Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

અમરેલીના રાજુલા પંથકના રામપરા ગામમાં સિંહોના આંટાફેરાઃ લોકોમાં ભયનો માહોલઃ રાત્રે બહાર નીકળવુ મુશ્‍કેલ

ગામના સરપંચ દ્વારા વન વિભાગના અધિકારીઓને અવારનવાર રજુઆત

અમરેલી: અમરેલી જિલ્લાનું એક એવું ગામ કે જે દરરોજ રાત્રે સાવજના ખોફથી થર થર કાપે છે. દરરોજ રાત્રે આ ગામમાં સિંહનું સામ્રાજ્ય બની રહે છે, આનાથી બચવા રહેવાસીઓએ પાંચ ફૂટની દીવાલો તો કરી જ છે, પરંતુ તેના ઉપર પણ બે ફૂટની તાર ફેન્સીંગ કરી છે. બીજા શબ્દોમાં કહીએ તો આખુંય ગામ તાર ફેન્સીંગથી મઢાયું છે. આ ગામ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનું રામપરા ગામ છે. આવો જોઈએ શું છે ગામની સમસ્યા, શા માટે આખું ગામ તાર ફેન્સીંગથી મઢાયું છે.

રાજુલા તાલુકામાં રામપરા 2 ગામ આવેલું છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં દરેક ઘરની દીવાલો ઊંચી જોવા મળે છે અને એ દીવાલો ઉપર પણ બે ફૂટની તાર ફેન્સીંગ જોવા મળે છે. શા માટે અહીંયા તાર ફેન્સીંગ કરવામાં આવી છે, કોઈ ચોર લુંટારાનો ભય નથી, તો પછી કેમ. કારણ એ છે કે, અહીંયા દરરોજ રાત્રે સિંહોના ટોળા ઉતરી આવે છે અને દીવાલો ઠેકે અને ઘરમાં પ્રવેશ કરે છે. સિંહો ગામમાં આવીને પશુઓનું મારણ કરે છે. આ ગામના રહેવાસીઓ બહારગામથી રાત્રે આવતા હોય ત્યારે કોઈપણ ગલીમાં સિંહોના ટોળા આંટા મારતા જોવા મળે છે.

ગામના લોકો સિંહના ડરથી થર થર કાપે છે. રાત્રે 10 પછી રહેવાસીઓને નીકળવું મુશ્કેલ પડે છે અને એવી અનેક ઘટનાઓ બની છે કે લોકો ટુવ્હીલર કે ફોરવીલ લઈને આવતા હોય અને સિંહના ટોળા રસ્તા ન મળ્યા હોય તેવુ બને જ નહિ. ત્યારે ગામના સરપંચ દ્વારા વન વિભાગ અને સરકારના પ્રતિનિધિઓને આ સમસ્યા બાબતે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી સિંહોના બાનમાંથી આ ગામ મુક્ત થયું નથી. ખેતી કામ માટે રાત્રે ખેડૂતો પોતાની વાડીએ છતાં પણ ડર અનુભવી રહ્યા છે આ ગામમાં રહેવાસીઓએ સીસીટીવી કેમેરા પણ મૂકેલા છે, જે કેમેરામાં પણ સાવજના ટોળા વંડી ઠેકતા અને તાર ફેન્સીંગમાંથી બહાર નીકળતા હોય ગામમાં ફરતા તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થાય છે. ગ્રામજનોની એવી માંગણી છે કે આ ટોળાને રામપરા 2 ગામમાં આવતા અટકાવે અથવા વન વિભાગની ટીમ રાત્રી પેટ્રોલિંગ કરે.

ગામના રહેવાસી છનાભાઈ વાઘ કહે છે કે, રામપરા ગામના નગરજનો અને અગ્રણીઓ સાવજના ખૌફથી હવે ત્રસ્ત થયા છે. લોકો કેમેરા સામે પોતાની વેદનાઓ ઠાલવી રહ્યા છે. મુશ્કેલીઓ બતાવી રહ્યા છે અને ઘેર ઘેર કરેલી તાર ફેન્સીંગની દિવાલો ઉપરની સ્થિતિઓ દર્શાવી રહ્યા છે અને જાય તો જાય કહા તે સ્થિતિમાં મુકાયેલા આ ગ્રામજનો હવે આ પરિસ્થિતિના થયેલા નિર્માણમાંથી બચવા માટે સરકારી તંત્રને કરેલી રજૂઆતોથી પણ થાકી ગયા છે, નિરાશ થયા છે.

બીજી એ મુશ્કેલી છે કે કિંમતી પશુઓના મારણનું વળતર પણ પૂરું મળતું નથી અને સમયસર મળતું નથી અને મીડિયાના માધ્યમથી સરકારને વિનંતી કરી રહ્યા છે. રામપરા 2 ગામે વૃંદાવન આશ્રમ આવેલો છે, જે નદીને કાંઠે છે, આ આશ્રમમાં મોટી ગૌશાળા છે. અધ્યતન મંદિર છે અને 300 જેટલા બાળકોને અભ્યાસ કરવા માટેની હાઈસ્કૂલ આવેલી છે. અહીંયા નિર્મોહી અખાડાના મહંત રાજેન્દ્રદાસ બાપુ નિવાસ કરે છે. તેઓએ પણ અનેક વખત પોતાની ગાયોને બચાવવા માટે પ્રયાસો કર્યા છે અને એ માટે હાથી પણ લાવવામાં આવ્યા હતા. સિંહોથી બચાવવા આશ્રમની ગાયો માટે ખાસ મોટા મકાનો અને ફરતી જાળીવાળા દરવાજાઓ કર્યા છે. નદીને કાંઠે આવેલા ઘાટમાં વનરાજો દરરોજ પાણી પીવા આવે છે અને પછી તાર ફેન્સીંગવાળી દિવાલ ઠેકી અને આશ્રમમાં પ્રવેશ કરે છે.

આ વિસ્તારમાં 35 ઉપરાંત વિવિધ ગ્રુપમાં સિંહોના ટોળું ફરી રહ્યું છે. જંગલમાં પૂરતો ખોરાક અને પાણી નહીં મળવાને કારણે આ વનરાજો કદાચ મજબૂર હશે અને વંડીઓ ઠેકવા મજબૂર થયા હોય તેવું હશે. ત્યારે વન વિભાગ અને સરકારી તંત્રને ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે. ત્યારે જોવાનું એ રહેશે કે વન વિભાગ અને સરકાર આ ગામને સાવજો એ ગામને બાનમાં લીધું છે, એમાંથી ક્યારે મુક્ત કરાવશે.

(5:48 pm IST)