Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

જ્યારે કોઈ લક્ષ્ય અશક્ય લાગે ત્યારે નર્મદા જિલ્લાની દીકરી શીતલની સંઘર્ષની કહાની યાદ આવશે

કોરોનાકાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર નિરાધાર શીતલ બારીયાને સરકારનો આર્થિક આધાર મળ્યો:જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા મુખ્યમંત્રી બાળ સેવા યોજના થકી શીતલને મળી રહી છે માસિક રૂ.૪ હજારની સહાય:કોરોનામાં માતા-પિતાને ગુમાવ્યા બાદ અંધકારમય ભવિષ્યમાં ફરી ઉજાશ લાવનાર સરકાર અને જિલ્લા વહિવટી તંત્રનો શીતલ બારીયાએ આભાર વ્યક્ત કર્યો:કોરોનાકાળમાં જે બાળકોએ માતા-પિતાને ગુમાવ્યા તે કમી પૂર્ણ કરવી અશ્કય છે, પરંતુ આવા નિરાધાર બાળકોને આર્થિક, સામાજિક આધાર આપવા “ટીમ નર્મદા” કટીબદ્ધ : જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતનભાઈ પરમાર: રાજપીપલાના જીતનગર બી.એસ.સી.નર્સિંગ કોલેજ ખાતે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી દીકરી શીતલના ભવિષ્યની ચિંતા કરતું નર્મદા જિલ્લા વહિવટી તંત્ર

