Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

સુરતના પુણા ગામે જમીન બોગસ દસ્તાવેજથી હડપવાના બનાવામાં અદાલતે આરોપીના જામીનની અરજી નામંજૂર કરી

સુરત:શહેરના પુણા ગામની જમીનના બોગસ દસ્તાવેજો બનાવીને હડપવાના કારસામાં સંડોવાયેલા આરોપી સુરત ક્રાઈમ બ્રાંચની ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીનની માંગને આજે  એડીશ્નલ સેશન્સ જજ અશ્વિનકુમાર કે. શાહે નકારી કાઢી આરોપીને તપાસઅધિકારી સમક્ષ સાત દિવસમાં હાજર થી નિવેદન આપવા તથા તપાસ અધિકારીએ આરોપીને ધરપકડ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થાય તો પાંચ દિવસનો સમય આપવા નિર્દેશ આપ્યો છે.

પુણા ગામના રેવન્યુ સર્વે નં.233-1,233-2,241-2ની મુળ જમીન માલિક જેકોરબેન મગનભાઈ સુરતીએ પોતાની વારસાઈ જમીનના બોગસ દસ્તાવેજો બનાવીને હડપવાના કારસા અંગે આરોપી રમેશ લક્ષ્મણ સાકરીયા ઉર્ફે રમેશ અમદાવાદી સહિત અન્ય આરોપીઓ વિરુધ્ધ સુરત શહેર પોલીસ કમિશ્નરને તા.11-11-2022 ના રોજ અરજી કરી હતી.જેને સુરત ક્રાઈમ બ્રાંચની ઈકો સેલને મોકલવામાં આવી હતી.જેથી ઈકો  સેલના  તપાસ અધિકારીએ આરોપી રમેશ સાકરીયાને નિવેદન આપવા માટે બોલાવતા આરોપીએ પોતાની વયોવૃધ્ધ ઉંમર હોઈ બિમારીના કારણોસર નિવેદન લેવા માટે તપાસ અધિકારીને ઘરે બોલાવ્યા હતા.બીજી તરફ ગુનામાં પોલીસ પોતાની ધરપકડ કરે તેવી દહેશતથી આરોપીએ કોર્ટમાં આગોતરા જામીન માંગ્યા હતા.

જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી તેજશ .પંચોલીએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે જમીનના મૂળ વારસદોરની નવી શરતની જમીન પર હાલના આરોપીએ ગેરકાયદે કબજો મેળવ્યો હોવાનો પુરાવા મળ્યા છે.જે અંગે વિવાદી જમીન પર વડાપાઉંની લારી ચલાવતા મહેશ ભીમાણી,તંદુરી ચાની દુકાન ચલાવતા ભાવેશ ચોસલા તથા મરચા મસાલાની સ્ટોલ ચલાવતા વેલજી ચાવડાના નિવેદનથી સમર્થન મળે છે.આરોપી પ્રકારની મોડસ ઓપરેન્ડીથી જમીનો પર કબજો કરવાની વૃત્તિ ધરાવે છે.આરોપીને આગોતરા જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપીને લેન્ડગ્રેબિંગના ગુનામાં સ્ટે મળ્યો હોઈ હાલમાં અરજીની તપાસ ચાલુ છે.કઈ કલમ હેઠળ ગુનો બને છે કે કેમ તે અંગે અરજદાર આરોપીની આગોતરા જામીન અરજીમાં જણાવ્યું હોઈ અરજી ટકવા પાત્ર નથી.જેથી કોર્ટે આરોપીની આગોતરા જામીનની માંગ નકારી કાઢી તપાસ અધિકારી સમક્ષ સાત દિવસમાં હાજર થઈ નિવેદન આપવા તથા તપાસ અધિકારીએ આરોપીની ધરપકડ જરૃરી જણાય તો પાંચ દિવસનો સમય આપવા નિર્દેશ આપ્યો છે.

(5:12 pm IST)