Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ગુજરાતનું સૌથી પૌરાણિક સુરતના કતારગામ વિસ્તારમાં કંતારેશ્વર મહાદેવ મંદિર: ગાયની ખરીનો આકારનું શિવલિંગ:અનોખી દંતકથા

આ પૌરાણિક મંદિર અંદાજે 3 હજાર વર્ષ જુનું હોવાનું મનાઇ રહ્યું છે: બારેમાસ ભક્તોનું ઉમટે છે ઘોડાપુર

સુરતનાં કતારગામ વિસ્તારમાં આવેલાં કંતારેશ્વર મહાદેવ મંદિર તેમજ તાપી કિનારાનાં અનેક શિવાલયો કપિલ મુનિના નામ સાથે જોડાયેલા છે. કંતારેશ્વર મંદિરનો ઇતિહાસ પણ આ જ મુજબનો છે. આ શિવાલય ફક્ત શ્રાવણ માસ અને મહાશિવરાત્રી પુરતો જ નહિં પણ દરરોજ શિવભક્તોની ભીડથી ઉભરેલો રહ્યો છે..

દેવાધીદેવ મહાદેવને રીઝવવા માટે ભક્તો અવારનવાર વારે તહેવાર ઉપવાસ રાખતા હોય છે..અને માનતા માંગતા છે..ત્યારે સુરતનું એક મંદિર એવું છે જે બારેમાસ ભક્તોની ભીડથી ઉભરાયેલું રહે છે. શ્રી કંતારેશ્વરનું ધામ સુપ્રસિધ્ધ છે.. સુરતને અડીને ઉત્તરમાં આ પુનિત ધામ આવેલું છે. આ ધામ એટલું રમણીય અને મનોહર છે કે પ્રથમ આવનારા દર્શનાર્થી જરૂરથી પ્રસન્ન થાય છે. દરવાજામાંથી દાખલ થતાં જ કુંડ અને કુંડની પાળ પરના નાના મોટા દહેરાઓ જોઇને એની ભવ્યતાનો અને એક મહાન તીર્થ હોવાનો ખ્યાલ આવે છે. અહિં વર્ષ દરમ્યાન ફક્ત સુરતનાં જ નહિં પણ દુરદુરથી પણ દર્શનાર્થીઓ આવે છે..

આ મંદિર ખુબ જ પૌરાણિક મંદિર મનાય છે..અને તેની સાથે એક દંતકથા પણ જોડાયેલી છે..જે તે સમયે સુરત શહેર નહિં પણ હાલનું રાંદેર એક સમૃધ્ધ શહેર હતું..રાંદેરનાં એક ધનાઢ્ય શેઠની ગાયો તાપી પાર કરી તાપીના બેટ પર ચરવા માટે આવતી હતી..બપોરે વિશ્રાંતિનાં સમયે તેમાંની એક ગાય ઝાડીમાં પ્રવેશીને દુધની ધારા શિવજી પર કરતી.આથી સાંજના આ ગાય દુધ દેતી નહિં.જેથી શેઠને ગોવાળિયા પર વહેમ ગયો..શેઠે ખાતરી કરી અને પછી તે જ રાત્રે મહાદેવજીએ શેઠને સ્વપ્ન આપ્યું..બીજા દિવસે તેણે ઝાડી કપાવી,ખોદકામ કરાવતાં મંગલમુર્તિ પિનાકપાણિ સાંબસદાશિવ ભોળાનાથે દર્શન કરાવી દીધા..આથી જ કંતારેશ્વર મહાદેવજી સ્વયંભુ કહેવાય છે..

શ્રી કંતારેશ્વર શ્રી પંચેશ્વર પણ છે..શિવજીનું એક જ લિંગ-બાણ હોય..પછી તે મોટું હોય કે નાનું હોય..પરંતુ અહિં તો નાના નાના ચારલિંગ છે..અને પાંચમી ગાયની ખરી છે..આ પાંચ લિંગ તે જુદા જુદા સ્થળે નિવાસ કરતાં પાંચ દેવભાઇઓનું એક એક શિવલિંગ છે..(1).શ્રી કંતારેશ્વર(કતારગામ)..(2).શ્રી કનકેશ્વર(કણાવ)..(3).શ્રી કપિલેશ્વર(સરોણા)..(4).શ્રી કર્દમેશ્વર(બાલપુર)..(5).શ્રી કેદારેશ્વર(બારડોલી)..