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : વૈશ્વિક  મહામારી કોરોનાને નાથવા માટે દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ, ગુજરાતે કોરોનાના તમામ વેવમાંથી હેમખેમ પસાર થવામાં સફળતા મેળવીને, દેશને કોરોનાના પ્રકોપથી બચાવ્યો છે. પ્રજાજનોએ પણ કોરોનાને નાથવા માટે માસ્ક, સેનિટાઈઝરના ઉપયોગ સહિત સામાજિક અંતર જાળવવાની મર્યાદાનું પાલન કરીને સરકારશ્રીના આહ્વાનને આવકારી વેક્સિનનો ડોઝ લઈને સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરી છે.
રાજ્યની સાથે નર્મદા જિલ્લો પણ કોરોનાનો જંગ જીત્યું છે, અને પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોને રક્ષણ આપવા માટે પણ જિલ્લા વહિવટી તંત્ર નર્મદા સંપૂર્ણપણે સજ્જ છે.
અહીં વાત જિલ્લા બાળ સુરક્ષા એકમને અનુલક્ષીને છે, પરંતુ કોરોનાની ચર્ચા જરૂરી છે.કોરોનાને નાથવામાં સફળતા ચોક્કસ મળી. પરંતુ આ મહામારી એ કેટલાંયના પરિજનો ગુમાવ્યા, તો અનેક બાળકોએ માતા-પિતાની છત્રછાયા પણ ગુમાવી છે.સંવેદનશીલ સરકાર, આવા બાળકોનો આર્થિક અને સામાજિક આધાર બની છે.
કોરોના કાળ દરમિયાન નર્મદા જિલ્લા કલેક્ટરના નેતૃત્વ હેઠળ જિલ્લા તંત્રના પ્રત્યેક વિભાગોએ પોતાના પરિવારોની ચિંતા છોડીને લોકહિતમાં ખડેપગે ફરજ બજાવી હતી. જેમાંથી જિલ્લા બાળ સુરક્ષા એકમની કામગીરી પણ ખુબ સરાહનીય રહી હતી. આ વિભાગ દ્વારા કોરોના કાળમાં પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર નિરાધાર બાળકનો આધાર બનીને, તેમના ભાવિની ચિંતા કરવામાં આવી હતી. આવી જ એક અસરગ્રસ્ત દીકરીની વાત અહીં કરવી છે.
કોરોનાકાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવના દીકરી શીતલ બારીયાનો પરિચય
નર્મદા જિલ્લાની શીતલ બારીયા કે જે તિલકવાડા તાલુકાના ફતેપુર ગામની વતની છે. આજે તે ઉચ્ચ શિક્ષણ મેળવીને પોતાના સ્વપ્નો સાકાર કરવા અગ્રેસર થઈ છે. કોરોના કાળમાંથી સંઘર્ષ કરીને આજે સફળતાના મેદાનો સર કરવા નિકળી પડેલી આ દીકરી શીતલની કહાનીને શબ્દોના “બયાં” કરવી મુશ્કેલ છે.
દીકરી શીતલની આપવિતી આંખોને નમ કરશે, પરંતુ ભવિષ્ય માટેની દ્રઢ ઇચ્છાશક્તિ પ્રેરણારૂપ
કોરોનામાં માતા-પિતાને ગુમાવવાનું દુ:ખ પ્રગટ કરવું મારા માટે મુશ્કેલ હતું, ધીમે-ધીમે પોતાને સ્થિર કરીને હવે આગળ શું કરવું તેની ચિંતા થતી હતી. કારણ કે, આગળના શિક્ષણ માટે આર્થિક પરિસ્થિતિ ખુબ જ નબળી થઈ ચૂકી હતી. પરંતુ નર્મદા જિલ્લા બાળ સુરક્ષા એકમના પ્રયાસોથી મને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાય મળવા લાગી. હાલ હું રાજપીપલાની બી.એસ.સી. નર્સિંગ કોલેજ જીતનગર ખાતે અભ્યાસ સાથે સિવિલ હોસ્પિટલ ખાતે પ્રેક્ટિકલની તાલિમ લઈ રહી છું. શીતલ જણાવે છે કે, મારો ૧૫ વર્ષિય નાનો ભાઈ પણ છે, રોશનને પણ (નામ બદલેલ છે) સરકાર દ્વારા ખુબ સારી સહાય મળે છે. જેથી મારા અને ભાઈના ઉચ્ચ શિક્ષણ સાથે આર્થિક અને સામાજિક જરૂરિયાતોને સંતોષી શકું છું.
જિલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા અને સંપૂર્ણ ટીમની કામગીરી બિરદાવવાં પાત્ર
જિલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા દ્વારા મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત માસિક રૂ. ૪૦૦૦ ની સહાય આપવામાં આવી રહી છે. જેથી દીકરી શીતલ ભણતરની સાથે પોતાની પ્રાથમિક તેમજ અન્ય જરૂરિયાતો પણ પૂર્ણ કરી શકે છે. દિકરી શીતલ સહિત જિલ્લાના તમામ નિરાધાર બાળકોના આર્થિક અને સામાજિક રીતે આધારરૂપ બની રહેલા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતનભાઇ પરમાર સહિત તેમની સંપૂર્ણ ટીમ ખૂબ જ સક્રિય અને સરાહનીય કામગીરી બદલ અભિનંદનીય છે, જેની નોંધ લેવાય તે પણ જરૂરી છે.
ચેતનભાઈ પરમાર જણાવે છે કે, મુખ્યમંત્રી બાળ સેવા અંતર્ગત કોવિડના સમયમાં જે બાળકોએ પોતાના મા-બાપ ગુમાવ્યા છે, એવા બાળકોને માતા-પિતાની કમી પુરી કરવી તો અશક્ય છે. પરંતુ માતા-પિતાની જેમ સંભાળ અને કાળજી રાખી તેમના ભવિષ્યની ચિંતા કરવા માટે “ટીમ નર્મદા” હંમેશા કટીબદ્ધ છે. ખરેખર માતા-પિતા પછી એકલતાનો અનુભવ ખુબ જ દુ:ખદાયક હોય છે. ત્યારે બાળકને સમાજ અસુરક્ષિત લાગવા સાથે ભવિષ્ય અંધકારમય અને ભયજનક લાગવા માંડે છે. પરંતુ નર્મદા જિલ્લા વહિવટી તંત્ર તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકોને આ ચિંતામાંથી મુક્તિ અપાવીને એક માતા-પિતા તરીકે તેમના ભવિષ્યની ચિંતા કરીને બાળકોને સફળતાની દિશા ચિંધી આપી છે.
દીકરી શીતલના સંઘર્ષથી સફળતા સુધીની દિશામાં દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના નેતૃત્વ હેઠળ જિલ્લા વહિવટી તંત્રની એક પાંખ જિલ્લા બાળ સુરક્ષા એકમે ખરેખર એક માતા-પિતાની કુશળ જવાબદારી અદા કરી છે.કોરોના દરમિયાન માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર કુલ ૨૨ અને માતા તથા પિતાની છત્રછાયા ગુમાવનાર ૧૩૨ એમ કુલ ૧૫૪ બાળકોના ભાવિને અંધકારમાંથી ઉજાશ તરફ લઈ જઈ, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની ચિંતા જિલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા દ્વારા કરવામાં આવી છે.
સરકારની યોજનાના લાભથી શીતલ અને ભાઈ રોશનની આર્થિક સ્થિતિ બની મજબુત
દીકરી શીતલને નાનો ભાઈ પણ  છે, શીતલની સાથે નાનો ભાઈ રોશન (નામ બદલેલ છે) ને પણ રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી બાળ સુરક્ષા યોજના અંતર્ગત માસિક રૂ. ૪ હજાર અને કેન્દ્ર સરકારની સ્પોન્સરશીપ સહાય રૂ. ૪૦૦૦ એમ ૮૦૦૦ ની સહાય આપવામાં આવે છે. એમ કુલ ૧૨૦૦૦ ની સહાય પ્રાપ્ત થતાં શીતલ અને રોશનની આર્થિક સ્થિતિ ખુબ જ મજબૂત થઈ છે. તદ્ઉપરાંત કેન્દ્ર સરકારની પીએમ કેર યોજના અંતર્ગત રૂ. ૧૦ લાખ અને રાજ્ય સરકાર તરફથી એક્સ-ગ્રેટિયા યોજના અંતર્ગત રૂ. ૫૦ હજારની સહાય પણ રોશનને મળી ચૂકી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તેમને સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા પણ વાર્ષિક મળવાપાત્ર સહાય મળી ચૂકી છે.
કોરોના કાળમાં પોતાના માતા-પિતાને ગુમાવવાનું દુ:ખ રજૂ કરવું અશક્ય છે. પરંતુ દીકરી શીતલે હિંમત રાખીને ધૈર્ય સાથે સંઘર્ષની આ લડાઈને સફળતા સુધી પહોંચાડવા માટે પોતાના અભ્યાસ પર વિશેષ ભાર આપ્યો છે. ખરેખર શીતલ માટે કહેવું પડશે, “મ્હારી છોરી કિસી છોરે સે કમ હે કે”.
સરકારની અનેકવિધ શ્રેષ્ઠ લોકકલ્યાણકારી યોજનાઓ છે. પરંતુ આરોગ્ય અને બાળકોના ભવિષ્યની વાત થાય ત્યારે પ્રધાનમંત્રી આયુષ્માન યોજના અને પ્રધાનમંત્રી બાળ સેવા યોજના શ્રેષ્ઠતમ યોજનાઓમાંની એક કહી શકાય.
અહેવાલ - ઊર્મિલા માહલા

(10:17 pm IST)