Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

સુરતના કોર્પોરેટરનું સરકાર સામે પોસ્ટકાર્ડ યુદ્ધ : વિવિધ પડતર પ્રશ્ને ઘેર ઘેર પોસ્ટકાર્ડ અભિયાન

પચીસ હજાર જેટલા પોસ્ટ -કાર્ડ દ્વારા મુખ્યપ્રધાનને આગામી દિવસોમાં રજુ કરાશે

સુરત: શહેરના વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ શરૂ કરવા ઉપરાંત શહેરની કબ્જા રસીદવાળી મિલકતોને કાયદેસર કરવાની માંગ સાથે સરકાર સામે પોસ્ટ -કાર્ડ યુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે.  સુરતના વરાછા અને પુનાગામ સોસાયટીમાં આવેલ ઘરે ઘરે પોસ્ટ- કાર્ડ અભિયાનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યાં પચીસ હજાર જેટલા પોસ્ટ -કાર્ડ દ્વારા રાજ્યના મુખ્યપ્રધાનને આગામી દિવસોમાં રજુવાત કરવામાં આવશે. આ સાથે સુરત મનપા ને લગતા અન્ય બે પડતર પ્રશ્નો અંગેનો પણ પોસ્ટ - કાર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

       સુરતમાં 20 લાખથી વધુ વસ્તી ધરાવતા વરાછા વિસ્તારના વિધાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવી માંગની અને લાગણી સાથે પોસ્ટ - કાર્ડ અભિયાનની આજથી શરૂવાત કરવામાં આવી છે. વિધાર્થીઓના હિતની લડાઈમાં પુનાગામના કોંગી કોર્પોરેટરની આગેવાનીમાં આ પોસ્ટ -કાર્ડ અભિયાન છેડવામાં આવ્યું છે. જેની સાથે શહેરની 3500 જેટલી કબ્જા રસીદવાળી મિલકતોને કાયદેસર કરવાની માંગણી પણ કરવામાં આવી રહી છે.

       ઉપરાંત સુરત મહાનગરપાલિકા ને લગતા અન્ય બે પડતર પ્રશ્નોનો ઉલ્લેખ પોસ્ટ - કાર્ડમાં કરવામાં આવ્યો છે. જેમાં રોડ - રસ્તા વચ્ચે બંધ પડેલ હાઈ- ટેન્શન લાઇન દૂર કરવા તેમજ પાણીના મીટર પ્રથા નાબૂદ કરવાની માંગ સાથે કુલ 25 હજાર જેટલા પોસ્ટ લખવાની શરૂવાત આજથી કરવામાં આવી છે. સોસાયટી દીઠ પ્રમુખને આજ રોજ પોસ્ટ -કાર્ડની ફાળવણી કોંગી કોર્પોરેટરોની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કરવામાં આવી છે.

(9:23 pm IST)