Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

વડોદરામાં ભૂમાફિયાઓ દ્વારા સરકારી જમીન પર ઉભુ કરેલુ વ્‍હાઇટ હાઉસ અને ડુપ્‍લેક્ષના બાંધકામો ઉપર બુલડોઝર ફેરવતુ કોર્પોરેશન

ગેરકાયદે જમીન પર કબ્‍જો જમાવનાર સંજયસિંહ પરમાર વિરૂદ્ધ લેન્‍ડ ગ્રેબિંગ એક્‍ટ હેઠળ ગુન્‍હો નોંધાયો

વડોદરા: વડોદરામાં 100 કરોડની કિંમતની સરકારી જમીન પર ગેરકાયદેસર બનાવવામાં આવેલા વ્હાઈટ હાઉસ નામના બંગલાને તોડી પાડવામાં આવ્યો છે. સંજયસિંહ પરમાર નામના ભૂમાફિયાએ ખોટા દસ્તાવેજો કરી સરકારી જમીન પર વિશાળ બંગલો બનાવ્યાનો આરોપ છે. આ મામલે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. પરંતુ હાઈકોર્ટે અરજી સ્વીકારવાનો ઈન્કાર કરતા આખરે વ્હાઈટ હાઉસને તોડી પડાયું. આ સાથે તેની આસપાસ ગેરકાયદે બનાવવામાં આવેલા અન્ય દબાણો પણ હટાવવામાં આવ્યા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અગાઉ બે વખત દબાણ સ્વૈચ્છાએ તોડી પાડવા કલેકટર પ્રશાસન તરફથી નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે દબાણ દૂર ન થતા આજે સવારે 10 વાગ્યે મહાપાલિકાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 100 કરોડની સરકારી જમીન પરના દબાણો તોડી પાડ્યા. અહીં વ્હાઇટ હાઉસ નજીક ડુપ્લેકસ બનાવીને તેનો દસ્તાવેજ કરવામાં આવ્યો હતો.

આ તમામ બાંધકામને તોડવા માટે ત્રણ જેસીબી મશીનની મદદ લેવાઇ છે. કોર્પોરેશન ઈમારત તોડી પાડ્યા બાદ તેની ખર્ચની વસૂલી પણ  ભૂમાફિયા પાસેથી કરશે. સરકારી  જમીન પર કબ્જો જમાવનાર સંજયસિંહ પરમાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.

માટે અહીં  બોગસ NA હુકમના આધારે વ્હાઈટ હાઉસ બંગલાનું બાંધકામ કરવામાં આવ્યું  હતું. આટલી વિશાળ જમીન પર આટલું મોટું બાંધકામ થઇ ગયા બાદ તંત્ર કેમ ના જાગ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ સરકારી જમીન પર ઉભા કરાયેલા દબાણને દૂર કરવા માટે આ પહેલા પણ આદેશ આપવામાં આવ્યા હતા પરંતુ કોઈ અમલી ન થતાં અંતે નોટિસની સમય મર્યાદા પૂર્ણ થતા તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

(5:53 pm IST)