Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

કેવડિયા વિસ્તારમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન કાનુન રદ્દ કરવાની માંગ : મંગળવારે રાજપીપળામાં ધરણાં-પ્રદર્શન

કેવડિયા બચાવો..સાચાં આદિવાસી બચાવો સમિતિ દ્વારા સવારે 10થી 5 ગાંધીચોકમાં ધરણાં પ્રદર્શન:કેવડિયા વિસ્તારમા આદિવાસીઓના બંધારણીય અધિકારો માટે અને સાચો આદિવાસી સમુદાય અને અનુસુચિ-૫ વિસ્તાર ખતરામા હોય માટે આ ઘરણાનું આયોજન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બહાનું બતાવી પહેલા ૬ ગામોની જમીનો લુંટી અને હવે કેવડિયા વિસ્તારના ૧૪ ગામોમા શહેરી વિકાસ કાનુન લાગુ કરી આદિવાસીઓના બંધારણીય અધિકારો હટાવવાની શરૂઆત કરી છે. ધીરે ધીરે કેવડિયા વિસ્તાર ના ૭૨ ગામોમા કંઈ ને કંઈ નવી પરિયોજના લાવી આદિવાસીઓની જમીનો હડપી લેવાના પ્રયાસો ચાલુ હોય આગામી તેના વિરોધમાં મંગળવારે ગાંધીચોક - રાજપીપળા ખાતે ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

ટુંક સમયમા આ વિસ્તારમા એરપોર્ટ લાવવાની વાત ચાલી રહી છે. હાલ ૩૦ જેટલા પ્રોજેક્ટ તો કેવડિયા વિસ્તારમા ચાલી રહ્યા છે જેથી સાચાં આદિવાસીઓની જમીનો ભૂમાફિયાઓ અને સરકાર દ્વારા લુંટવામા આવી રહી છે, કેવડિયા વિસ્તારમાં  શહેરી કાનુન લાગુ કરી બિનઆદિવાસીઓને આ વિસ્તાર મા ઘુસાડવા માટે એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે હવે નવા નાટકો બંધ થવા જાેઈએ,આદિવાસી વિસ્તાર અને સાચાં આદિવાસી ઓને બચાવવા હવે આદિવાસી સમુદાયે બહાર આવવું પડશે તેમ આદિવાસી આગેવાન ડો પ્રફુલ વસાવા એ રોષ વ્યકત કરતા જણાવ્યું હતું.સાથે સાચાં આદિવાસી ઓની નોકરીઓ બચાવીને રહીશું પરંતુ સાચાં આદિવાસી લોકોને અને અનુસુચિ-૫ વિસ્તારને બચાવવાનો સમય હવે આવી ગયો હોય જેથી હવે કેવડિયા બચાવો સાચાં આદિવાસી બચાવોની મુહિમ ચાલું થઈ રહી હોવાની વાત પણ ડો પ્રફુલ વસાવા એ જણાવી હતી.

કેવડિયા વિસ્તાર ના હાલ પુરતાં ૧૪ ગામોમાં જે શહેરી વિકાસ કાનુન નું નોટીફીકેશન લાગું કર્યું છે તે તત્કાલ રદ્દ કરવામાં આવે તેવી માંગ સાથે રાજપીપળા ખાતે ૧૮ મી ફેબ્રુઆરી ના રોજ ધરણાં પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું છે.

(5:07 pm IST)