Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

સોનિયાબેન ગોકાણીએ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્‍ટીસ પદ માટેના શપથ ગ્રહણ કર્યા

રાજભવનમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શપથ લેવડાવ્‍યા

રાજકોટ તા. ૧૬ : રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે કુમારી સોનિયાબેન ગિરિધર ગોકાણીને ગુજરાત ઉચ્‍ચ ન્‍યાયાલયના મુખ્‍ય ન્‍યાયાધિપતિ તરીકે શપથ લેવડાવ્‍યા હતા. રાજભવનમાં આયોજિત શપથવિધિ સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ભારતની સર્વોચ્‍ચ અદાલતના ન્‍યાયમૂર્તિ બેલાબેન ત્રિવેદી, રાજયના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને રાજયના કાયદા-ન્‍યાય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.

રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મંચસ્‍થ મહાનુભાવોએ ઉચ્‍ચ ન્‍યાયાધિપતિ કુમારી સોનિયાબેન ગોકાણીને અભિનંદન પાઠવ્‍યા હતા. શપથવિધિનું સંચાલન રાજયપાલશ્રીના અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુએ કર્યું હતું.

શપથવિધિ સમારોહમાં રાજયના મંત્રીમંડળના સભ્‍યો, ગુજરાત હાઇકોર્ટના ન્‍યાયમૂર્તિશ્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, મહાનુભાવો અને મહેમાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

ગુજરાત હાઇકોર્ટના સીનિયર જજ સોનિયા ગોકાણીએ મુખ્‍ય ચીફ જસ્‍ટિસના રૂપમાં શપથ લીધા હતા. તે ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા જજ છે. જોકે, ૨૫ ફેબ્રુઆરીએ સેવાનિવૃત થયા બાદ તેમનો કાર્યકાળ માત્ર ૯ દિવસનો હશે.

સોનિયા ગોકાણી જામનગરના વતની છે અને તેમનો જન્‍મ ૨૬ ફેબ્રુઆરી ૧૯૬૧માં થયો હતો. સોનિયા ગોકાણીએ માઇક્રોબાયોલોજીમાં બીએસસી અને તે પછી એલએલબી, એલએલએમનો અભ્‍યાસ કર્યો છે. જામનગરની કે.પી.શાહ લો કોલેજમાં પાર્ટ ટાઇમ લેક્‍ચરર તરીકે સેવા પણ આપી છે. પાંચ વર્ષ સુધી ગ્રાહક તકરાર નિવારણ ફોરમના સભ્‍ય તરીકે સેવા આપી છે.

૧૦ જુલાઇ ૧૯૯૫માં અમદાવાદની સિટી સિવિલ એન્‍ડ સેશન્‍સ કોર્ટના જજ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. ૨૦૦૩થી ૨૦૦૮ દરમિયાન ગુજરાતના આતંકવાદ વિરોધી કાયદા હેઠળ સ્‍પેશિયલ કોર્ટના જજ તરીકે સેવા આપી હતી, તેમણે સેન્‍ટ્રલ બ્‍યુરો ઓફ ઇન્‍વેસ્‍ટિગેશનની સ્‍પેશ્‍યલ કોર્ટના જજ તરીકે પણ કામગીરી કરી છે. ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૧ના રોજ તેમની ગુજરાત હાઇકોર્ટના એડિશનલ જજ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી અને ૨૮ જાન્‍યુઆરી ૨૦૧૩ના રોજ કાયમી જજ બનાવવામાં આવ્‍યા હતા.

(4:05 pm IST)