પ્રશ્ન થશે કે જો પાંચ ભાઇઓનાં પાંચ લિંગને બદલે ચાર જ શિવલિંગ કેમ..? અતિ પ્રાચીન કાળમાં પાંચમું લિંગ હતું પણ તે અદ્શ્ય થયું..અને તે સ્થાને ગાયની ખરીનો આકાર રહ્યો..લોકાકિત છે કે ગોવાળિયાની વાત સાચી ન માનતાં રાંદેરનાં શેઠિયાએ જાતે જ ખાતરી કરવા છુપી રીતે બેટ પર આવી સંતાઇ રહ્યો અને બપોરે ગાય ઝાડીમાં જેવી પેઠી કે તરત જ તેની પાછળ પાછળ દાખલ થયો..ગાય નિત્ય નિયમ પ્રમાણે નિયત સ્થળે ઉભીને દુધની ધારા વહેવવા લાગી..પરંતુ પાછળ આવેલાં શેઠનો પડછાયો પડતાં ગાય ચમકી અને તેનો એક પગ એક લિંગ પર પડતાં લિંગ અદ્શ્ય થયું અને તે સ્થાને ગાયની ખરીનો આકાર ચિહ્ન રૂપે રહ્યો

મુખ્ય મંદિર ઉપરાંત આ સ્થાનમાં સુંદર કારીગરીવાળો ભવ્ય કુંડ પણ છે જે સુર્યકુંડ કે રામકુંડને નામે ઓળખાય છે..આ પુનિતધામ પતિતપાવન સુર્યપુત્રી તાપીમૈયાને તટે આવ્યું હતું..પરંતુ સમય જતાં તાપીમૈયા દુર ખસી ગયા..આવા સ્થાનમાં જલાશય તો હોવું જોએ એવામાં ભુદેવોની ઇચ્છા ઠંડા જળથી સ્નાન કરવાની જણાતાં શ્રીરામે ધનુષ ધારણ કરી પાતાળમાંથી નિર્મળ જળની ધારા પ્રકટાવી..કહેવાય છે કે કોઇ એક વિધવા વૃધ્ધાએ પોતાની આજીવિકામાંથી એકલા હાથે આ ભવ્ય અને અદભુત કુંડનું કલામય બાંધકામ કરાવ્યું છે..જોકે અહિં ચોમાસા દરમ્યાન આ કુંડ પાણીથી ભરાય છે તે સિવાય આ ખાલી જ હોય છે..આ કુંડ પર ચાર દહેરીઓ હોવા છતાં બીજા નાનામોટા છ દહેરાઓ છે..જે પણ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે..

શિવજીનાં આ પૌરાણિક મંદિર અંદાજે 3 હજાર વર્ષ જુનું હોવાનું મનાઇ રહ્યું છે..દરરોજ આ અલૌકિક શિવલિંગની પ્રાત:કાલિન,મધ્ય કાલિન અને સાંયકાલિન પુજા કરવામાં આવે છે..શિવલિંગને દુધ,જળથી અભિષેક કરીને તેને ભભુતિનો લેપ કરવામાં આવે છે..તે બાદ તેનાં પર બિલિપત્ર અને ફુલો ચડાવીને હર હર મહાદેવનાં નાદ સાથે ભગવાન ભોલેનાથની આરતી ઉતારવામાં આવે છે..શિવજીનાં આ મંદિરમાં ખાલી હાથે આવતાં ભક્તો કંઇકનાં કંઇક લઇ જ જાય છે..ભક્તોનો દ્દઢ વિશ્વાસ છે કે તેમની મનોકામના અહિં અચુકથી પુર્ણ થાય જ છે..

ભગવાન શિવજીની આરાધના માટે ભક્તો અહિં દુરદુરથી આવે છે..તેઓ ક્યારેય ખાલી હાથે જતાં નથી..અને એ જ કારણ છે કે આજે આ શિવાલય દક્ષિણ ગુજરાતનું મોટું શિવાલય બની ગયું છે..જેનાં દર્શન કરવા માત્રથી ભક્તો ધન્યતા અનુભવે છે.. 1947 પછી 1972માં આ મંદિરનો જીર્ણોદ્વાર કરવામાં આવ્યો હતો..એ સમયે નાનકડા ગામનાં આ મંદિરમાં થોડાક જ લોકો અહિં આવતાં હતાં..પણ ધીમે ધીમે આ મંદિરનો મહિમા અને ભગવાન શિવજીની કૃપા વિશાળ બનતી ગઇ અને ઉત્તરોઉત્તર અહિં ભક્તોની આસ્થા વધુ પ્રબળ બનતી ચાલી છે..

(12:36 am IST)