Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

વડિયા ગામે નવા આરોગ્ય કેન્દ્રની માંગ સાથે ગ્રામજનોએ ધારાસભ્યને આપ્યું આવેદન

વડિયા ગામ લાછરસ PHC માં આવતું હોય વર્ષોથી ગ્રામજનોને આરોગ્ય સુવિધાઓ જોઈએ એવી મળતી નથી તો નવું PHC બને એવી રજૂઆત કરી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા :નર્મદા જિલ્લાના મોટા ગામોમાનું એક વડિયા ગામ છે. અને જેની વસ્તી 4000 જેટલી છે, સોસાયટીઓ વધતા દિન પ્રતિદિન વસ્તી વધી રહી છે અને વર્ષોથી વડિયા ગામ લાછરસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતું હોય કોઈ પણ આરોગ્ય લક્ષી કામગીરી હોય તો લાછરસ જવું પડે છે અને આ ગામ 10 કિમિ જેવું દૂર છે. એટલે લોકો રાજપીપલા ખાનગી દવાખાનાઓમાં જવાનું વધુ પસંદ કરે છે અથવા સિવિલ હોસ્પિટલમાં જાય તો આખા જિલ્લાના લોકો અને ભીડ ઘણી હોય છે. તો સંખ્યાની દ્રષ્ટ્રીએ વડિયા ગામને અલગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મળે તો બાળકો, વૃધ્ધોનું તરત નિદાન થઈ શકે
એ માટે વડિયા ગામના સરપંચ બિંદિયાબેન વસાવા, ઉપ સરપંચ વિરેન્દ્રસિંહ સુણવા, પંચાયત સભ્ય મુકેશ વસાવા, આગેવાનો બિપિન વસાવા, નરેન્દ્ર પરમાર, સહીત આગેવાનો હાજર રહીને નાંદોદ ધારાસભ્ય ડો દર્શનાબેન દેશમુખ ને આવેદન આપી રજૂઆત કરી હતી.
 આ બાબતે વડિયા ગામના સરપંચ બિંદિયાબેન વસાવાએ જણાવ્યું હતું કે વડિયા ગામને આરોગ્ય સુવિધાની ઘણી જરૂર એટલે અમે ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખને રજૂઆત કરી છે. તેઓ એ નવા આરોગ્ય કેન્દ્ર માટે તંત્ર અને જરૂર પડ્યે સરકાર સાથે વાત કરવા જણાવ્યું છે.

(11:17 pm IST)