Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

સુરતના ઓલપાડ ખાતેના ફાર્મની મુલાકાત લેતા 75 જેટલા પત્રકારોઃ ફાર્મમાં સુભાષ પાલેકર કૃષિ પદ્ધતિથી 60 જેટલા પાકોનું ઉત્‍પાદન

ખેડૂત રાજદીપ પટેલે ફાર્મમાં અંજીર, એલચી, કાજુ, સફરજન જેવા વિવિધ પાકોનું ઉત્‍પાદન કરી ચમત્‍કાર કર્યો

સુરત: વિદેશથી આવેલા 75 જેટલા પત્રકારો એ ઓલપાડ તાલુકાના એક ફાર્મની મુલાકાત લીધી. સુભાષ પાલેકર કૃષિ પદ્ધતિથી ખેતી કરતા ફાર્મમાં એક સાથે 60થી વધુ પાકો લેવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે આ ફાર્મમાં રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે.

ઓલપાડના કાંઠા વિસ્તારમાં મોટા ભાગે ખાર વાળી જમીન છે અને જેને કારણે અહીં ખેતી કરવી મુશ્કેલ છે. છતાં પણ અહીંયા વરસાદની સીઝન દરમ્યાન ડાંગરનો પાક લેવામાં આવે છે. તેમજ કેટલાક વિસ્તારમાં નહેરોના પાણી થકી શાકભાજી પણ બનાવવામાં આવે છે. બાકીના વિસ્તારમાં દરિયાઈ મેવો ગણાતા ઝીંગાની ખેતી કરવામાં આવે છે.

જોકે ઓલપાડ તાલુકાના સરસ ગામે રાજદીપ ભાઈ નામના ખેડૂતે રણ માં કમલ ખીલવવા જેવું કામ કર્યું છે ,રાજદીપ પટેલે ખાર વાળી જમીન માં સુભાષ પાલેકર પદ્ધતિ થી ખેતી કરી ને પોતાની 8 વીંઘા જેટલી જગ્યા માં વન વગડો તૈયાર કર્યો છે અને આ વગડામાં 60 થી વધુ એવા પાકો લઈ રહ્યા છે જે સારી જમીન માં તો ઠીક પરંતુ ગુજરાત પ્રદેશમાં થતા નથી.

રાજદીપ ભાઈના વન વગડામાં સામન્ય રીતે બધા જ પાકો લેવામાં આવ્યા છે, પરંતુ ગુજરાતમાં નથી થતા એવા અંજીર, એલચી, કાજુ તેમજ કાશ્મીરમાં થતા સફરજનના પાકો પણ લેવામાં આવી રહ્યા છે. સાથે સાથે વિદેશમાં થતા બ્રોકલી, તેમજ પર્પલ કોબીજ, ડ્રેગન ફ્રુટ તેમજ રબરના છોડ પણ સારી રીતે ઉછરી રહ્યા છે. રાજદીપ ભાઈ આ તમામ ખેતી પ્રાકૃતિક રીતે સુભાષ પાલેકર કૃષિ પદ્ધતિથી રસાયણ મુક્ત રીતે કરી રહ્યા છે.

આજે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલ સરસ ગામ ખાતે આવેલા આ ફાર્મની મુલાકાત લેવા દુનિયા ભરના અલગ અલગ 45 દેશોમાંથી લગભગ 75 જેટલા કૃષિ વિશે લખતા પત્રકારો મુલાકાતે આવ્યા હતા. દરિયાઈ પટ્ટીના આ ખારપાટ વચ્ચે વિસ્તારની વચ્ચે આવી ખેતી જોઈ વિદેશી પત્રકારો પણ મંત્રમુગ્ધ થયા હતા.

(5:51 pm IST)