Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

અમદાવાદમાં નકલી પોલીસ બનીને રાહદારીઓને ડરાવી ધમકાવી રૂપિયા પડાવતા યુવકને રામોલ પોલીસે દબોચ્યો

રાહદારીઓને રોકી કોઈને કોઈ બહાનું બતાવી વધુ રકમ માંગતો હતો :સમગ્ર મામલે ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી કરી

અમદાવાદમાં નકલી પોલીસ બનીને રાહદારીઓને ડરાવી ધમકાવી રૂપિયા પડાવતા યુવકની રામોલ પોલીસે ધરપકડ કરી છે. રાહદારીઓને રોકી કોઈને કોઈ બહાનું બતાવી વધુ રકમ માંગતો હતો અને બાદમાં રાહદારી જે રકમ આપે તે લઈ લેતો હતો. આ સમગ્ર મામલે ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી કરી છે. નકલી પોલીસ પાસેથી બળજબરીથી કઢાવી લીધેલા રૂપિયા અને મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

 સમગ્ર ઘટનાની વિગત મુજબ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નારોલથી સોનીની ચાલી સુધીના રૂટ પર પસાર થતા રાહદારીઓને ટાર્ગેટ કરીને પોતે પોલીસની ઓળખ આપીને પૈસા પડાવનાર એક આરોપીની ધરપકડ કરાઈ છે. પોલીસે મુન્નાવર ઉર્ફે મુન્નો શેખ નામના યુવકની રબારી કોલોની પાસેથી ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીએ થોડા સમય પહેલા જ રામોલમાં CTM BRTS બસ સ્ટેન્ડ પાસે એક રાહદારીને રોકી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 20 હજાર રૂપિયાની માગ કરી હતી અંતે એક હજાર રૂપિયાની લૂંટ કરી હતી.

જે મામલે રામોલ પોલીસ મથકે યુવકે ફરિયાદ નોંધાવી હતી. જે ગુનાની તપાસ દરમિયાન પોલીસે આસપાસના CCTV અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે.

   
(1:07 am IST)