Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

સુરત:લીંબાયતમાં ચાઇનીઝની લારી ચલાવતા દંપતીએ કોર્પોરેશનમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવકો પાસેથી 15 લાખ પડાવી લેતા પોલીસ ફરિયાદ

સુરત: લિંબાયતના રતન ચોકમાં ચાઇનીસની લારી ચલાવતા મહારાષ્ટ્રીયન પરાતે દંપતીએ ગ્રાન્ટેડ સ્કૂલ અને સુરત કોર્પોરેશનમાં નોકરી અપાવવાની લાલચ આપી નોકરીવાંચ્છુંક મહિલા સહિત પાંચ જણા પાસેથી રૂ. 15.68 લાખ પડાવી લઇ છેતરપિંડી કર્યાની ફરીયાદ લિંબાયત પોલીસમાં નોંધાય છે. પોલીસે દંપતની પૈકી પતિની ધરપકડ કરીપૂછપરછ હાથ ધરી છે.
લિંબાયતની અમન હાઇસ્કૂલ નજીક ઇચ્છાબા સોસાયટીમાં રહેતા ફાઇનાન્સ કંપનીના રીકવરી એજન્ટ જુનેદ અહમદ જમીલ અહમદ ખાન (ઉ.વ. 26 મૂળ રહે. મુગરા, બાદશાહપુર, જિ. જોનપુર, યુપી) ને તેના કાકા કાલુખાન શબ્બીર અહેમદ ખાન હસ્તક લિંબાયતના રતન ચોકમાં સાંઇ ચાઇનીસ નામે લારી ચલાવતા હિતેશ તારાચંદ પરાતે (રહે. સહજાનંદ સોસાયટી, ગોડાદરા અને મૂળ. બિહાપુર, ઉમરેઠ, નાગપુર, મહારાષ્ટ્ર) સાથે વર્ષ 2019 માં ઓળખાણ થઇ હતી. હિતેશ અને તેની પત્ની પાર્વતીએ જુનેદને ડુમ્મસ રોડની ગ્રાન્ટેડ પીઠાવાળા કન્યા હાઇસ્કૂલમાં કોમ્પ્યુટર ટીચર તરીકે જગ્યા ખાલી છે, સ્કૂલમાં મારી સારી ઓળખાણ છે, તમારે નોકરી જોઇએ તો મને રૂ. 2 લાખ રોકડા આપશો તો હું માસિક રૂ. 18 હજાર પગાર મળશે અને પાંચ વર્ષ બાદ ફુલ પગાર થઇ જશ તેવી લાલચ આપી હતી. જેથી નોકરીની લાલચમાં જુનેદે ટુક્ડે-ટુક્ડે રૂ. 2 લાખ અને કોમ્પ્યુટરની ટ્રીપલ સીની પરીક્ષાના સર્ટી માટે રૂ. 12 હજાર આપ્યા હતા. શરૂઆતમાં દિવાળી પહેલા કોલ લેટર મળી જશે તેવો વાયદો કર્યા બાદ સરકારી કામ છે, થોડુ ધીમી ગતિએ થશે એમ કહી સમય પસાર કર્યો હતો. વર્ષ 2020 માં કોરોના મહામારીના નામે વાયદા કર્યા બાદ ગાંધીનગરથી આર.પી.એ.ડી.થી કોલ લેટર આવશે એમ કહી તેનો રીસીપ્ટ નંબર આપ્યો હતો. રીસીપ્ટ નંબર લઇ જુનેદે પોસ્ટ ઓફિસ તપાસ કરતા કોઇ લેટર આવ્યો હતો. જેથી હિતેશે હું જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી લેટર લઇ આવીશ એમ કહી શિક્ષક તરીકેની નિમણુંક પત્ર આપ્યો હતો. પરંતુ પત્ર જૂનો છે હું તમને આખરી નિમણુંક પત્ર આપીશ એમ કહી ધક્કે ચડાવ્યા બાદ વર્ષ 2021 માં લેટર મળશે એમ કહી વાયદા કર્યા હતા. છેવટે જુનેદે પીઠીવાલા સ્કૂલમાં જઇ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આવી કોઇ ભરતીની જાહેરાત થઇ નથી જેથી જુનેદ ચોંકી ગયો હતો. હિતેશે માત્ર જુનેદને નહીં પરંતુ એક મહિલા સહિત પાંચ જણા પાસેથી રૂ. 16.68 લાખ પડાવી લઇ ધક્કે ચડાવ્યા હતા. નોકરીની લાલચમાં લાખ્ખો રૂપિયા પડાવનાર હિતેશની ધરપકડ કરી પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

(5:11 pm IST)