Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

અમદાવાદ :માતાની અંતિમવિધિમાં એકેય દિકરાઓ નહીં આવતાં પિતાએ બન્ને પુત્રોને મિલકતમાંથી બેદખલ કર્યા

પિતાના અવસાન બાદ યુ.કે.થી બન્ને દીકરાઓ ભારત આવ્યા :પુત્રોએ હક મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી :આગામી બે અઠવાડિયામાં સુનાવણી

અમદાવાદ : માતાના મૃત્યુ બાદ છેલ્લે અંતિમવિધિમાં બેમાથી એકેય દિકરાઓ ન આવતાં પિતાએ તેમની મિલકત ટ્રસ્ટને દાનમાં આપી બન્ને પુત્રોને મિલકતમાંથી બેદખલ કર્યા છે. મિલકતમાંથી બેદખલ કર્યા બાદ પુત્રોએ હક મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે આ બાબતે આગામી બે અઠવાડિયામાં સુનાવણી કરવામાં આવનાર છે.

 મળતી માહિતી મુજબ અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં ઈન્કમટેક્સ ઓફિસમાંથી નિવૃત થયેલા રશ્મિકાંતભાઈ ઠક્કર અને તેમના પત્નિ એકલા રહેતા હતા. ઈન્કમટેક્સ ઓફિસમાંથી નિવૃત થયા બાદ રશ્મિકાંતભાઈ અને તેમના પત્નિ નીમાબેન સાથે રહેતા હતા. 2018માં રશ્મિકાંતભાઈના પત્નિ નીમાબેનની કીડનીની બિમારી થતાં તેઓ પથારીવશ હતા

આ દરમ્યાન રશ્મિકાંતભાઈએ યુ. કે રહેલા તેમના બે પુત્રોને જાણ કરી મળવા માટે કહ્યું હતું પરંતુ તેઓ માતાને મળવા ભારત આવ્યા નહોતા. અને એ પછી 2019માં નીમાબહેનનું અવસાન થયા બાદ અંતિમવિધિમાં આવવા માટે કહ્યુ છતાં એકેય પૂત્રો આવ્યા નહોતા. તેથી રશ્મિકાંતભાઈના પત્નિની સેવા કરતા તેમના મિત્રના દિકરા કિશોર ઓડેદરાને તમામ મિલકત આપી દેવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ કિશોરભાઈએ આ મિલકત સ્વીકારવાની મનાઈ કરી હતી. જેથી રશ્મિકાંતભાઈએ તેમના મૃત્યુ બાદ અમદાવાદના સીજી રોડ પર આવેલી દુકાન અને સેટેલાઈટ ખાતે આવેલો બંગલો તેમની જ્ઞાતિના ટ્ર્સ્ટને દાનમાં આપવાનું ફાઈનલ કર્યુ હતુ. અને તેમની રોકડ અને ઘરેણાં કિશોરને ભેટમાં આપી દીધા હતા. અને તેના પાવર ઓફ એટર્ની પણ કરી દીધી હતી

રશ્મિકાંતભાઈનું બે વર્ષ બાદ અવસાન થતાં તેમની ઈચ્છા પ્રમાણે અમદાવાદના સીજી રોડ પર આવેલી દુકાન અને સેટેલાઈટ ખાતે આવેલો બંગલો તેમની જ્ઞાતિના ટ્ર્સ્ટને દાનમાં આપી દીધા હતા. તેથી તેમના અવસાન બાદ યુ. કે થી બન્ને દીકરાઓ ભારત આવ્યા ત્યારે તેમને ખબર પડી કે પિતાએ બંગલો અને દુકાન તેમની જ્ઞાતિના ટ્ર્સ્ટને દાનમાં આપી દીધા છે. જેથી બન્ને દીકરાઓ મિલકત મેળવવા માટે હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જેની આગામી બે અઠવાડિયામાં સુનાવણી કરવામાં આવનાર છે.

(9:08 pm IST)