Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

અડવાણીને ટિકિટ આપવાની રજુઆત હજુ સુધી થઈ નથી

અમિત શાહ અને આનંદીબહેન વચ્ચે સ્પર્ધા : ગાંધીનગર લોકસભા બેઠક ટિકિટ માટે હવે અમિત શાહ અને આનંદીબેન જુથ વચ્ચે લડાઈ : શાહનું પલ્લું ભારે છે

અમદાવાદ,તા.૧૬ : ભાજપના દિગ્ગજ નેતાઓ માટે સલામત ગણાતી ગાંધીનગર લોકસભા બેઠક માટે આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આ લોકસભા વિસ્તારના ભાજપના આગેવાનોએ અમિત શાહ અને આનંદીબેન પટેલને ટિકિટ આપવા માટેની રજૂઆતો કરી હતી. પરંતુ છેલ્લી છ ટર્મથી ગાંધીનગર લોકસભામાં ચૂંટાઈ રહેલા ભાજપના ભીષ્મ પિતામહ એવા એલ.કે. અડવાણીને ફરીથી ચૂંટણી લડાવવા અંગે એકપણ આગેવાને રજૂઆત કરી નહોતી. જેને પગલે આ બેઠક પરથી અડવાણીની બાદબાકી નક્કી હોવાનો સંકેત મળ્યો છે. ભાજપ દ્વારા છેલ્લા ૧૦ દિવસથી ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરાઈ છે. જેમાં ઉમેદવારોના નામો અંગે ભાજપના પ્રદેશ નેતાઓ અને પ્રભારી વચ્ચેની બેઠકમાં ચર્ચા થઈ હતી. ત્યાર બાદ દરેક લોકસભા બેઠક પ્રમાણે સ્થાનિક આગેવાનોની સેન્સ લેવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. જેના ભાગરૂપે અમદાવાદના ખાનપુર ખાતે આવેલા ભાજપના જુના પ્રદેશ કાર્યાલયમાં આજે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર સંદર્ભે સ્થાનિક આગેવાનોની સેન્સ લેવામાં આવી હતી. જેમાં ભાજપના મોટાગજાના નેતાઓ માટે મહત્વની ગણાતી ગાંધીનગર લોકસભા બેઠક પર અડવાણીના સ્થાને અમિત શાહ કે આનંદીબેનને ટિકીટ આપવા માટે રજૂઆત થઈ હતી. આમ ગાંધીનગર લોકસભા બેઠક માટે શાહ અને બેન જુથ સામ સામે આવી ગયા હતા. જો કે, આ પ્રતિષ્ઠિત બેઠક માટે અમિત શાહનું પલ્લું ભારે હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. બીજીબાજુ, આનંદીબેનને વડાપ્રધાન મોદીનું આંતરિક પીઠબળ હોવાથી તેમના જૂથ દ્વારા પણ બેનને ટિકિટ આપવાની માંગ ઉગ્ર બનાવાઇ છે.

(9:21 pm IST)