Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

વડિયા ગામના ગામતળાવને ઊંડું કરવાના ખાતમુહૂર્ત સાથે જિલ્લામાં “જળ સંચય અભિયાન- ૨૦૨૩”નો કરાશે શુભારંભ

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા :નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી, અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં નાંદોદના વડિયા ગામે યોજાનારા “જળ સંચય અભિયાન-૨૦૨૩” કાર્યક્રમની પૂર્વતૈયારીના ભાગરૂપે ગુરુવારે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કલેક્ટરાલય ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

 સમગ્ર રાજ્યમાં તારીખ ૧૭/૦૨/૨૦૨૩ને શુક્રવારના રોજથી મુખ્યમંત્રીના હસ્તે રાજ્યકક્ષાના કાર્યક્રમ થકી રાજ્યવ્યાપી “સુજલામ સુફલામ જળ અભિયાન-૨૩”નો પ્રારંભ થનાર છે. જેને સમાંતર જિલ્લાઓમાં પણ વિવિધ મહાનુભાવોની ઉસ્થિતિમાં કાર્યક્રમ થનાર હોય નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં નાંદોદ તાલુકાના વડિયા ગામ ખાતે શુક્રવારે સવારે ૧૧=૩૦ કલાકે ગામતળાવને ઊંડું કરવાના ખાતમુહૂર્ત સાથે જિલ્લામાં “જળ સંચય અભિયાન-૨૦૨૩” નો શુભારંભ કાર્યક્રમ યોજાશે.

 આ કાર્યક્રમના ભરૂચ લોકસભા મત વિસ્તારના સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, નાંદોદના ધારાસભ્ય ડો.દર્શના બેન દેશમુખ, જિલ્લા પંતાયત સિંચાઈ સમિતિના ચેરમેન સોમાભાઈ વસાવા સહિત જિલ્લાના અન્ય પદાધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહેશે.  
 જળ સંચય અભિયાન કાર્યક્રમની પૂર્વતૈયારી અંગે યોજાયેલી સમીક્ષા બેઠકમાં આવતી કાલના કાર્યક્રમનું સુચારુ રીતે સંચાલન થાય તે જોવા સંબંધિત વિભાગોના અધિકારીઓને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, નાયબ વનસંરક્ષક નિરજકુમાર, નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધી, નાંદોદના પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:20 pm IST)