Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

મુન્દ્રા ખાતે અદાણી બંદર ઉપર પ્રથમવાર 1.9 MT વજન ધરાવતું જહાજ લાંગરાયું

સૌથી ઊંડા કન્ટેનર જહાજ MSC વોશિંગ્ટનને લાંગરવામાં ખૂબ જ તકેદારી રખાઈ :જહાજ લાંગરવા માટે કરવું પડ્યું માઇક્રો પ્લાનિંગ

મુંદ્રા સ્થિત અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) પર અત્યાર સુધીનું સૌથી ઊંડું કન્ટેનર જહાજ લાંગરવામાં આવ્યું છે. અદાણી પોર્ટે MSC વોશિંગ્ટનને લાંગરીને ભારતના શીપીંગ બિઝનેસની ગૌરવગાથામાં અભિવૃદ્ધિ કરી છે. એટલું જ નહી, આ સિદ્ધિએ મુંદ્રાને અત્યાધુનિક અને સર્વાધિક વિકસિત ભારતીય બંદર તરીકે વધુ મજબૂત બનાવ્યું છે.1.9 MT વજન ધરાવતા જહાંજને સરળતાથી લાંગરતા પહેલા માઈક્રો પ્લાનીંગ કરવામાં આવ્યું હતું.

 સૌથી ઊંડા કન્ટેનર જહાજ MSC વોશિંગ્ટનને લાંગરવામાં ખૂબ જ તકેદારી રાખવામાં આવી હતી. જહાજના કેપ્ટન સાથે સતત સંપર્કમાં રહેતી પોર્ટની મરીન ટીમે આ કામ સુપેરે પાર પાડ્યું હતું. વળી ઓપરેશનમાં કોઈપણ જાતની ભૂલચૂક ન થાય તે માટે પણ ટીમને ખડેપગે રાખવામાં આવી હતી. કેપ્ટન સચિન શ્રીવાસ્તવના વડપણ હેઠળ સમગ્ર ટીમે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું.

કેપ્ટન સચિન શ્રીવાસ્તવે આ કામગીરી અંગે જણાવ્યું હતું કે મુંદ્રા પોર્ટ પર બર્થ કરનારું MSC વોશિંગ્ટન ભારતીય બંદરોમાં પર અત્યાર સુધીનું સૌથી ઊંડું કન્ટેનર જહાજ છે. મરીન ટીમે જહાજને તમામ જટિલ સંજોગો અને હવામાનને ધ્યાનમાં રાખીને સુરક્ષિત બર્થ કરાવવા જરૂરી ક્લિયરન્સની કામગીરી કરી હતી. આથી હવે અમે સાબિત કર્યું છે કે અદાણી પોર્ટ મુન્દ્રા આવા ભારેખમ જહાજોને સરળતાથી અને સુરક્ષિત રીતે સમાવી શકે છે. અદાણી પોર્ટ માટે આ વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે

MSC વોશિંગ્ટન LNG ડ્યુઅલ-ફ્યુઅલ 14K TEU અલ્ટ્રા લાર્જ કન્ટેનર વેસલ (ULCV) છે, જે C-LNG સોલ્યુશન્સ દ્વારા LNG ફ્યુઅલ ગેસ સપ્લાય સિસ્ટમ (FGSS) થી સુસજ્જ છે.

ગત વર્ષે સૌથી વિશાળ જહાજોમાંનાં એક અને 17,292 કન્ટેનર્સની ક્ષમતા ધરાવતા APL રેફલ્સને લાંગરવામાં આવ્યું હતું. અદાણી પોર્ટ વિવિધ કાર્ગો અને કોમોડિટીઝ માટે સમર્પિત ટર્મિનલ્સ સાથે 248.82 MMT કાર્ગો હેન્ડલ કરવાની વાર્ષિક ક્ષમતા સાથે 26 બર્થ અને બે સિંગલ-પોઇન્ટ મૂરિંગની વૈશ્વિક કક્ષાની સવલતો ધરાવે છે.

ભારતના સૌથી મોટાં ખાનગી બંદર તરીકે અદાણી પોર્ટ મુંદ્રા એક્ઝિમ કાર્ગો, કૃષિ ઉત્પાદનો અને વિવિધ માલસામાનના પસંદગીના પ્રવેશદ્વાર તરીકે ઉભરી આવ્યું છે. સતત વધી રહેલા કાર્ગો વોલ્યુમને જોતા અદાણી પોર્ટ મુન્દ્રા વિશ્વના ટોચના દસ બંદરોમાં સ્થાન મેળવવાનું લક્ષ્યાંક ધરાવે છે.

(11:54 pm IST)