Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ માટેની સર્ચ કમિટીના સભ્‍ય તરીકે પ્રો. ચેતન ત્રિવેદીની નિમણુંક

ગુજરાત યુનિ.ના હાલના કુલપતિ પ્રો. હિમાંશુભાઇ પંડયાની ટર્મ જુન મહિનામાં પૂર્ણ થાય છેઃ નરસિંહ મહેતા યુનિ. જુનાગઢના હાલના કુલપતિ પ્રો. ચેતન ત્રિવેદી અગાઉ ગોધરા યુનિ.ના કુલપતિ માટેની સર્ચ કમિટીમાં પણ ફરજ બજાવી ચુકયા છે

રાજકોટ, તા. ૧૬ :  વિધાનસભાની ચૂંટણીમાં ૧પ૬ બેઠકો સાથે ઐતિહાસિક જીત મેળવીને ભાજપે શિક્ષણ સહિત ગુજરાતના તમામ ક્ષેત્રે લોકસુખાકારીના કાર્યો પૂરજોશમાં શરૂ કરી દીધા છે. નજીકના ભવિષ્‍યમાં નવી શિક્ષણ નીતિ (નેશનલ એજયુકેશન પોલીસી-એનઇપી) લાગુ કરવા ભાજપ સરકાર કટીબદ્ધ છે ત્‍યારે રાજયની વિવિધ યુનિવર્સિટીઓમાં કુલપતિઓની નિમણુંક અંગે પણ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રક્રિયા હાથ ધરાઇ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાતની સૌથી મોટી અને ટોચની યુનિવર્સિટી ગણાતી ગુજરાત યુનિવર્સિટીના હાલના કુલપતિ પ્રો. (ડો.) હિમાંશુભાઇ પંડયાની ટર્મ જુન-ર૦ર૩ માં પૂર્ણ થઇ રહી છે. ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિની પસંદગી કરવા સર્ચ કમિટીના ત્રણ સભ્‍યો પૈકી એક સભ્‍યની પસંદગી કરવામાં આવી છે. જેમાં ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢના હાલના કુલપતિ પ્રો. (ડો.) ચેતનભાઇ ત્રિવેદીની પસંદગી ગુજરાત યુનિવર્સિટીના એકઝીકયુટીવ કાઉન્‍સીલ અને એકેડેમિક કાઉન્‍સીલ (ઇ.સી. એન્‍ડ એ.સી.) ની સંયુકત બેઠકમાં કરવામાં આવી છે. હજુ  સર્ચ કમિટીમાં બાકી રહેતા એક સભ્‍યની નિમણુંક જોઇન્‍ટ બોર્ડ ઓફ વાઇસ ચાન્‍સેલર્સ (જેબીવીસી) સરકારશ્રી દ્વારા કરવામાં આવશે. પ્રો. (ડો.) ચેતનભાઇ ત્રિવેદી અગાઉ શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટી, ગોધરાના કુલપતિની પસંદગી માટેની સર્ચ કમિટીમાં પણ ફરજ બજાવી ચુકયા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં હાલમાં અંદાજે ૧૧ જેટલી સ્‍ટેટ યુનિવર્સિટીઓમાં ઇન્‍ચાર્જ વાઇસ ચાન્‍સેલર્સ ફરજ બજાવી રહ્યા છે. સરકારશ્રી દ્વારા વહેલાસર રેગ્‍યુલર વાઇસ ચાન્‍સેલર્સની નિમણુંક થાય તેવું શિક્ષણ તજજ્ઞો ઇચ્‍છી રહ્યા છે.

(4:06 pm IST)