Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

શ્યામલ સર્કલ પાસે પોલીસના દરોડા : દારૂનો જથ્થો જપ્ત થયો

૬.૮૦ લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયોઃ બુટલેગર સચિન ઠાકર અને ધવલ રાડિયાની ધરપકડ : બિયર તેમજ વિદેશી દારૂની ૧૧૦ પેટીનો જથ્થો જપ્ત

અમદાવાદ,તા. ૧૪: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્યમાં દારૂની રેલમછેલ થઇ રહી છે. બુટલેગરો પોલીસના ડર વગર બેખૌફ થઇને બિન્દાસ પરપ્રાંતથી દારૂ લાવીને ઊંચા ભાવે તેનું વેચાણ કરી રહ્યા છે. આજે વહેલી સવારે શહેરના પોશ વિસ્તાર ગણાતા શ્યામલ સર્કલ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક બંગલોમાં દરોડા પાડીને ૬.૮૦ લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોશ એરિયામાં બંગલો ભાડે રાખી તેને દારૂનું ગોડાઉન બનાવનારા બુટલેગરો સચીન ઠાકર અને ધવલ રાડિયાની પણ પોલીસે ઘટનાસ્થળેથી ધરપકડ કરી હતી. તો બિયર અને વિદેશી દારૂની ૧૧૦ પેટીનો જથ્થો પણ જપ્ત કરાયો હતો. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા બુટલેગરો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, સેટેલાઇટ જેવા પોશ વિસ્તારમાં આવેલ શ્યામલ સર્કલ પાસેના બીજલ બંગલોઝના એક મકાનમાં દારૂનો વિશાળ પ્રમાણમાં જથ્થો પડ્યો છે. બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બીજલ બંગલોઝના એક મકાનમાં આજે સવારે દરોડા પાડ્યા હતા અને બિયર તેમજ વિદેશી દારૂની ૧૧૦ પેટીનો જથ્થો જપ્ત કર્યો હતો. ઘટનાની જાણ સેટેલાઇટ પોલીસને થતાં તે પણ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઇલેક્શન નજીક આવી રહ્યું છે ત્યારે આટલા વિશાળ પ્રમાણમાંં દારૂનો જથ્થો મળી આવતાં સ્થાનિક પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થઇ રહ્યા છે. બીજલ બંગલોઝમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કરેલી રેડમાં બુટલેગર સચીન ઠાકર અને ધવલ રાડિયાની ધરપકડ કરાઇ હતી. પોલીસે સચીન અને ધવલ પાસેથી એક કાર તેમજ અન્ય એક કાર અને એક્ટિવા જપ્ત કર્યું છે. સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.બી.ઝાલાએ જણાવ્યું હતું કે, સચીન ઇસનપુરમાં પરિવાર સાથે રહે છે અને પરિવારની જાણ બહાર દારૂનો ધંધો કરે છે. સચીન અગાઉ પ્રાંતિજ, મોડાસા અને બગોદરામાં દારૂના કેસમાં ઝડપાયો છે. સચીનના પરિવારને જાણ થાય નહીં તે માટે તેણે શ્યામલ સર્કલ પાસે આવેલ બીજલ બંગલોઝમાં બંગલો ભાડે રાખ્યો હતો અને તેમાં દારૂનું ગોડાઉન બનાવ્યું હતું. સચીન અને ધવલ બન્ને જણા રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાં જઇને દારૂની પેટીઓ યેનકેન રીતે લાવતા હતા અને આ બંગલામાં ઊતારતા હતા. સચીન તેમજ ધવલને જે રીતે દારૂનો ઓર્ડર મળતો હતો તે ડિલિવરી એક્ટિવા પર કરતા હતા. પોલીસનું માનીએ તો, અંદાજિત રોજની ત્રણથી ચાર પેટી દારૂનું વેચાણ બન્ને જણા કરતા હતા. આ સિવાય કોઇને હોલસેલ પણ દારૂની પેટીઓ આપતા હતા. પોલીસે બન્ને જણાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બીજલ બંગલોઝમાં રાત્રે રહીશો સુઇ જતા હતા ત્યારે બન્ને જણા દારૂ લાવતા હતા. પોલીસ બીજલ બંગલોઝના સીસીટીવી ફૂટેજ પણ કબજે કરીને તપાસ શરૂ છે. ઉલ્લેખનીય છેકે રાજ્યમાં લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે અત્યાર સુધી રાજ્યમાં છ કરોડ કરતાં વધુનો દારૂ પકડાઇ ચૂક્યો છે અને રૂ. ત્રણ કરોડ કરતાં વધુની રોકડ રકમ જપ્ત કરાઇ છે. ઇલેક્શન કમિશને ફરિયાદો માટે જે એપ લોન્ચ કરી છે તેમાં ૪૨૦ કરતાં વધુની ફરિયાદો મળી ચૂકી છે.

(9:51 pm IST)
  • પાટણમાં પવનના સુસવાટા સાથે હળવા વરસાદી છાંટા access_time 4:30 pm IST

  • કર્ણાટકમાં JDS ઉમેદવારોના નિવાસસ્થાન ઉપર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના દરોડા : લોકસભાની ચૂંટણી લડી રહેલા પાર્ટી સુપ્રીમો એચ.ડી.દેવગૌડાના પૌત્ર નિખિલ કુમારસ્વામી તથા પ્રજવલ રેવન પાસે આવક કરતા વધુ સંપત્તિ તથા કાળું નાણું હોવાની બાતમી : ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટનું મંતવ્ય : સરકાર દ્વારા સત્તાનો દુરુપયોગ થઇ રહ્યો છે : JDS સમર્થકોનું મંતવ્ય access_time 12:48 pm IST

  • સુશીલ મોદી રાહુલ પર કરશે માનહાનીનો કેસ : કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સભા ગજવતા કહ્યું હતું કે, મોદી સરનેમ વાળા તમામ ચોર તેવું વિવાદીત નિવેદન પર સુશીલ મોદી રાહુલ વિરૂદ્ધ માનહાનીનો કેસ કરશે access_time 4:01 pm IST