Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ભરૂચ કોર્ટના ડ્રાઈવર ઊંચા વ્યાજે નાણાં ધીરી કોર્ટ કેસની આપતો ધમકી: વ્યાજખોર કર્મચારીને SOG એ ઝડપ્યો

ઝઘડિયા તાલુકા પંચાયતના જુનિયર ક્લાર્ક સહિત 10 લોકોને લાયસન્સ વિના આપ્યા હતા પૈસા : લીધેલા નાણાં આપી દીધા હોવા છતાં આરોપીએ ચેક બાઉન્સ કરાવ્યા

ભરૂચ કોર્ટનો ડ્રાઈવર પંચાયતના જુનિયર ક્લાર્ક સહિત 10 લોકો પાસેથી ઊંચું વ્યાજ વસૂલી ધમકી આપતો હોવાની FIR સાથે SOG એ કોર્ટના ડ્રાઈવરની ધરપકડ કરી છે.

વ્યાજખોરો સામે પોલીસની કડક કાર્યવાહીની ઝુંબેશમાં ભરૂચ જિલ્લામાં એક બાદ એક વ્યાજખોરોના જામીન નામંજૂર થઇ રહ્યા છે અને કોર્ટે આરોપીઓને જેલ હવાલે કરી રહી છે. રાજ્ય સાથે ભરૂચમાં પણ બેફામ બનેલા વ્યાજખોરોના ત્રાસમાંથી સામાન્ય માણસને છૂટકારો અપાવવા મોહિમ ચાલી રહી છે. ભરૂચ SP ડો. લીના પાટીલ દ્વારા વ્યાજખોરો સામે એક્શન પ્લાન તૈયાર કરી અલગ અલગ સ્થળે લોકદરબાર યોજી લોકોને માહિતગાર પણ કરાઈ રહ્યા છે. વ્યાજખોરો સામે પોલીસ એજન્સીએ SPના માર્ગદર્શન હેઠળ સખતમાં સખત કાર્યવાહી કરવા ફરિયાદ મેળવવાનું શરૂ કર્યું છે.

 

ભરૂચ SOGને વ્યાજખોરી હેઠળ એક અરજીની તપાસ મળી હતી. PI આંનદ ચૌધરી, PSI એ.વી.શિયાળીયા, હે.કો.શૈલેષભાઇ, નરેશભાઇ સહિતની ટીમ દ્વારા અરજીની તપાસ શરૂ કરી હતી. દરમ્યાન ભરૂચ કોર્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો સુરેશ અંબાલાલ પટેલ પોતે સરકારી કર્મચારી હોવા છતા અને વ્યાજે નાણાધીરધાર કરવા અંગેનો પરવાનો ધરાવતો ન હતો. તેમ છતા ગેરકાયદે વ્યાજનો વેપલો કરતો હતો. ફરીયાદી ઝઘડિયા તાલુકા પંચાયતના જુનિયર ક્લાર્ક કમલેશ રણછોડભાઇ પરમારનાઓ પાસે ઊંચા દરે વ્યાજ વસુલાતું હતું.

ભરૂચ કોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા સુરેશ પટેલે બીજા અન્ય 9 લોકોને પણ 10% ના વ્યાજદરે ગેરકાયદેસર ધીરાણ કરી તેની અવેજમાં સિક્યુરીટી પેટે ફરીયાદી તથા સાહેદોના સહીવાળા કોરા ચેકો મેળવી લીધા હતા. વ્યાજ સહીતના નાણા વસુલ કર્યા બાદ સિક્યુરીટી પેટે મેળવેલ ચેકોમાં અલગ અલગ રકમો ભરી જે તે બેન્કમાં નાખી ચેક બાઉન્સ કરાવી ભરૂચ કોર્ટમાં આશરે 20 થી પણ વધુ ભોગબનનાર વિરૂધ્ધમાં કેસ દાખલ કર્યા હતા. સરકાર દ્વારા નક્કી કરેલ નિયમ વિરૂધ્ધમાં વધુ વ્યાજ સાથે નાણાની વસુલી કરી વધુ નાણા મેળવવા ગુનાહીત ધાક ધમકી આપી બળજબરીપૂર્વક કઢાવી લેવાનો ગુનો કરતા ભરૂચ SOG દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. આરોપી સુરેશભાઇ પાસેથી હિસાબની એક ડાયરી પણ કબજે કરાઈ છે.

(12:41 am IST)