Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

દેડીયાપાડા પોલીસ મથકના વાર્ષિક નિરિક્ષણ સાથે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો

દેડિયાપાડા પોલીસ મથકની મુલાકાત કરી સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીનું નિરિક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડતા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે : જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પોલીસ અને પ્રજા વચ્ચે મિત્રતાનો સેતુ બંધાય તેવા ઉમદા આશય સાથે યુવાનો માટે વોલીબોલ સ્પર્ધા યોજાઈ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા દેડીયાપાડા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સપેક્શન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નર્મદા જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પોલીસ અને પ્રજા વચ્ચે મિત્રતાનો સેતુ બંધાય તેવા ઉમદા આશય સાથે યુવાનો માટે વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી.

જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ- નિવાલ્દા ખાતે યોજાયેલી વોલીબોલ ટુર્નામેન્ટમાં જામ્બાર, ગુલ્દાચાંબા, બાંડીશેરવાણ, કાંદા, પાટવલી, સુપરકીંગ સામરપાડા તથા દેડીયાપાડા પોલીસ સ્ટેશનની એમ મળી કુલ-૦૭ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં કાંદા ગામની ટીમ વિજેતા થઈ હતી અને પાટવલી ગામની ટીમ રનર્સઅપ રહી હતી. વિજેતા ટીમ તથા રનર્સઅપ ટીમને પોલીસ અધિક્ષકના હસ્તે ટ્રોફી તથા પ્રમાણપત્રો એનાયત કરી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
 વોલીબોલ સ્પર્ધા બાદ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના અધ્યક્ષ સ્થાને હાઈસ્કૂલના પ્રાંગણમાં જ લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજપીપલાના નાયબ પોલીસ અધિક્ષક જી.એ.સરવૈયા, રાજપીપલા વિભાગીય તથા દેડિયાપાડા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર આર. એસ. ડોડીયા સહિત અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેડીયાપાડા તાલુકાના આગેવાનો અને વેપારી મંડળ સાથે લોકસંવાદ કાર્યક્રમ યોજી માર્ગ અકસ્માતો નિવારવા તથા નાણાં ધીરનાર અધિનિયમ-૨૦૧૧, સાયબર ક્રાઇમ, મહિલા અને બાળકો વિરૂધ્ધના ગુનાઓ બાબતે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું. જેમાં ગામલોકો દ્વારા પૂછવામાં આવેલા પ્રશો- લોકોની સમસ્યાઓ સાંભળી યોગ્ય પ્રત્યુત્તર આપ્યો હતો.
 લોકસંવાદ કાર્યક્રમ બાદ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ દેડિયાપાડા પોલીસ મથકની મુલાકાત કરી સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીનું ઝીણવટપૂર્વક નિરિક્ષણ કરી જરૂરી માર્ગદર્શનપુરૂં પાડ્યું હતું

(11:18 pm IST)