Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

ભારત પાસે હિન્દુ સમાજ વિના કોઈ જ વિકલ્પ નથી : મોહન ભાગવત

શિક્ષિતોમાં છુટાછેડાના વધતા પ્રમાણ અંગે ચિંતા : શિક્ષણ-સંપન્નતા સાથે સાથે અહંકાર પણ આવ્યો છે, જેના પરિણામે આજે કુટુંબો વિખેરાઈ રહ્યા છે : મોહન ભાગવત

અમદાવાદ,તા.૧૬ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ સંચાલક મોહન ભાગવત હાલ તા.૧૫ અને ૧૬ ફેબ્રુઆરી એ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ગઇકાલે મણિનગરમાં આવેલા આરએસએસના મુખ્ય કાર્યાલય ડો.હેડગેવાર ભવનનું લોકાર્પણ કર્યું હતું. દરમ્યાન આજે મોહન ભાગવતે સ્વયં સેવકોના પરિવાર મિલન કાર્યક્રમને સંબોધિત  કરતાં મોહન ભાગવતે કેટલીક વાસ્તવિક અને હૃદયસ્પર્શી વાતો કરતાં જણાવ્યું હતું કે, જન્મથી સૃષ્ટીમાં આગળ વધવાની જે પ્રક્રિયા છે તે મનુષ્યોમાં કુટુંબથી જ હોય છે એ એમ જ નથી. પરિવાર સાથે રહેવાને કારણે આપણે સૌ કોઈ રહેતા શીખીએ છીએ. આજકાલ ડિવોર્સનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે, વાત વાતમાં ઝઘડા થાય છે પણ તેનું પ્રમાણ શિક્ષિત અને સંપન્ન વર્ગમાં વધુ છે,

         કારણ કે શિક્ષણ અને સંપન્નતાની સાથે સાથે અહંકાર પણ આવ્યો છે, જેના પરિણામસ્વરૂપ કુટુંબ વિખેરાઈ રહ્યું છે, સંસ્કાર વિખેરાઈ રહ્યા છે અને સમાજ પણ વિખેરાઈ રહ્યો છે. કારણ કે સમાજ પણ એક કુટુંબ છે. એક રીતે જોવા જઇએ તો, ભારત પાસે હિન્દુ સમાજ સિવાય કોઈ વિકલ્પ નથી અને હિન્દુ સમાજને પોતાના કુટુંબના આચરણ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ પવિત્ર સંકલ્પ સાથે આજથી જ સક્રિય થવા તેમણે લોકોને અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે જે કામ કરીએ છીએ તે કરી શકીએ પરંતુ આપણા ઘરમાં જે માતા-બહેનો છે તેને જે કરવું પડે છે તે આપણા કાર્યથી અનેકગણું કષ્ટદાયક છે. અમુક લોકો પરિવારજનોને સંઘ કાર્ય અંગે જણાવે છે અને અમુક જણાવતા નથી.

         જે લોકો નથી કહેતા કારણ કે આપણે ત્યાં પાછલા બે હજાર વર્ષથી જે રિવાજ ચાલતો આવે છે તેને કારણે સમાજની આ સ્થિતિ છે. આપણે ત્યાં જે મહિલાઓ છે તે થોડો સમય ઘરમાં બંધ રહી, બે હજાર વર્ષ પહેલા એવું નહોતું. તે સમયે આપણા સમાજનો સુવર્ણ યુગ હતો. આજના કાર્યક્રમનું કારણ એ છે કે, આપણે જે કંઈ કામ કરવું છે તે માતૃશક્તિ વિના થઈ શકે નહીં, હિન્દી સમાજને ગુણ સંપન્ન અને સંગઠીત રહેવું જોઈએ  હું હિન્દુ છું હું તમામ શ્રધ્ધા સ્થાનોનું સમ્માન કરું છું પણ આપણા શ્રધ્ધા સ્થાનના વિષયમાં એકદમ પાક્કો છું. મેં તમામ સંસ્કાર શીખ્યા ક્યાંથી પોતાના પરિવારમાંથી અને આ શીખવવાનું કામ આપણી માતૃશક્તિ કરે છે. આપણે સમાજનું સંગઠન કરવું છે, જેથી આપણું જે કામ છે તેના વિષયમાં તમામ કાર્યકરોએ પોત પોતાના ઘરે બધું જણાવવું જોઈએ. ગૃહસ્થ છે ત્યારે જ સમાજ છે ગૃહસ્થ નથી તો સમાજ નથી, કારણ કે સમાજને ચલાવવાનું કામ અંતે તો ગૃહસ્થ જ કરે છે.

          જેથી શાખામાં સંઘનું કામ કરો, સમાજમાં સંઘનું કામ કરો અને પોતાના ઘરમાં પણ સંઘનું કામ કરો, કારણ કે તમારું ઘર પણ સમાજનો હિસ્સો છે. આપણે નવી પેઢીને સમાજ માટે શું કરવું જોઈએ તે વિચારવા માટે સંસ્કારિત કરવા પડશે, પણ કહેવું કંઈ નહીં પડે કે આમ કરો તેમ કરો તેને વિચારવા દો, આજની પેઢી સક્ષમ છે. તે પ્રશ્ન કરશે તો પ્રેમથી આપણા ધર્મ અને સંસ્કૃતિ અંગે જણાવવું પડશે. નવી પેઢી નિર્ણય કરશે કારણ કે તે ઉચિત નિર્ણય કરી શકે છે. આપણા વ્યક્તિગત જીવન, કૌટુંબિક જીવન, આજીવીકાનું જીવન અને સામાજિક જીવન અને જીવનના ચાર આયામમાં સંઘની ઝલક હોય એવા કુટુંબ જોઈએ અને કુટુંબ સાથે પરિવાર એવો હશે ત્યારે રાષ્ટ્ર પરમ વૈભવશાળી બનશે અને ત્યારે જ દુનિયાને ભારત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ભારત પાસે હિન્દુ સમાજ સિવાય કોઈ વિકલ્પ નથી અને હિન્દુ સમાજને પોતાના કુટુંબના આચરણ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ પવિત્ર સંકલ્પ સાથે આજથી જ સક્રિય થઈ જવા તેમણે જનજનને અનુરોધ કર્યો હતો. મોહન ભાગવતનું આજનું વકતવ્ય પણ તાળઓના ગડગડાટથી વધાવી લેવાયું હતું.

(7:56 pm IST)