Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

સુરતના લાલ દરવાજામાં ઘોડાઓમાં ગ્લેન્ડર નામનો રોગ જોવા મળતા 6 ઘોડાઓને દયામૃત્યુ આપી દફનાવવામાં આવ્યા

સુરત: શહેરના લાલ દરવાજામાં ઘોડાઓમાં ગ્લેન્ડર નામનો રોગ જોવા મળતા રોગ માણસમાં ફેલાઇ શકવાની શકયતાઓ હોવાથી સુરત જિલ્લા કલેકટરે આદેશ કરતા આજે ઘોડાઓને ઇન્જેકશન આપીને દયામૃત્યુ આપીને પાલિકાની ડમ્મીગ સાઇટ પર દફનાવી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આજુબાજુના વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરાશે.

લગ્નની સિઝન પુરજોશમાં ચાલી રહી છે. અને મોટાભાગના લગ્નોમાં વરધોડા માટે ધોડાઓનો ઉપયોગ થઇ રહ્યો છે. આવા સમયે સુરતના લાલદરવાજા વિસ્તારમાં આવેલા ઘોડાઓમાં ગ્લેન્ડર નામનો રોગ જોવા મળ્યો હતો. રોગ અશ્વકુળના ગર્દભ, અશ્વ, ખચ્ચર, પોની જેવા પ્રાણીઓમાં બેકટેરીયાના કારણે થાય છે. રોગ દેખાતા ચોર્યાસી તાલુકાના પશુ ચિકિત્સા અધિકારી અને ડીસીઝ કંટ્રોલ લાયઝન અધિકારીએ કેન્દ્ર સરકારના નોટીફિકેશન મુજબ લાલદરવાજાના પાંચ કિલોમીટરની ત્રિજીયામાં ઘોડા, ખચ્ચર, ગધેડા પોની જેવા પશુને બહાર લઇ જવા કે બહારથી લાવવા પ્રતિબંધ મુકયો હતો. પ્રતિંબધ મુકયા બાદ સુરત જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા ઘોડાઓમાં ગ્લેન્ડર રોગ દેખાતા રોગ માણસમાં ફેલાઇ શકવાની શકયતાઓ હોવાથી કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ ઘોડાઓને દયામૃત્યુ નો હુકમ કરાયો હતો. હુકમના પગલે આજે જિલ્લા પંચાયતના પશુપાલન અધિકારીઓની ટીમ દ્વારા ઘોડાઓને થાયોપેન્ટલ નામનુ ઇન્જેકશન આપ્યુ હતુ. અને તમામને સુરત મહાનગર પાલિકાની ડમ્પીંગ સાઇટ પર દફનાવી દેવાયા હતા.

(5:07 pm IST)