Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

સુરતના વેસુ વિસ્તારમાં પાનની દુકાનની આડમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ:દુકાનમાંથી 1.29 લાખનો મુદામાલ કબજે

સુરત એસઓજી પોલીસે દુકાનમાં રેડ કરી દુકાનદાર વિજયકુમાર બાબા પ્રસાદ ચોરસિયાને ઝડપી પાડ્યો

સુરતના વેસુ વિસ્તારમાં આવેલી પાનની દુકાનની આડમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ થઇ રહ્યું હતું જ્યાં એસઓજી પોલીસે દરોડો પાડી દુકાન માલિકની ધરપકડ કરી હતી અને દુકાનમાંથી 1.29  લાખનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરના ધ્યાને આવ્યું હતું કે શહેર વિસ્તારમાં આવેલા કેટલાક પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ-સિગારેટ, ભારતીય હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેથી આવા દુકાનદારોને શોધી કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી

  આ દરમ્યાન સુરત એસઓજી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન માહિતી મળી હતી કે વેસુ કેનાલ રોડ સ્વસ્તિક રેસીડેન્સીની બાજુમાં મની આર્કેડમાં આવેલા વિજય પાન નામની દુકાનમાં અગાઉ એસઓજી પોલીસ દ્વારા રેઇડ કરી દુકાનમાંથી પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો  કબજે કરવામાં આવ્યો હતો જે દુકાનદાર હાલમાં પણ પોતાની દુકાનમાં ઈ સિગારેટનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે.

 બાતમીના આધારે પોલીસે દુકાનમાં રેડ કરી દુકાનદાર વિજયકુમાર બાબા પ્રસાદ ચોરસિયા. રહેઠાણ બમરોલી રોડ, પાંડેસરા સુરતને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની દુકાનમાંથી કુલ 1.29 લાખની ઈ સિગારેટનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. તેમજ આરોપી સામે વેસુ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

(8:23 pm IST)