Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

માતરથી પરીએજ ખાડા ખબળા વાળો થતા લોકોને હાલાકી

નડિયાદ : ખેડા-માતર થી તારાપુર તરફ જતા હાઇવે પર ઠેર ઠેર ભયજનક ખાડા પડી ગયા છે. ત્યારે રોડનું સમારકામ કરવાને બદલે થીંગડા મારી ખાડા પૂરીને કામ ચલાવાઈ રહ્યું હોવાથી વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. રોડનું નવેસરથી સમારકામ કરવા માંગણી ઉઠવા પામી છે.

ખેડા થી માતર તારાપુર થઈ ખંભાતને જોડતો હાઇવે નાના મોટા વાહનોની અવરજવરથી ધમધમતો રહે છે. ત્યારે માતરથી પરીએજ સુધીના ૧૮ કિલોમીટરના રોડ પર ઠેર ઠેર ભયજનક ખાડા પડયા છે. રોડનું સમારકામ કરવાને બદલે અસંખ્ય થીંગડા મારી વેઠ ઉતારવામાં આવી છે. જેના કારણે રોડની સપાટી જળવાઈ નથી તેના બદલે ખાડા પુરવા માટે મારેલા થીંગડાના કારણે રોડ મગર ની પીઠ જેવો ઉબડ-ખાબડ થઈ ગયો છે. અહીંથી પસાર થતા વાહનચાલકને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. ખંભાત તરફ જતા હાઇવે પર એસ.ટી. બસો ઉપરાંત નાના મોટા વાહનો પણ પસાર થાય છે. ઉપરાંત ટુ-વ્હીલરો અને રીક્ષાઓની પણ મોટા પાયે અવરજવર રહેતી હોય છે. ત્યારે આવા જોખમી રસ્તા પર પણ મોટા સાધનો ખૂબ સ્પીડમાં જતા હોય છે, તેની સામે ટુ-વ્હીલરો અને રીક્ષાઓને ખાડા અને રોડની સ્થિતિના કારણે ખૂબ સાચવીને પસાર થવું પડતું હોય છે. તંત્રની બેદરકારીના પરિણામે નિર્દોષ વાહનચાલકો  અકસ્માતનો ભેગો થાય તેવો ઘાટ સર્જાયો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડનું સમારકામ કરવામાં વેઠ ઉતારવામાં આવી છે. તેના કારણે વાહનચાલકોના જીવ જોખમાય તેવી શક્યતા રહેલી છે. વર્ષે દહાડે વાહન ચાલકો ટેક્સ પેટે લાખોની આવક સરકારને આપે છે ત્યારે ખેડા માતર તારાપુર ખંભાત હાઈવેનું તાત્કાલિક સમારકામ કરવા લોક માગણી પ્રબળ બની છે.

(5:03 pm IST)