રિતેશકુમાર વસાવાને પડકારી ૫૮,૯૮૫ મતોથી હરાવ્યા. ભાજપે સ્થિતિ સમજી કુનેહ વાપરી કોંગ્રેસના જ ધારાસભ્ય અને સ્થાનિક વજન ધરાવતા પરભુભાઇ વસાવાને ભાજપનો ખેસ પહેરાવ્યો.

એવામાં ૨૦૧૪ની ચૂંટણી આવી. ગુજરાત જ નહિ દેશભરમાં ફેલાઇ હતી મોદી લહેર... અને જેમાં આ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર પરભુભાઇ નાગરભાઇ વસાવાએ કોંગ્રેસના ઉમેદવાર ડો. તુષાર ચોધરીને ૧,૨૩,૮૮૪  જેટલા જંગી મતોથી હરાવી આ બેઠક ભાજપને અપાવી.

સાંસદ તરીકે પરભુભાઇ એ આ વિસ્તારના પ્રજાના કામો કરવામાં ફીફટી-ફીફટી રહ્યાનું જણાય છે. કેટલાક કામો કરાવી શકયા છે, તો કેટલાક કામો હજુ પણ પેન્ડીંગ રહેતા લોકોમાં નારાજગી છે.

આ બેઠકના મતદારોને જ્ઞાતિની દ્રષ્ટિએ જોઇએ તો અહીં ર,૨૫,૦૦૦ જેટલા ગામીત મતદારો, ૨,૧૫,૦૦૦ જેટલા ચૌધરી મતદારો, ૨,૧૦,૦૦૦ જેટલા વસાવા મતદારો, ૧,૭૫,૦૦૦ જેટલા હળપતિ મતદાતાઓ, ૭૫,૦૦૦ જેટલા પાટીદાર મતદાતાઓ, એકાદ લાખ જેટલા મુસ્લિમ મતદાતાઓ છે.

આ ઉપરાંત આ બેઠક પર આશરે ૩,૫૦,૦૦૦ જેટલા સૌરાષ્ટ્રના મતદાતાઓ તેમજ આશરે ૫૦,૦૦૦ જેટલા પરપ્રાંતિય મતદાતાઓનો સમાવેશ થાય છે.

ગત તા. ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ની સ્થિતિ અનુસાર આ બેઠક પર ૯,૩૪,૫૩૮ પુરૂષ મતદાતાઓ તથા ૮,૯૧,૬૩૧ મહિલા મતદાતાઓ મળી કુલ ૧૮,૨૬,૧૮૯ મતદાતાઓનો સમાવેશ થાય છે. એટલે આ બેઠક પર સ્થાનિક મતોની સાથે સાથે સૌરાષ્ટ્ર તેમજ પરપ્રાંતિય મતદાતાઓ પણ એટલાં જ મહત્વના થઇ પડયા છે.

આ વેળાની આ ચૂંટણીમાં આ બેઠક ઉપરથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી ડો. તુષારભાઇ ચૌધરીને તો  બહુજન સમાજ પાર્ટી તરફથી દિનેશભાઇ ચૌધરીને તો ભારતીય જનતા પાર્ટી તરફથી પરભુભાઇ નાગરભાઇ વસાવાને તો સરદાર વલ્લભભાઇ પટેલ પાર્ટી તરફથી કોૈશિકભાઇ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે.

જયારે બહુજન રિપબ્લિકન સ્પેશ્યાલીસ્ટ પાર્ટી તરફથી મોહનભાઇ ગામીતને તો સ્વતંત્ર ભારત સત્યાગ્રહ પાર્ટી તરફથી સુરેશભાઇ ગામીતને જયારે બીટીપી તરફથી ઉત્તમભાઇ વસાવાને મેદાનમાં ઉતાર્યા છે.

આ ઉપરાંત આ બેઠક ઉપરથી અપક્ષ તરીકે અરવિંદભાઇ રાઠોડ, ઉમેદભાઇ ગામીત, પ્રજ્ઞેશભાઇ ચૌધરી, ફતેસિંગભાઇ વસાવા તથા સુરેશભાઇ ચૌધરી પણ મેદાનમાં ઉતર્યા છે.

આમ, કુલ ૧૨ ઉમેદવારોએ આ બેઠક ઉપરથી ઝંપલાવ્યું છે. પણ કહેવાય છે કે સાચી ટક્કર તો કોંગ્રેસના ઉમેદવાર તુષારભાઇ ચૌધરી અને ભાજપના ઉમેદવાર પરભુભાઇ વસાવા સામે જ રહેશે.

