Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

સુરતમાં અગાઉ 1 લાખની મતા ચોરી ફરાર થઇ ગયેલ દંપતીની વસઈથી ધરપકડ

સુરત: સુરતના વરાછા વિસ્તારમાંથી 14 વર્ષ અગાઉ રૂ.1 લાખની મત્તા ચોરી ફરાર નેપાળી દંપત્તિને ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના વસઇથી ઝડપી લીધું છે. દંપત્તિ જેમને ત્યાં વર્ષ 2009 માં ઘરકામ કરતા હતા તે બંગલાની દેખભાળ માટે બંનેને ચાવી સોંપી વતન ગયા હતા ત્યારે કબાટનું લોક તોડી ચોરી કરી બંને વતન ભાગી ગયા હતા.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મોબાઇલ સ્નેચીંગ સ્ક્વોડને મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના વસઇ કિલ્લા રોડ ભગવાન નિવાસ ખાતેથી કાલુસિંહ ઉર્ફે પદમ ઉર્ફે પ્રકાશ ટીકારામ ઉર્ફે પ્રેમબહાદુર વિશ્વકર્મા ( ઉ.વ.37, રહે,ભગવાન નિવાસ, વોચમેનની રૂમમાં, સ્વાગત એપાર્ટમેન્ટની સામે, કિલ્લા રોડ, વસઈ, મહારાષ્ટ્ર. મૂળ રહે.નેપાળ ) અને તેની પત્ની સાજનબેન ઉર્ફે ઘના ( ઉ.વ.28 ) ને ગતરોજ ઝડપી પાડી કાલુસિંહ પાસેથી રોકડા રૂ.16 હજાર કબજે કર્યા હતા.બંને 14 વર્ષ અગાઉ સુરતના વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા નોકર ચોરીના ગુનામાં વોન્ટેડ હોય ક્રાઈમ બ્રાન્ચે તેમનો કબજો વરાછા પોલીસને સોંપ્યો હતો.

બંને વર્ષ 2009માં નેપાળી દંપત્તિ સુરતના વરાછા ત્રિકમનગર 1 ખાતે રહેતા રમેશભાઈ સાકરીયાને ત્યાં ઘરકામની નોકરી કરતું હતું. રમેશભાઈને વતન જવાનું હોય તે બંગલાની દેખભાળ માટે ચાવી દંપત્તિને સોંપી વતન ગયા હતા. તે સમયે દંપત્તિ બંગલામાં મુકેલા કબાટનું લોક તોડી તેમાંથી સોના-ચાંદીના દાગીના, વસ્તુઓ અને રોકડા રૂપિયા મળી કુલ રૂ.1,00,500 ની મત્તા ચોરી વતન ભાગી ગયા હતા. ત્યાંથી 10 વર્ષ અગાઉ બંને વસઈમાં રહી ઘરકામની નોકરી કરતા હતા.

(5:07 pm IST)