Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

સુરતમાં અશ્વો ગ્લેન્ડર પોઝિટિવ મળી આવતા છ ઘોડાઓને દયામૃત્યુ આપવા જિલ્લા કલેકટરે ભગ્ન હ્ર્દયે હસ્તાક્ષર કર્યા

અશ્વોમાં ફેલાયેલા રોગને કારણે સમગ્ર લાલ દરવાજા પંથકમાં ચિંતાનું મોજું ફરી વળ્યું: ઘોડાને મુત્યુ આપ્યું છે તેના માલિકના સેમ્પલ લેવામાં આવ્યા

સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં અશ્વોમાં ફેલાયેલા ગ્લેન્ડર્સ નામનો રોગ શહેરના નાગરિકોમાં ન ફેલાય અને નાગરિકોની સુખાકારી માટે અશ્વોને દયામૃત્યુ આપવાનો હુકમ જિલ્લા કલેક્ટર આયુષ ઓકે ભગ્ન હૃદયે કર્યો હતો. અશ્વોમાં ફેલાયેલા રોગને કારણે સમગ્ર લાલ દરવાજા પંથકમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. અશ્વમાં ફેલાતો આ રોગ માનવ જાત માટે પણ હાનિકારક છે અને આ રોગ નાગરિકોમાં ન પ્રસરે તેની અગમચેતી વાપરીને ના છૂટકે ભગ્ન હૃદયે જિલ્લા કલેક્ટર આયુષ ઓકે ચેપગ્રસ્ત અશ્વોને દયામૃત્યુ આપવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા.

શહેરના લાલ દરવાજા વિસ્તારમાં અશ્વ કૂળના પશુઓમાં મળતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે અને લાલ દરવાજાથી પાંચ કિલોમીટરના અંતરમાં આવેલા તમામ ઘોડા, ખચ્ચર, ગદર્ભ વગેરે અશ્વકૂળોના પશુઓના નમૂના લેવાની કામગીરીં શરૂ કરવામાં આવશે, આઠ પશુઓના સેમ્પલ અધિકૃત કરાયેલ લેબોરેટરીમાં મોકલવામાં આવતા છ જેટલા અશ્વો ગ્લેન્ડર માટે પોઝિટિવ જણાતા પશુપાલન વિભાગ દ્વારા મનપાની ભટાર ડમ્પિંગ સાઇડ ઉપર વૈજ્ઞાનિક ઢબેથી મૃત્યુ આપીને દફનાવી દિધા બાદ સમગ્ર વિસ્તારને રોગમુક્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

વધુ માહિતી મુજબ ઘોડાને મુત્યુ આપ્યું છે તેના માલિકના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત લાલગેટ વિસ્તારના અન્ય ઘોડાઓના પણ હાલ સેમ્પલ લેવાની શરૂઆત કરવામાં આવી છે.અને આ સાથે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ તાજેતરમાં સુરત જિલ્લામાં યોજાયેલી ઘોડાની સ્પર્ધામાં પણ જે 300 ઘોડાએ ભાગ લીધો હતો તે તમામનું પણ ચેકીંગ કરાશે.

(12:40 am IST)