હવે જોઇએ આ બેઠક ઉપર કોણ ફાવે છે.... પરભુભાઇ વસાવા ફરીવાર જીત મેળવવા સફળ થશે કે ચાન્સ મળશે તુષારભાઇ ચૌધરીને...?

બારડોલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડો. તુષાર ચૌધરીઃ પરિચયની પાંખે...

: બારડોલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડો. તુષાર ચૌધરીનું પરિવાર રાજકીય આલમમાં મોટું નામ ધરાવે છે. તેમના પિતા સ્વ. અમરસિંહ ભાઇ ચૌધરી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકયા છે.

તુષારભાઇનો જન્મ તા. ૧૮મી ડિસેમ્બર ૧૯૬૫ના રોજ વાપી ખાતે થયો હતો. રાજકારણ તો તેમના લોહીમાં જ હતું. પરંતુ તેમનું પોતાનું સમગ્ર ધ્યાન ભણવા ઉપર જ કેન્દ્રીત કર્યું.

તુષારભાઇએ એમબીબીએસની ડિગ્રી મેળવી અને ડો. દિપ્તી જોડે લગ્નગ્રંથીથી જોડાયા. જાણે પિતાને ફોલો કરતા હોય તેમ તેમણે પણ રાજકીય આલમમાં એન્ટ્રી મારી.

૧૪મી લોકસભાની ચૂંટણી એટલે કે ૨૦૦૪ના વર્ષમાં તેઓ માંડવી બેઠક પરથી કોંગ્રેસ તરફથી લડયા અને ભવ્ય જીત મેળવી ત્યારબાદ ૧૫મી લોકસભામાં એટલેકે ૨૦૦૯ના વર્ષમાં તેઓ બારડોલી બેઠક પરથી ચૂંટણી લડી ભવ્ય જીત મેળવી.

કોંગ્રેસ હાઇકમાન્ડે તેમને સિરપાવ રૂપે તેમને કેન્દ્રીય મંત્રી પદ આપ્યું. અને અલગ-અલગ બે ખાતાઓની જવાબદારી સુપેરે પાર પાડી. પરંતુ ૨૦૧૪માં મોદી લહેરમાં તેમનો આ બેઠક પરથી પરાજય થયો હતો.

લાંબી મથામણ બાદ કોંગ્રેસે ફરી તેમને આ બેઠક ઉપરથી ટિકીટ આપી મેદાનમાં ઉતાર્યા છે. એક રીતે કહીએ તો તુષારભાઇ માટે પણ આ ચૂંટણી જંગ જાણે અસ્તિત્વની લડાઇ બની ચુકી છે.

બારડોલી બેઠકના ભાજપના ઉમેદવાર પરભુભાઇ વસાવાઃપરિચયની પાંખે...

: લોકસભાની આ ચૂંટણીમાં બારડોલી બેઠક પરથી ભાજપે ફરી એકવાર પરભુભાઇ વસાવાને મેદાનમાં ઉતાર્યા છે.

પરભુભાઇનો જન્મ ૧લી માર્ચ ૧૯૭૦ના રોજ સુરત જિલ્લાના માંડવી તાલુકાના કોલખાડી ખાતે થયો હતો. સામાન્ય પરિવારમાં જન્મ હોવા છતાં ડીપ્લોમા મિકેનિકલની પદવી મેળવી.

સામાજીક પ્રશ્નો હલ કરતા કરતા તેઓ રાજકીય આલમમાં પહોંચ્યા. રમત-ગમતમાં ભારે રૂચિ ધરાવતા પરભુભાઇ સુરત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પણ રહી ચુકયા છે. સામાજીક ક્ષેત્રે વિવિધ હોદ્દાઓ પર સારી કામગીરીને પગલે સતત લોકચાહના મેળવતા રહ્યા છે.

કોંગ્રેસમાં રહીને વિધાનસભા સુધી પહોંચ્યા. પરંતુ પાછળથી ભાજપમાં જોડાયા બાદ ભાજપે તેમને ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીની ટિકીટ આપી અને તેઓ જીત્યા પણ ખરા અને સાંસદ પદ સુધી પહોંચ્યા.

૨૦૧૪થી ૨૦૧૯ દરમ્યાન તેઓ પ્રજાલક્ષી કાર્યો કરવાના પ્રયત્નો પણ કર્યા. અને કેટલાક પડતર પ્રશ્નોને પણ વાચા આપી અને હવે ફરી ૨૦૧૯માં પણ તેઓ ભાજપ તરફથી મેદાનમાં ઉતર્યા છે.

હવે જોવાનું એ રહયું કે આ વેળાએ પણ  પરભુભાઇ આ બેઠક ભાજપને અપાવી શકશે કે કેમ...?

(4:21 pm IST)